પ વર્ષ પહેલા જ લગ્ન થયા’તા: નિ:સંતાન હતા
સરા, તા.4 : મૂળી તાબેના સરા ગામે રહેતા પટેલ દંપતીએ કોઈ કારણસર તેના ઘેર સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે મૂળી તાબેના સરા ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા બળદેવભાઈ હીરજીભાઈ વરમોરા અને હેમાબેન બળદેવભાઈ વરમોરા નામના પટેલ દંપતીએ તેના ઘેર સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને દંપતીના મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બળદેવભાઈ ખેતીકામ કરતા હતા અને ઈકો કાર ભાડે ચલાવવા આપી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક બળદેવભાઈના પ વર્ષ પહેલા જ હેમાબેન સાથે લગ્ન થયા હતા અને નિ:સંતાન હતા. ગત તા.3 ના બળદેવભાઈના મોટાભાઈ શાંતિલાલને ભાઈ બળદેવભાઈનું કામ હોય તેના ઘેર ગયા હતા અને દરવાજો ખખડાવતા નહીં ખોલતા મોબાઈલ ફોન કર્યો હતો પરંતુ મોબાઈલ પણ નહીં ઉપાડતા શાંતિલાલે દીવાલ ટપી અંદર જોતા બળદેવભાઈ અને તેની પત્ની હેમાબેનની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા દેકારો કરતા આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.