પહેલા ત્રિમાસિક ગાળાની તુલનાએ વિકાસ દર સુધરીને માઇનસ 7.5 ટકા : ટેકનિકલ મંદી
નવી દિલ્હી, તા.27 : દેશની અર્થવ્યવસ્થામાં કોવિડના આરંભિક ઝાટકા બાદ સુધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અસરથી નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારે ફટકા બાદ બીજા ત્રિમાસિક ગાળાએ તેમાંથી બહાર આવવાના સંકેત આપ્યા છે. બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી માઈનસ 7.5 ટકા રહ્યો હતો. જયારે પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી માઈનસ 23.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો જોકે દેશ ટેકનિકલ મંદીની ચપેટમાં સપડાતો નજરે પડી રહ્યો છે.
જો પહેલા ત્રિમાસિક ગાળા સાથે તુલના કરીએ તો અર્થવ્યવસ્થામાં સુધાર દેખાય છે પરંતુ તેમ છતાં નેગેટિવ વિકાસ અર્થવ્યવસ્થા માટે સારો સંકેત નથી. સતત બે ત્રિમાસિક ગાળામાં નેગેટિવ વિકાસને ટેકનિકલ દ્રષ્ટિએ મંદી માનવામાં આવે છે. આનો અર્થ એ પણ થયો કે સરકારે સત્તાવાર રીતે મંદીનો સ્વીકાર કર્યો છે. મુખ્ય આર્થિક સલાહકારે આજે સરકાર દ્વારા જારી આકડાઓ અગે જણાવ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા સારું પ્રદર્શન કરી રહી છે. કોરોનાથી પહેલાં અર્થવ્યવસ્થાએ બહેતર પ્રદર્શન કર્યું હતું પરંતુ આપત્તિને કારણે સુસ્તી આવી હતી. આ જ કારણ છે કે પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ માઈનસમાં આશરે 24 ટકા પહોંચી ગઈ હતી.
રિઝર્વ બેન્કે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 8.6 ટકાના ઘટાડાનું અનુમાન કર્યું હતું. કેયર રેટિંગ્સે પણ આ ગાળામાં જીડીમાં 9.9 ટકા ઘટાડાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. આ સંદર્ભમાં અર્થવ્યવસ્થાએ સારો દેખાવ કર્યો છે એમ કહી શકાય. એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી કે ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થામાં મામૂલી સુધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2019-20ના સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 4.4ની વૃદ્ધિ થઈ હતી. કોર સેક્ટરમાં ઓક્ટોબરમાં વૃદ્ધિ માઈનસ 2.5 ટકા રહી હતી જે સપ્ટેમ્બરની તુલનાએ 0.8 ટકા ઓછી છે. કોલસો, કાચું તેલ, સ્ટીલ, પેટ્રો રિફાઈનિંગ, વીજળી અને કુદરતી ગેસ ઉદ્યોગોને કોઈ પણ અર્થવ્યવસ્થાનો પાયો માનવામાં આવે છે અને આઠ ક્ષેત્રને કોર સેક્ટર કહેવામાં આવે છે.
GDPમાં સુધાર પણ મંદીના અણસાર
