કાંગારૂ કોચ લેંગરનો વાંધો મેચ રેફરી બૂને માન્ય રાખ્યો નહીં
નવી દિલ્હી, તા.4: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટી-20 સિરીઝના કેનબેરામાં રમાયેલા પહેલા મેચમાં કંકશન (માથામાં ઇજા)ના નિયમનો ઉપયોગ થયો હતો. પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન હોવા છતાં પણ યજુર્વેન્દ્ર ચહલને બોલિંગ કરતો જોઇને ક્રિકેટ ચાહકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું. ચહલને રવીન્દ્ર જાડેજાના સ્થાને કંકશન સબ્સ્ટિટયૂટ તરીકે ટીમ ઇન્ડિયાએ મેદાનમાં ઉતાર્યોં હતો અને બન્યું એવું કે ચહલ 2પ રનમાં 3 વિકેટ લઇને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. કોઇ સબ્સ્ટિટયૂટ ખેલાડી મેન ઓફ ધ મેચ બન્યો હોય તેવી ક્રિકેટ ઇતિહાસની કદાચ આ પહેલી ઘટના હોય શકે છે.
રવીન્દ્ર જાડેજા 23 દડામાં અણનમ 44 રન કરીને પાછો ફર્યોં હતો. તેની આ ઇનિંગ દરમિયાન તેને કાંગારૂ ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો દડો હેલ્મેટ પર લાગ્યો હતો.જો કે આ પછી તેણે બેટિંગ ચાલુ રાખીને આતશી 44 રનની ઇનિંગ રમી હતી. ફિલ્ડીંગ સમયે ભારતીય ટીમે કંકશન નિયમ મુજબ રવીન્દ્રના સ્થાને ચહલને ઉતાર્યોં હતો. જો કે ભારતના આ નિર્ણયનો ઓસ્ટ્રેલિયન કોચ જસ્ટિન લેંગરે ભારે વિરોધ કર્યોં હતો. તેઓ મેચ રેફરી ડેવિડ બૂન પાસે પણ ધસી ગયા હતા. જોકે રેફરીએ આઇસીસીના નિયમનો હવાલો આપીને લેંગરની દલીલ માન્ય રાખી ન હતી.
આ વર્ષે 1 ઓગસ્ટે આઇસીસીએ કેટલાક નિયમ બદલાવ્યા છે. જે અનુસાર જો કોઇ ખેલાડીના માથા કે ગરદનમાં ઇજા થાય તો તેના સ્થાને બીજા ખેલાડીને મોકો આપી શકાય છે. એટલે કે આપના 12 કે તેથી વધુ ખેલાડી બોલિંગ-બેટિંગ કરી શકે છે. નિયમ અનુસાર જો કોઇ બોલરને ઇજા થાય તો તેના સ્થાને (સ્પિનર હોય તો સ્પિનર અને ફાસ્ટ બોલર હોય તો ફાસ્ટ બોલર) સબ્સ્ટિટયૂટ તરીકે બોલરને જ સામેલ કરી શકયા છે. આવું જ બેટસેમનના કિસ્સામાં લાગુ પડે છે, પણ જો કોઇ ઓલરાઉન્ડર બેટિંગમાં આવે તો તે બોલિંગ કરી શકતો નથી.
આજના મેચમાં ભારતે એવી દલીલ કરી હતી કે જાડેજા હેલ્મેટ પર દડો લાગ્યા બાદ ઇનિંગ બ્રેક વખતે અસહજ મહેસૂસ કરી રહ્યો હતો. આથી કંકશન સબ્સ્ટિટયૂબ તરીકે ચહલનો બખૂબી ઉપયોગ કર્યોં હતો.
કંકશન સબ્સ્ટિટયૂટના નિયમનો ભારતને ફાયદો
