લાબુશેનની સદીના સહારે ઓસ્ટ્રેલિયાના 5/274

લાબુશેનની સદીના સહારે ઓસ્ટ્રેલિયાના 5/274
ટીમ ઇન્ડિયાનો ઇજા અને કેચ પડતા મૂકવાનો ક્રમ યથાવત
બ્રિસબેન, તા.1પ: ફિટનેસની સમસ્યાઓથી ઝઝુમી રહેલ ભારતના બિનઅનુભવી બોલરોના પ્રભાવી પ્રદર્શન વચ્ચે માર્નસ લાબુશનની શાનદાર સદીની મદદથી નિર્ણાયક ચોથા ટેસ્ટના આજે પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પ વિકેટે 274 રન કરીને રાહતનો શ્વાસ લીધો છે. શ્રેણીમાં પોતાના ખેલાડીઓની સતત ઇજાથી પરેશાન ટીમ ઇન્ડિયાને આજે ત્યારે વધુ એક ફટકો પડયો જયારે ઝડપી બોલર નવદિપ સૈનીને પગના સ્નાયૂ ખેંચાઇ જવાને લીધે મેદાન છોડવું પડયું.
પ્રારંભે 17 રનમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાને લાબુશેનની પાંચમી ટેસ્ટ સદી 108 રનની મદદથી મેચમાં વાપસી કરી હતી. પહેલા દિવસની રમતના અંતે કાંગારૂ સુકાની ટિમ પેન 38 અને ઓલરાઉન્ડર કેમરન ગ્રીન 28 રન કરીને અણનમ રહ્યા હતા. બન્ને વચ્ચે 61 રનની અતૂટ ભાગીદારી થઇ ચૂકી છે. આખરી સત્રમાં ભારતને એક બોલરની કમી નડી હતી. જેનો હોમ ટીમને ફાયદો મળ્યો હતો. આખરી સત્રમાં બે વિકેટ પડી હતી. જે પદાર્પણ કરનાર નટરાજનના નામે રહી હતી. તેણે મેથ્યૂ વેડ (4પ) અને શતકવીર લાબુશેનના શિકાર કર્યાં હતા. નટરાજને ઉપરાઉપરી બે ઓવરમાં બે વિકેટ લીધી હતી અને બન્ને વચ્ચેની 113 રનની ભાગીદારી તોડી હતી. લાબુશેને 204 દડામાં 9 ચોકકાથી 108 રન કર્યાં હતા. તેને બે જીવતદાન મળ્યા હતા. ભારતીય સુકાની રહાણેએ ગલીમાં અને પુજારાએ સ્લીપમાં તેના કેચ ટપકાવ્યા હતા. સ્મિથ અને લાબુશેન વચ્ચે ત્રીજી વિકેટમાં 69 રનની ભાગીદારી થઇ હતી. વોશિંગ્ટન સુંદરે સ્મિથને આઉટ કરીને તેની પહેલી ટેસ્ટ વિકેટ લીધી હતી. સ્મિથે ક્રિઝ પર સેટ થયા બાદ 36 રને આઉટ થયો હતો. વોર્નર અને હેરિસ નિષ્ફળ રહ્યા હતા.
ભારતના બિન અનુભવી બોલરોએ પહેલા દિવસે ગાબાની પિચ પર પ્રભાવશાળી દેખાવ કર્યોં હતો. નટરાજને 2 વિકેટ લીધી હતી. જ્યારે સિરાઝ-શાર્દુલ-સુંદરને 1-1 વિકેટ પ્રાપ્ત થઇ હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer