લોકડાઉને ભારતના મજદૂરો પર ગંભીર અસર પાડી : વૈશ્વિક અહેવાલમાં ખુલાસો
નવી દિલ્હી, તા. 4 : આંતરરાષ્ટ્રીય મજદૂર સંગઠન (આઈએલઓ)ના એક અહેવાલમાં એ બાબત સ્પષ્ટ બની છે કે ભારતના મજદૂરો પર કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનની સ્થિતિની ગંભીર અસર પડી છે. અહેવાલ અનુસાર અસંગઠિત ક્ષેત્રના મજૂરોના વેતનમાં 22.6 ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે સંગઠિત ક્ષેત્રના કામદાર વર્ગનો પગાર 3.6 ટકા સુધી ઘટયો હતો. અહેવાલ અનુસાર ભારતમાં ન્યૂનતમ મજદૂરી પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળથી પણ ઓછી રહી છે.
રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ભારતમાં લગાવવામાં આવેલા પહેલા અને બીજા તબક્કાના લોકડાઉન દરમ્યાન બધું બંધ હોવાને કારણે મજદૂરોને દૈનિક મજદૂરી મળી ન હતી. 40 દિવસ ચાલેલા આરંભિક લોકડાઉનથી અસંગઠિત ક્ષેત્રના કામદારોના વેતનમાં સરેરાશ 22.6 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે સંગઠિત ક્ષેત્રના કામદારો લોકડાઉનની અસરથી ઘણી હદ સુધી સુરક્ષિત રહ્યા હતા અને તેમના વેતનમાં 3.6 ટકાનો ઘટાડો જોવાયો હતો. વૈશ્વિક સ્તરની દૃષ્ટિએ ભારતની સ્થિતિ ઘણી ખરાબ છે. આખી દુનિયાનું સરેરાશ ન્યૂનતમ માસિક વેતન 9720 રૂપિયા પ્રતિદિન જેવું રહે છે તેની સરખામણીએ ભારતમાં તે 4300 રૂપિયા જેવું છે. એ જ રીતે પાકિસ્તાનમાં તે 9820, નેપાળમાં 7920 અને શ્રીલંકામાં 4940 તથા ચીનમાં 7060 રૂપિયા છે.
ન્યૂનતમ મજૂરી મામલે ભારત પાકિસ્તાન, નેપાળ, લંકાથી પાછળ
