વેક્સિ‘નેશન’

વેક્સિ‘નેશન’
કોરોના મહામારી સામે આજથી રસીકરણનું મહાઅભિયાન
વડાપ્રધાનના હસ્તે અભિયાનનો આરંભ : દેશમાં 3006 સ્થળે એકસાથે રસી આપવાનું શરૂ કરાશે
મોનિટરીંગ માટે ખાસ એપ, હોટલાઈનનું લોન્ચિંગ : પ્રથમ દિવસે 3 લાખ લાભાર્થી
સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વર્કર્સનો વારો પહેલો
નવી દિલ્હી, તા.1પ : કોરોના સામેની લડાઈમાં અગ્રેસર ભારતમાં વિશ્વના સૌથી મોટા કોવિડ 19 રસીકરણ અભિયાનનો તા.16 જાન્યુઆરીને શનિવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થશે. પ્રથમ દિવસે આશરે 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓનું રસીકરણ કરાશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા અનુસાર દેશમાં એક સાથે 3006 સ્થળે રસીકરણ શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ કોરોના વેક્સિનના શરૂઆતના અમુક લાભાર્થી  સાથે વાતચીત કરશે. આ અભિયાન લાંબુ ચાલશે અને તબક્કાવાર દેશની મોટાભાગની વસતીને આવરી લેવામાં આવશે. રોજ સવારે 9થી સાંજે પ સુધી રસીકરણ ચાલશે. સરકાર દ્વારા રસીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. 18 વર્ષ અને તેથી ઉપરની ઉંમરનાને જ રસી આપવામાં આવશે.
ભારતે તાજેતરમાં કોરોનાની બે વેક્સિન (કોવિશીલ્ડ, કોવેક્સિન)ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. દેશના વિવિધ શહેરોમાં વેક્સિનનો કુલ 1.6પ કરોડ ડોઝનો જથ્થો પહોંચી ચૂકયો છે. અગાઉ બે ડ્રાય રનનું સફળતાપુર્વક આયોજન કરાઈ ચૂકયુ છે. વડાપ્રધાન દ્વારા શનિવારે કોવિન (કોવિડ વેક્સિન ઈન્ટેલીજન્સ નેટવર્ક) એપ લોન્ચ કરવામાં આવશે જેના દ્વારા અભિયાન પર દેખરેખ રાખવામાં આવશે. સાતેય દિવસ ર4 કલાક કાર્યરત હોટલાઈન 10પ7નો આરંભ કરવામાં આવશે. જેના દ્વારા વિવિધ પ્રશ્નો ઉકેલવામાં આવશે.
એવી સંભાવના છે કે દેશમાં કોરોના રસીકરણ ઝૂંબેશનો આરંભ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે જયારે દેશને સંબોધશે ત્યારે કોરોના વેક્સિન અંગે વ્યાપ્ત ગેરમાન્યતા અને જૂઠાણાને ફગાવી મંજૂર કરવામાં આવેલી વેક્સિન સંપુર્ણ સુરક્ષિત હોવાની દેશવાસીઓને ધરપત આપશે.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીને કાબૂ કરવા પુરજોશ પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે ભારતના રસીકરણ અભિયાન પર આખા વિશ્વની નજર રહેશે. કારણ કે આ અભિયાન દ્વારા કોરોના સામેની લડાઈમાં ભારત વિશ્વમાં દોરવણીરૂપ ભૂમિકા ભજવી શકે છે. ભારતના અર્થતંત્ર માટે પણ રસીકરણ અભિયાન રાહતરૂપ બની રહેશે.
અભિયાનના આરંભે અગાઉથી નિર્ધારીત દેશના પ્રત્યેક કેન્દ્ર પર આશરે 100 લોકોને કોરોનાની રસી આપવામાં આવશે. રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં 3 કરોડ લોકોને આવરી લેવામાં આવશે જેમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના સ્વાસ્થ્યકર્મીઓ (ડોકટર, નર્સ, ટેકનીશ્યન, લેબ વર્કર્સ, આઈસીડીએસ) અને કોરોના નિયંત્રણની કામગીરી કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ (પોલીસકર્મીઓ, લશ્કરના જવાનો, હોમગાર્ડ, જેલનો સ્ટાફ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્વયંસેવકો, સિવિલ ડિફેન્સ સંસ્થાનો, મનપા કર્મીઓ, રેવન્યૂ કર્મીઓ) સામેલ છે. કોરોના રસીકરણ અભિયાનનો ખર્ચ પીએમ કેર્સ ફંડમાંથી ઉઠાવવામાં આવશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer