આંધળી ચાકળની આંતરરાષ્ટ્રીય તસ્કરી !

ગીરગઢડાના ઇટવાયામાંથી ઝડપાયેલા શખસ પાસેથી વિગતો મળશે: પાંચની શોધખોળ
જૂનાગઢ, તા. 27 : આજના વૈજ્ઞાનિક યુગમાં અંધશ્રધ્ધા દૂર થઇ નથી તેમ અલૌકિક અને મર્દાના તાકાત માટે ગણના કરાય છે તે ગુજરાતમાં બે મોઢાવાળી બંબોઇ અથવા આંધળી ચાકળ ત્રણ સાથે ગિરગઢડાના ઇટવાયામાંથી એક શખસને વન વિભાગે ઝડપી લઇ પૂછપરછ કરતા સુરતના શખસે રૂા. 75 લાખમાં ત્રણ સાપનો સોદો કર્યો હતો. આ સ્કેન્ડલ ગુજરાત જ નહીં આંતરરાષ્ટ્રીય હોવાનું મનાય છે.
ઇટવાયા ગામે રહેતા અને ખેતીકામ કરતા જગદીશ મનુભાઈ વાડોદરિયાએ પોતાના ફળિયામાં આંધળી ચાકળ નામના સાપનો સંગ્રહ કર્યાની વન વિભાગને જાણ થતા જશાધાર રેન્જના આર.એફ.ઓ. જે.જી. પંડયા તથા સ્ટાફે દરોડો પાડી ત્રણ બિનઝેરી આંધળી ચાકળ સાથે જગદીશ વાડોદરિયાની અટકાયત કરી હતી.
પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ કે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો તેથી સુરતમાં ઓળખાણ હતી અને લોકડાઉનમાં હીરાના કારખાના બંધ થતા વતનમાં આવી ગયો હતો. સુરતના હસુ નામના શખસે આંધળી ચાકળ શોધવા જણાવેલ તેથી ગીર જંગલ નજીકથી ત્રણ આંધળી ચાકળ શોધી કાઢી તેનો રૂા. 75 લાખમાં સોદો કર્યો હતો. પરંતુ લંબાઈ અને વજન ઓછા હોવાથી સ્વીકારેલ નથી.
આ ત્રણેય સાપની લંબાઈ તથા વજન વધારવા માટે રાફડાની માટી લાવી ફળિયામાં ત્રણેયને રાખવામાં આવ્યા હતા. આ કૃત્યમાં ગીરગઢડા વિસ્તારના અન્ય પાંચથી સાત લોકો સામેલ હોવાનું જણાવ્યું હતું. વન વિભાગે આ શખસને રીમાન્ડ ઉપર મેળવી ટોળકીના અન્ય શખસોની શોધખોળ આરંભી છે.
આ અંગે ગિર પૂર્વનાં ડી.સી.એફ. ડો. અંશુમાન શર્મા અને એ.સી.એફ. નિકુંજ પરમારના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ તપાસમાં જગદીશનો મોબાઈલ કબ્જે કરી કોલ ડીટેઇલના આધારે આ સ્કેન્ડલમાં સંડોવાયેલાઓની શોધખોળ હાથ ધરી છે.
આ અંગે એ.સી.એફ. નિકુંજ પરમારએ જણાવ્યું કે, ઝડપાયેલ જગદીશ આગામી તા. 1 સુધી રીમાન્ડ ઉપર છે.  તેના મોબાઈલની કોલ ડીટેઇન મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીરગઢડા પંથકના પાંચ શખસોના નામો બહાર આવ્યા છે તેને ઝડપી લેવા ટીમો બનાવાઈ છે.
આ સ્કેન્ડલમાં સુરતનો હસુ નામના શખસની તેના મોબાઈલ નંબરના આધારે સાચી ઓળખ મેળવવા અને તે ઝડપાયા બાદ આ સ્કેન્ડલના મૂળ સુધી પહોંચી શકાશે. કારણ કે અમેરિકા, ચીન જેવા દેશોમાં આંધળી ચાકળની માગ વધુ છે.
પરંતુ આ સ્કેન્ડલના મૂળ સુધી પહોંચવામાં સમય લાગશે તેમ જણાવ્યું. અત્યારે ઝડપાયેલા જગદીશની સઘન પૂછતાછ ચાલી રહી છે પરંતુ તે વચેટિયો હોવાનું રટણ કરી રહ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer