ગુજરાતનાં 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31મી સુધી યથાવત્

ગુજરાતનાં 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ 31મી સુધી યથાવત્
અમદાવાદ, તા.15 : રાજ્યમાં આવતીકાલે શનિવારથી કોરોનાના વેક્સિનેશનની શરૂઆત થવાની છે, ત્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ રાજ્યનાં 4 મુખ્ય શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન 31મી જાન્યુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરી હતી. જેથી રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. અગાઉ પોલીસવડા આશિષ ભાટિયાએ ચાર શહેર એવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવાની જાહેરાત કરી હતી. મહત્ત્વની વાત છે કે, રાત્રી કર્ફ્યૂના કારણે રાત્રીના સમયે ધંધો કરતા લોકોના ધંધા પડી  ભાંગ્યા હોવાના કારણે કર્ફ્યૂમાંથી મૂક્તિ આપવા માટે હોટેલ, રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પણ રાજ્ય સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઇને કર્ફ્યૂના સમયમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. તો બીજી તરફ હવે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં પણ ઘટાડો થઇ રહ્યો છે. તેથી રાજ્ય સરકારે હવે રાહતનો શ્વાસ લીધો છે. એક સમયે રાજ્યમાં 1400થી 1500 કેસ સામે આવતા હતા ત્યારે હવે 600થી 700 વચ્ચે કેસ નોંધાઈ રહ્યા છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાની વેક્સિન પણ આવી ગઈ છે અને 16 જાન્યુઆરીથી વેક્સિનેશનની કામગીરી પણ સરકાર દ્વારા શરૂ કરવામાં આવશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer