આંદોલનકારી ખેડૂતોને દિલ્હી પ્રવેશની મંજૂરી

આંદોલનકારી ખેડૂતોને દિલ્હી પ્રવેશની મંજૂરી
દિલ્હીના નિરંકારી મેદાનમાં શાંતિપૂર્ણ પ્રદર્શન યોજવા પોલીસની અપીલ

નવી દિલ્હી, તા.ર7: કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી કૂચ માટે પંજાબ, હરિયાણાથી નીકળેલા હજારો ખેડૂતોને હરિયાણા સરહદે અટકાવવામાં આવ્યા બાદ મચેલા ઘમાસાણ વચ્ચે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની તથા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી છે. દિલ્હી સરહદે પોલીસ સાથે ઘર્ષણના બનાવ વચ્ચે કેટલાક ખેડૂતો વડાપ્રધાન નિવાસ 7 આરસીઆર સુધી પહોંચી ગયા હતા. ખેડૂતો સાથે આપના નેતા પણ સાથે રહયાનું કહેવાય છે. ખેડૂતોના આ આંદોલનને પંજાબ અને દિલ્હી સરકારે સમર્થન આપ્યુ છે અને વહેલી તકે મંત્રણા દ્વારા મામલો ઉકેલવા માગ કરી છે.
આ પહેલા દિલ્હી પોલીસ અને ખેડૂત નેતાઓ વચ્ચે વાતચીત બાદ બુરાડી મેદાનમાં ખેડૂતોને આંદોલનની છૂટ અપાઈ હતી. ખેડૂતો સિંધે બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશી શકશે પરંતુ ત્યાર બાદ પોલીસની ટીમ તેમની સાથે રહેશે. દિલ્હી પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે શુક્રવારે એલાન કર્યુ કે ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરી શકશે, પોલીસ તેમની સાથે રહેશે. દિલ્હીના બુરાડી વિસ્તારમાં નિરંકારી મેદાન ખાતે ખેડૂતો ધરણાં પ્રદર્શન યોજી શકશે. સાથે તેમણે ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન યોજવાની અને કાયદો વ્યવસ્થા જાળવવાની અપીલ કરી હતી.
જો કે દિલ્હીમાં પ્રવેશની મંજૂરી બાદ ખેડૂતો સિંધુ બોર્ડરે પહોંચ્યા તો બબાલ શરૂ થઈ હતી. ખેડૂતોએ પથ્થરમારો શરૂ કરી દેતાં પોલીસે ટોળાને વિખેરવા વોટર કેનન અને ટીયર ગેસનો ઉપયોગ કરવો પડયો હતો. દિલ્હી પોલીસે ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશવાની મંજૂરી આપ્યા બાદ દિલ્હી-હરિદ્વાર રાજમાર્ગ ખોલી નંખાયો હતો. ખેડૂતોના ચક્કાજામ પૂર્ણ થયા છે. શનિવાર સવારથી ઉત્તરપ્રદેશ અને ઉતરાંચલના ખેડૂતો આંદોલનમાં જોડાઈ રહયાનું સામે આવ્યું છે.
ખેડૂતોની દિલ્હી કૂચને પગલે દિલ્હી-હરિયાણા સરહદે ભારે માત્રામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. અનેક સ્થળે પોલીસ અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે અથડામણના બનાવો બન્યા છે. વાહનો ભરીને રાશન-પાણી સાથે નિકળેલા ખેડૂતોએ અનેક રસ્તાઓથી દિલ્હીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતાં પોલીસ સાથે ઘર્ષણ થયું છે.
દરમિયાન રાજયના 9 સ્ટેડિયમને અસ્થાયી સ્ટેડિયમમાં બદલવાની દિલ્હી પોલીસની અરજીને દિલ્હી સરકારે નામંજૂર કરી છે. આમ આદમી પાર્ટીએ પોલીસની આવી માગ સામે વાંધો ઉઠાવ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer