ખેડૂતોનું આંદોલન ઉગ્ર : મંગળવારે ભારત બંધ

ખેડૂતોનું આંદોલન ઉગ્ર : મંગળવારે ભારત બંધ
આંદોલનને દેશવ્યાપી બનાવવા રણનીતિ ઘડતા ખેડૂતો
નવા કૃષિ કાયદા રદ કરવા  અને MSPની ગેરેન્ટી આપતો કાયદો લાવવા માગ
નવી દિલ્હી, તા.4: નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોએ આજે 9મા દિવસે ઉગ્ર વલણ અપનાવી 8 ડિસે.ને મંગળવારે ભારત બંધનું એલાન આપ્યુ છે. ખેડૂત આંદોલનને હવે દેશવ્યાપી બનાવવા રણનીતિ ઘડવામાં આવી છે. એમએસપી પર ગેરેન્ટી આપતો નવો કાયદો લાવવાની ખેડૂતોએ માગ કરી છે.
તા.પને શનિવારે બપોરે ફરી બંન્ને પક્ષકારો મળી રહ્યા છે અને આ મંત્રણા નિર્ણાયક બની રહેશે તેમ માનવામાં આવે છે. સરકાર કાયદામાં સંશોધનની તરફેણમાં છે જે ખેડૂતોએ નામંજૂર કર્યુ છે. ખેડૂતોએ એલાન કર્યુ છે કે જ્યાં સુધી કાયદા રદ કરવામાં નહીં આવે, આંદોલન ચાલુ રહેશે. ગુરૂવારની બેઠકમાં કેટલાક હકારાત્મક સંકેત મળ્યા પરંતુ ઉકેલ આવ્યો ન હતો.
શનિવારે સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે વધુ એક મંત્રણા યોજાય તે પૂર્વે ખેડૂત આગેવાનોએ એલાન કર્યુ કે 8 ડિસે.ના રોજ ભારત બંધ રહેશે. તમામ ટોલ પ્લાઝા બંધ રહેશે સાથે દિલ્હી આવતાં જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવશે. એમએસપી મામલે સરકાર સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ અમે ત્રણેય કાયદા રદ કરાવીને રહીશું. સરકાર જો એવું માનતી હોય કે જેમ જેમ દિવસો વિતતા જશે આંદોલન નબળું પડશે તો થશે ઉલટુ. આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. ખેડૂતોએ શનિવારે દેશભરમાં પૂતળા દહનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. શુક્રવારે સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદ યોજી ખેડૂત આગેવાનોએ કહ્યું કે અમે આંદોલન વધુ ઉગ્ર બનાવીશું. આજે તમિલનાડુ અને કર્ણાટકમાં અમારૂ વિરોધ પ્રદર્શન હતુ. અમે એ ખેડૂતોને પણ દિલ્હી આવવા કહ્યું છે. સમગ્ર દેશના ખેડૂતોને દિલ્હી આવવા આહવાન આપતાં ખેડૂત નેતાઓએ કહ્યું કે હવે લડાઈ આર યા પારની હશે. પાછળ હટવાનો સવાલ જ નથી.
ખેડૂત નેતાઓએ રોષભેર કહ્યું કે કોર્પોરેટ ફાર્મિંગ ખેડૂતોને મંજૂર નથી. અમે ડેડલાઈન આપી રહ્યા નથી જો આમ જ રહ્યું તો દરેક રાજ્યમાંથી ખેડૂતો દિલ્હી લાવવામાં આવશે. કર્ણાટકમાં 7 ડિસે.થી 1પમી સુધી વિધાનસભા બહાર ખેડૂતો ધરણાં કરશે. બંગાળમાં રસ્તા રોકો આંદોલન છેડાશે.
સરકાર અને ખેડૂતો વચ્ચે અત્યાર સુધીમાં 4 તબક્કાની મંત્રણા થઈ ચૂકી છે. ગુરૂવારે સાડા 7 કલાક ચાલેલી મંત્રણા નિષ્ફળ રહી અને ખેડૂતો આંદોલન ચાલુ રાખવાનું એલાન કર્યુ હતું. ખેડૂતોએ સરકાર સમક્ષ 39 મુદ્દાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યુ છે જે અંગે સરકાર ખુલ્લા મને વાતચીત કરી રહી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer