જામનગરના હાપા નગરસીમ વિસ્તારમાંથી બાયો ડીઝલનું રિફીલીંગ કૌભાંડ : આઠ હજાર લીટરનો જથ્થો ઝડપાયો

એસ.ઓ.જી. પોલીસ-મામલતદાર પુરવઠા ટીમ સાથે દરોડો : ગેરેજ સંચાલકની અટકાયત : રૂા.5.34 લાખની સામગ્રી કબજે
જામનગર, તા.4 (ફૂલછાબ ન્યુઝ) જામનગરના હાપા નગરસીમ વિસ્તારમાં એક ગેરેજના વાડામાં બાયો ડિઝલના જથ્થાનું રિફીલીંગ કૌભાંડ પકડાયું છે.
પૂર્વ બાતમીના આધારે એસ.ઓ.જી. શાખાની ટુકડીએ મામલતદાર તેમજ પુરવઠા શાખાની ટીમને સાથે રાખીને ઓચિંતો દરોડો પાડયો હતો અને ગેરેજના વાડામાંથી 8,000 લીટર બાયો ડિઝલનો જથ્થો તેમજ રિફીલીંગને લગતી સામગ્રી સાથે ગેરેજ સંચાલકની અટકાયત કરી છે.
જામનગરના હાપા નગરસીમ વિસ્તારમાં લકકી ગેરેજનો વાડો આવેલો છે. તે વાડાની અંદર તેના સંચાલક હાર્દિક સુરેશભાઈ માખેલા દ્વારા અનઅધિકૃત રીતે બાયો ડિઝલના જથ્થાનો સંગ્રહ કરીને તેનું રિફીલીંગ અને વેંચાણ કરવાનું કારસ્તાન આચરવામાં આવી રહ્યું છે તેવી બાતમીના આધારે ગેરેજના વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન એસ.ઓ.જી. શાખાએ ગેરેજના વાડામાંથી રૂા.4,56,000ની કિંમતનો 8 હજાર લીટર બાયો ડિઝલનો અનઅધિકૃત જથ્થો ઉપરાંત તેને રિફીલીંગને લગતી સામગ્રી વગેરે મળી કુલ રૂપિયા 5,34,000ની માલમત્તા કબજે કરી છે. આરોપી હાર્દિક સુરેશભાઈ માખેલા સામે આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ  મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉપરોકત બાયો ડિઝલનો અનઅધિકૃત જથ્થો ખાનગીમાં સંગ્રહ કરવા માટે તેમજ તેના આયાત વેંચાણના સંબંધમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer