1607, રાજ્યમાં કોરોનાના વિક્રમી કેસ

1607, રાજ્યમાં કોરોનાના વિક્રમી કેસ
અમદાવાદ,તા. 27 : રાજ્યમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધતો જાય છે. તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી અને હજુ પણ સરકાર દ્વારા કોરોના કાબુ હેઠળ છે. કોઇએ ગભરાવવાની જરૂર નથી તેવી ગુલબાંગો પોકારાઈ રહી છે ત્યારે આજે રાજ્યમાં અત્યાર સુધીના તમામ સર્વોચ્ચ આંકડાને પાર કરીને 1600 ઉપર અર્થાત્ 1607 કોરોના સંક્રમિતના કેસ નોંધાતા ગુજરાતમાં કુલ કેસનો આંકડો 2,05,116 પર પહોંચ્યો છે. બીજી બાજુ રાજ્યમાં ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા ઘટતી જાય છે.
આજે 1388 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કોરોના ડિસ્ચાર્જ દર્દીનો આંક 1,86,446 પર પહોંચ્યો છે. એક વખત ડિસ્ચાર્જ દર્દીનો આંક 91 ટકા ઉપર પહોંચ્યો હતો તે ઘટીને 90.90% થયો છે. જ્યારે વધુ 16 કોરોના દર્દીના મૃત્યુ નીપજતા કુલ મૃત્યુનો આંક 3938 થયો છે.
ગુજરાતમાં નવા નોંધાયેલા 1607 કેસમાં સૌથી વધુ 353 અમદાવાદમાં, સુરતમાં 299, વડોદરામાં 167, રાજકોટમાં 139, ગાંધીનગરમાં 66, જામનગરમાં 43, બનાસકાંઠામાં 51, પાટણમાં 49, મહેસાણામાં 43 તેમજ અન્ય જિલ્લાઓમાં 40થી ઓછા કેસનો સમાવેશ થાય છે. જ્યારે અમદાવાદમાં 11, સુરતમાં 4 અને ગાંધીનગરમાં 1 મૃત્યુ નોંધાયું છે. ગુજરાતમાં હાલ 14732 એક્ટિવ કેસ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer