રાજકોટમાં દર 2 કલાકે 1 દર્દીનો ભોગ લેતો કોરોના

રાજકોટમાં દર 2 કલાકે 1 દર્દીનો ભોગ લેતો કોરોના
રાજકોટમાં 143 સહિત સૌરાષ્ટ્રમાં વધુ 307 સંક્રમિત, 252 ચેપમુક્ત: 
જામનગરમાં 38 કેસ-6 મૃત્યુ: 4 જિલ્લામાં 10થી ઓછા કેસ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.4 : સૌરાષ્ટ્રમાં પાછલા કેટલાક દિવસોથી કોરોનાના કેસની સંખ્યા 300ની આસપાસ રહી છે. વાયરસ તેનો રાક્ષસી પંજો વિસ્તારી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. આજે રાજકોટમાં 143 સહિત સૌરાષ્ટ્રમાં નવા 307 કેસ નોંધાયા હતા. તેમાંય રાજકોટ અને જામનગરમાં કોરોના કાળમુખો બન્યો હોય તેમ હવે દરદીઓના મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. પાછલા ચોવિસ કલાકમાં રાજકોટમાં દર બે કલાકે એક દરદીનો ભોગ લેવાયો હતો. જ્યારે જામનગરમાં પણ 6 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જો કે, આજે 252 દરદી ચેપમુક્ત થયા હતા.
રાજકોટ શહેરમાં દિવાળી પછી વાયરસનું સંક્રમણ બેફામ વધવા લાગ્યું છે. પરંતુ હજુ પણ લોકોમાં સજાગતા ઓછી હોય તેમ કોવિડની ગાઈડલાઈનના ભંગના ગુન્હા નોંધાઈ રહ્યા છે. બીજી તરફ સત્તાધારી ભાજપના આગેવાનો સામે પોલીસ અને અધિકારીઓ નતમસ્તક હોય તેમ ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોઈ રહ્યા છે. આ બધાનું પરિણામ અંતે તો પ્રજાએ જ ભોગવવું પડે છે. પાછલા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 93 અને ગ્રામ્યમાં 50 મળીને કુલ 143 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 16815 થયો હતો. જેમાંથી સારવાર દરમિયાન આજે વધુ 12 દરદીનો ભોગ લેવાયો હતો અને 128 દરદી ચેપમુક્ત થયા હતા. આ સાથે શહેરના 781 અને ગ્રામ્યના 381 મળીને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1162 રહી હતી.
જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર દરમિયાન વધુ 6 દરદીએ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે શહેરના 22 અને ગ્રામ્યના 16 સહિત જિલ્લામાં નવા 38 કેસ નોંધાયા હતા અને 25 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 145 એક્ટિવ કેસ રહ્યા હતા.
મોરબી શહેર-તાલુકામાં 18 તેમજ વાંકાનેરમાં 2, હળવદ અને ટંકારામાં 1-1 મળીને જિલ્લામાં નવા 22 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 2394 થયો હતો. જેમાંથી વધુ 6 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 214 એક્ટિવ કેસ રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં નવા 19 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 3213 થયો હતો. જેમાંથી વધુ 19 દરદી ડિસ્ચાર્જ પણ થતા હાલ 169 એક્ટિવ કેસ રહ્યા હતા. આ ઉપરાંત ભાવનગરમાં 25 કેસ અને 19 ડિસ્ચાર્જ તેમજ જૂનાગઢમાં 28 કેસ અને 18 ડિસ્ચાર્જ નોંધાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં આજે 19 લોકો સંક્રમિત થયા હતા અને 8 દરદી ચેપમુક્ત થયા હતા. તો ગીર સોમનાથમાં 8 કેસ-9 ડિસ્ચાર્જ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6 કેસ અને 11 ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે પોરબંદરમાં 5 કેસ-5 ડિસ્ચાર્જ તેમજ બોટાદ જિલ્લામાં 4 કેસ અને 4 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા.


© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer