44 દિવસમાં ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરીને રેકોર્ડ સર્જતો નટરાજન

44 દિવસમાં ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરીને રેકોર્ડ સર્જતો નટરાજન
બ્રિસબેન, તા.1પ: ઝડપી બોલર થંગારાસુ નટરાજન ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટેસ્ટ ટીમમાં નેટ બોલર તરીકે સામેલ હતો. આજે શુક્રવારે તેણે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ટેસ્ટ પદાર્પણ કરવાનો મોકો પ્રાપ્ત થયો હતો. આ સાથે જ એક પ્રવાસમાં ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કરનારો તે ભારતનો પહેલો ખેલાડી બની ગયો છે. 29 વર્ષીય નટરાજને બ્રિસબેનમાં ટેસ્ટ કેપ હાંસલ કરી હતી. તેણે આ સિધ્ધિ ફકત 44 દિવસની અંદર હાંસલ કરી છે.  તે ભારતનો 300મો ટેસ્ટ ખેલાડી બન્યો છે. ભારતીય ટીમ વર્તમાન ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ઇજાથી સતત પરેશાન છે. ટીમના અનેક બોલર ઇજાને લીધે બહાર થઇ ચૂકયા છે. આથી આજે બે બોલર ટી. નટરાજન અને સ્પિનર વોશિંગ્ટન સુંદરને પદાર્પણનો મોકો મળ્યો હતો. બન્ને ખેલાડી નેટ બોલર તરીકે ટીમ સાથે હતા.
નટરાજને ઓસ્ટ્રેલિયા સામેના ત્રીજા વન ડે મેચથી તેની ઇન્ટરનેશનલ કેરિયર શરૂ કરી હતી. તે 2 ડિસેમ્બરે કેનબેરામાં રમ્યો હતો. જેમાં તેણે 70 રનમાં 2 વિકેટ લીધી હતી. આ પછી તેણે ટી-20 સિરીઝના ત્રણેય મેચ રમવાની તક મળી હતી અને જેમાં ભારતની 2-1થી જીત થઇ હતી.
ત્રણેય ફોર્મેટમાં ઝડપી પદાર્પણનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના પીટર ઇંગ્રામના નામે છે. તેણે ફકત 12 દિવસમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ સૂચિમાં બીજા સ્થાને પાક.નો એઝાઝ ચીમા (1પ દિવસ) અને દ. આફ્રિકાનો કાઇલ એબોટ (16 દિવસ) છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer