‘સેના દિવસ’ પર ચીનને ચેતવણી

‘સેના દિવસ’ પર ચીનને ચેતવણી
સૈન્ય વડા જનરલ નરવણેએ કહ્યું : ધીરજની કસોટી ન કરો;  પાક.નો આતંકવાદ નહીં ફાવે
નવી દિલ્હી, તા. 15 : સીમા પર જારી તાણ વચ્ચે શુક્રવારે ‘સેના દિવસ’ની ઊજવણીના અવસરે ભારતીય સૈન્ય પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ચીનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ભારતની ધીરજની કસોટી કરવાની ભૂલ ન કરે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘આત્મનિર્ભર ભારત’ પહેલ હેઠળ સેનાએ એમએસએમઇ અને ઉદ્યોગો સાથે વિકસાવવા માટે 29 સામગ્રીની ઓળખ કરી છે તેવું સેનાવડાએ 73મા સેના દિવસ પ્રસંગે કહ્યું હતું.
ગલવાન ખીણમાં સંઘર્ષ દરમ્યાન શહીદ થયેલા જવાનોનું બલિદાન એળે નહીં જવા દેવાય, તેવું પણ તેમણે ઉમેર્યું હતું.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ટોચના નેતાઓએ આ અવસરે દેશના જવાનોનાં શૌર્યને સલામ કર્યાં હતાં. સેના વડા નરવણેએ કહ્યું હતું કે, સીમા પર એકતરફી રીતે ‘યથાસ્થિતિ’ બદલવાનું જે ષડ્યંત્ર થઈ રહ્યું છે, તેને ભારત જડબાંતોડ જવાબ દઈ રહ્યું છે.
અમે વાતચીતનાં માધ્યમથી મામલાનું સમાધાન કરવાના પક્ષમાં છીએ. કોઈએ ભારતની ધીરજની કસોટી કરવાની ભૂલ ન કરવી જોઈએ, તેવું તેમણે ઉમેર્યું હતું.
જનરલ નરવણેએ પાકિસ્તાન પર પણ પ્રહાર કરતાં કહ્યું હતું કે, પાડોશી દેશ આતંકવાદીઓનું આશ્રય સ્થાન હજુ પણ બની રહ્યો છે.
આતંકવાદ વિરોધી અભિયાનોમાં વીતેલાં વર્ષે અમે 200થી વધુ આતંકીઓને ઠાર માર્યા. સીમા પાસે 300થી 400 આતંકવાદી ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે, પણ ફાવશે નહીં, તેવી ખાતરી તેમણે આપી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer