4 લાખ શું 4 કરોડ આપે તો પણ ભાઈની ખોટ કેમ પુરાય

4 લાખ શું 4 કરોડ આપે તો પણ ભાઈની ખોટ કેમ પુરાય
આગનો ભોગ બનેલા મૃતક દરદીના સ્વજનોનો આક્રંદ સાથે આક્રોશ
સાંકડાં પગથિયાંને કારણે અમારાં સગાં મોતને ભેટયા : મૃતક કેશુભાઇ સાથે ઘટી કરુણાંતિકા
રાજકોટ, તા.27 : રાજકોટની ઉદય કોવિડ હોસ્પિટલમાં રાત્રે આગ લાગતાં પાંચ દર્દી મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. મૃતકોને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આવેલા મૃતકોના સ્વજનોએ આક્રંદ સાથે હોસ્પિટલ, સ્થાનિક તંત્ર અને સરકારની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ દર્દીનાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યાં છે. જેમાં મૃતક સંજયભાઈ રાઠોડનાં બહેન સંધ્યાબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતાં અને જણાવ્યું હતું કે, 4 લાખની સહાય શું 4 કરોડ રૂપિયા આપે તો પણ ભાઈની ખોટ કેમ પુરાય. સંધ્યાબહેને વધુમાં ઉમેર્યુ હતુ કે, અમે રાજકોટના પ્રહલાદ પ્લોટમાં રહીએ છીએ. રાતે જ ભાઈ સાથે વાત થઈ હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, રાત્રે આઈસીયુનો દરવાજો બંધ રાખવામાં આવ્યો છે. ઘટના બાદ સામે આવ્યું હતુ કે, સાવ ત્રણ ફૂટનો દરવાજો હતો. એમાં આગ લાગી ત્યારે દર્દીઓને બહાર કેવી રીતે કાઢી શકાય એવો આક્ષેપ કર્યો હતો. પાંચ મૃતકો પૈકીના સ્વ.કેશુભાઈએ રાત્રે 11 વાગ્યે પરિવારને વિડિયો કોલ કરીને  પોતાને સારૂ હોવાનું કહ્યું હતુ અને બે કલાકમાં જ આગ ભરખી ગઈ હતી. જ્યારે મૂળ મોરબીના નીતિન મણિલાલ બદાણી પણ આ અગ્નિકાંડમાં ભડથું થઈ ગયા છે. નીતિનભાઈના પુત્ર અંકિતભાઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, પપ્પા સાથે રાતે નવ વાગ્યે વિડિયો કોલમાં વાત થઈ હતી અને તેમણે કહ્યુ હતું કે હવે બધા સૂઈ જાઓ, સવારે વાત કરીશું, પરંતુ અમને શું ખબર કે પપ્પા રાત્રે સૂઈ ગયા સવારે ઊઠશે જ નહીં. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, કોવિડ હોસ્પિટલની ઘોર બેદરકારી છે, પૂરા પૈસા લઈ લે છે, પરંતુ દર્દીઓને સગવડ આપતા નથી. સાંકડો દરવાજો અને સાંકડાં પગથિયાંને કારણે અમારાં સગાં મોતને ભેટયા છે.
સારવાર હેઠળ રહેલા દર્દીઓ
ઉદય કોવિડ હોસ્પિટલમાં કુલ 33 દર્દીઓ સારવાર હેઠળ હતા. જેની નામાવલી આ મુજબ છે. થાવરભાઈ મહેશભાઈ મહેશ્વરી, અજીતભાઈ ભાટીયા, મનસુખભાઈ આરદેસણા, શોભનાબેન પાંચોત, યોગીનીબેન બુચ, ચારુલતાબેન કોઠારી, કીશોરભાઈ ઘંસડીયા (આ દર્દીઓ આઈસીયુ વિભાગમાં હતા) જ્યારે જનરલ વોર્ડમાં નયનાબેન નીશરાલીયા, રંજનબા ઝાલા, ગોવીંદભાઈ અકબરી, નિર્મલાબેન રાઠોડ, જયેન્દ્રસિંહ જાડેજા, મજુલાબેન રાણપુરા, ગીરીશભાઈ ભીમાણી, જલ્પાબેન તન્ના, શ્રીધર બાંધા, ગોવાભાઈ આંબલીયા, પ્રવિણભાઈ લાખાણી, વૈશાલીબેન નંદાસણા, તરુલતાબેન પરમાર, ઉર્મીલાબેન પરમાર, બીપીનભાઈ બ્રહ્મભટ, ભરતભાઈ અમૃતીયા, રવિરાજસિંહ જાડેજા, પ્રવિણબા જાડેજા, દીલીપભાઈ કુબેરભાઈ અને હસમુખભાઈ સીમરીયાનો સમાવેશ થાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer