કૃષિ કાયદા : વાટાઘાટોની નવી તારીખ સિવાય કોઈ બાબતે સહમતી નહીં

કૃષિ કાયદા : વાટાઘાટોની નવી તારીખ સિવાય કોઈ બાબતે સહમતી નહીં
9મા તબક્કાની વાટાઘાટ પણ અનિર્ણિત: બન્ને પક્ષ પોતાનાં અભિગમ ઉપર અડગ: હવે 19મીએ બેઠક
નવીદિલ્હી, તા.1પ: કૃષિ કાયદા મુદ્દે કેન્દ્ર સરકાર અને કિસાનો વચ્ચે આજે 9મા તબક્કાની વાટાઘાટ પણ અનિર્ણિત જ રહી. સુપ્રીમ કોર્ટે ત્રણેય વિવાદિત કાયદા ઉપર રોક લગાવી દીધા બાદ આજે પહેલીવાર બન્ને પક્ષકારો વચ્ચે થયેલી મંત્રણામાં પણ અગાઉની જેમ જ ખેડૂતોએ કાયદા રદ કરવાની પોતાની માગણીમાં જરાપણ જતુ કરવાનો ઈનકાર કરી દીધો હતો. તો સામે પક્ષે સરકારે પણ કાયદા પાછા ખેંચવાને બદલે તેમાં સુધારા માટે ખેડૂતોને મનાવવાનાં વિફળ પ્રયાસો કર્યા હતાં. આખરે બન્ને વચ્ચે માત્ર એટલી જ સહમતી સાધી શકાઈ હતી કે હવે 19મી જાન્યુઆરીએ ફરી એકવાર વાટાઘાટો યોજવામાં આવશે.
આજે આશરે પાંચેક કલાક સુધી ચાલેલી બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમ પ્રકાશ હાજર હતાં. બેઠકમાં 40 જેટલા કિસાન સંગઠનોનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કિસાનો સાથે બેઠક કર્યા પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, આજે કિસાન સંગઠનો સાથેની વાતચીતનો માહોલ સૌહાર્દપૂર્ણ રહ્યો હતો. સરકાર પક્ષેથી ખેડૂતોની તમામ આશંકાઓ દૂર કરવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા હતાં પણ ચર્ચા કોઈ નિર્ણાયક તબક્કે પહોંચી શકી નહીં. 19મીએ ફરી એકવાર બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તોમરે આગળ કહ્યું હતું કે, જો ખેડૂતો ઈચ્છે તો અનૌપચારિક સમૂહ રચીને કાયદામાં વાંધાઓ અંગેનો મુસદ્દો આપે તો સરકાર તેનાં ઉપર ખુલ્લા મને ચર્ચા કરવાં તૈયાર છે.
આ સાથે જ કૃષિમંત્રીએ કોંગ્રેસ ઉપર પણ હુમલો કર્યો હતો. તોમરે કહ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનો અને કાર્યો ઉપર તો કોંગ્રેસ પાર્ટી પણ હસે છે. 2019ના ઘોષણાપત્રમાં કોંગ્રેસે જ વચન આપેલું કે તેઓ આવા સુધારા લાવશે. સોનિયા ગાંધીએ જાહેરમાં સ્વીકાર કરવો જોઈએ કે, તેઓ એ વખતે અથવા તો અત્યારે ખોટું બોલી રહ્યા છે.
તો સામે પક્ષે કિસાન નેતા જોગિંદરસિંહ ઉગ્રહાને કહ્યું હતું કે, કૃષિ કાયદા રદ કરવાની માગણી ઉપર કેન્દ્ર સરકાર અનિચ્છુક જણાઈ રહી છે. બેઠક દરમિયાન ખેડૂત આગેવાનોએ પંજાબના એ ટ્રાન્સપોર્ટરોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો જેમના ઉપર દરોડા પાડવામાં આવ્યા. કારણ કે તે ખેડૂતોનાં સમર્થનમાં છે અને ખેડૂતોને આવાગમન માટે સુવિધા આપી રહ્યા છે.
--------
ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસની કિસાન અધિકાર રેલી : રાહુલ-પ્રિયંકા જોડાયા
નવી દિલ્હી, તા.1પ : કૃષિ કાયદા પર કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે 9માં તબક્કાની મંત્રણા દરમિયાન કોંગ્રેસે દેશના અનેક ભાગમાં રાજ ભવન કૂચ સાથે કિસાન અધિકાર રેલી યોજી હતી. નવી દિલ્હીમાં કોંગ્રેસના પુર્વ પ્રમુખ રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી જોડાયા હતા. બંન્નેએ ટ્રકમાં સવાર થઈ કૂચમાં ભાગ લીધો અને ન્યાય વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા હતા.
રેલી દરમિયાન રાહુલ, પ્રિયંકા ગાંધી પંજાબના એ સાંસદોને મળ્યા જેઓ કૃષિ કાયદાના વિરોધમાં જંતર મંતર ખાતે વિરોધ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે કૃષિ કાયદા ખેડૂતોની મદદ કરવા નથી પરંતુ તેમને ખતમ કરવા છે. સરકાર ખેડૂતોની જમીન આંચકી લેવા પ્રયાસ કરી રહી છે. ભાજપા સરકારે કૃષિ કાયદા પાછા ખેંચવા જ પડશે. રાહુલ વધુમાં કહ્યુ કે દેશની આઝાદી અદાણી-અંબાણીએ નહીં, ખેડૂતોએ પોતાના લોહીથી આપી છે. જે દિવસે દેશની ખાદ્ય સુરક્ષા ચાલી જશે, દેશની આઝાદી ચાલી જશે. હિંદુસ્તાનની સરકારને આ વાત સમજાતી નથી. પરંતુ ખેડૂતો હવે આ વાત સમજી ગયા છે. જો કૃષિ કાયદાને રોકવામાં ન આવ્યા તો તેવુ અન્ય ક્ષેત્રોમાં પણ થશે. નરેન્દ્ર મોદી ખેડૂતોનું સમ્માન કરતાં નથી. અન્નદાતા કોઈને કામ કરતાં નહીં રોકે અને કોઈથી ડરશે પણ નહીં.
લખનઉમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂ રાજભવનને ઘેરાવ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર્યકરો સાથે અટકાયત કરાઈ હતી. જૂલૂસ વખતે જય જવાન, જય કિસાનના નારા લગાવાયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer