ગુજરાતના 161 સ્થળે આજથી રસીકરણનો પ્રાંરભ

ગુજરાતના 161 સ્થળે આજથી રસીકરણનો પ્રાંરભ
હવે કોરોના હારશે !
રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર, વઢવાણ, બોટાદ, દીવ, ડોળાસા સહિત શહેર-જિલ્લાઓમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિન અપાશે: દરેક સેન્ટરો પર મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો વિશેષ ઉપસ્થિત રહેશે
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.15 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 16 જાન્યુઆરીએ સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરશે. કોરોના વાયરસ સામેની આ લડત માટે પુણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાએ બનાવેલી કોવિશીલ્ડ કોરોના વેક્સિન ગુજરાત આવી ગઈ છે. હાલ તંત્ર દ્વારા 16મી જાન્યુઆરીએ થનારા રસીકરણની તૈયારીઓ કરી લેવામાં આવી છે, જેમાં ડિસ્ટ્રિબ્યુશનથી લઈ સ્ટોરેજ સહિતની તમામ રીતે તંત્ર સજ્જ થઈ ગયું છે. રાજ્યના 161 સ્થળોથી રસીકરણનો પ્રારંભ કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીને વેક્સિન અપાશે. જે દરમિયાન રાજ્યના પ્રધાનો અને આગેવાનો હાજર રહેશે. અમદાવાદમાં 16, સૂરતમાં 14 અને વડોદરામાં 10 સેન્ટર ઉભા કરવામાં આવ્યાં છે.
રાજકોટ : રાજકોટમાં 77,000 વેક્સિનના ડોઝ આવી ગયાં છે, આવતીકાલે રાજકોટ જિલ્લાના 9 સેશન સાઈટ ખાતે સવારે 10 વાગ્યાથી વેક્સિનેશનનો પ્રારંભ રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોના હસ્તે થશે. રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પી.ડી.યુ હોસ્પિટલ ખાતે મંત્રી આર.સી.ફળદુના હસ્તે, પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગોવિંદ પટેલના હસ્તે, સ્ટર્લિંગ હોસ્પિટલમાં ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના હસ્તે, વોકહાર્ટ હોસ્પિટલમાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીના હસ્તે, શ્યામનગર યુ.એચ.સીમાં ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીના હસ્તે, કોઠારિયા યુએચસી ખાતે સહકારી અગ્રણી જયોતિન્દ્ર મહેતાના હસ્તે, રાજકોટ જિલ્લામાં સીએચસી જસદણ ખાતે મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે, જેતપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મંત્રી જયેશ રાદડિયાના હસ્તે, ગોંડલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ગીતાબા જાડેજાના હસ્તે સામૂહિક રસીકરણનો પ્રારંભ થશે.
જામનગર : જામનગર જિલ્લામાં રસીકરણની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે, તા.16મીએ રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો હસ્તે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતેથી રસીકરણનો પ્રારંભ થશે. શહેર કક્ષાએ હોસ્પિટલમાં બે તેમજ નિલકંઠનગર યુ.એચ.સી. અને ગ્રામ્ય કક્ષાએ ધ્રોલ તેમજ લાલપુરમાં રસીકરણનો પ્રારંભ થશે. જો કે, જિલ્લા પંચાયતના 448 કર્મચારીઓ કોરોના વેક્સિનેશનની કામગીરીથી દૂર રહેશે.
ભાવનગર : ભાવનગર જિલ્લા માટે કોવિડ વેક્સિન કોવિશિલ્ડના 18,000 ડોઝ પૂરા પાડવામાં આવ્યાં છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા જણાવ્યાનુસાર પ્રથમ તબક્કામાં ભાવનગર મનપાના શિવાજી સર્કલ, આનંદનગર તથા આખલોલ જકાતનાકા અર્બન હેલ્થ સેન્ટર તેમજ ગ્રામ્યમાં બોરડા, તલગાજરડા તથા સોનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ 6 સ્થળે રસીકરણનો પ્રારંભ થશે.
જૂનાગઢ : જૂનાગઢની મેડિકલ કોલેજ ખાતે સવારે 10 કલાકે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે રસીકરણનો પ્રારંભ થશે એ જ રીતે ચોરવાડમાં સાંસદ રાજેશ ચુડાસમા અને કેશોદમાં ધારાસભ્ય દેવાભાઈ માલમના રસીકરણનો પ્રારંભ કરાવશે. જિલ્લાના ત્રણેય સ્થળોએ અંદાજે 300 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી અપાશે.
વઢવાણ : વઢવાણમાં આવતીકાલે સવારે 10.30 કાલે રસીકરણ શરૂ થશે. આ માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
બોટાદ : બોટાદમાં પ્રથમ તબક્કામાં જિલ્લાની સોનાવાલા હોસ્પિટલ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીમનાથ ખાતેથી રસીકરણનો પ્રારંભ થશે, 4000 રસીનો જથ્થો બોટાદ ખાતે ઉપલબ્ધ છે.
દીવ : દીવ કલેક્ટર સલોની રાયના માર્ગદર્શનમાં સોમવારથી વેક્સિનેશનનો પ્રારંભ થશે. હાલ 440 ડોઝ આવ્યાં છે જેને સીએચસીમાં સુરક્ષિત મૂકવામાં આવ્યાંછે. વેક્સીન દીવ સરકારી હોસ્પિટલ, ઘોઘલા સીએચસી અને વણાંકબારા પીએચસીમાં અપાશે.
ડોળાસા : ડોળાસામાં નવનિર્મિત સામુહિક આરોગ્ય કેન્દ્રની નવી હોસ્પિટલ ખાતે કોડીનાર, ઉના અને ગીરગઢડા તાલુકાના તમામ કોરોના વોરિયર્સને કોરોના વેક્સિન આપવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer