પ્રારંભે પછડાટ પહેલા વન ડેમાં ટીમ ઈન્ડિયાનો 66 રને પરાજય

પ્રારંભે પછડાટ પહેલા વન ડેમાં ટીમ ઈન્ડિયાનો 66 રને પરાજય
ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ: સ્મિથ અને કેપ્ટન ફિંચની સદીથી ઓસિ.ના 6/374
હાર્દિકના 90 અને શિખરના 74થી ભારતના 8/308: શમીને 3 વિકેટ મળી
આઠ મહિના બાદ સ્ટેડિયમમાં દર્શકોની વાપસી
ઝમ્પાની 4 અને હેઝલવૂડની 3 વિકેટ
સિડની, તા.27: ધાર વિનાની બોલિંગ, કંગાળ ફિલ્ડીંગ અને બાદમાં શિખર-હાર્દિક સિવાયના ટોચના ક્રમના બેટ્સમેનોની નિષ્ફળતાને લીધે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના પહેલા ડે-નાઇટ વન ડે મેચમાં ભારતનો 66 રને પરાજય થયો હતો. આથી ત્રણ મેચની સિરિઝમાં કાંગારૂ ટીમ 1-0થી આગળ થઇ છે. પ્લેયર ઓફ ધ મેચ સ્ટીવન સ્મિથની સ્ટ્રોકફૂલ સેન્ચૂરી અને કેપ્ટન એરોન ફિંચની જવાબદારીભરી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારતના તમામ બોલરોની ધોલાઇ કરીને પ0 ઓવરમાં 6 વિકેટે 374 રનનો મોટો સ્કોર ખડકયો હતો. 37પ રનના પહાડ સમાન વિજય લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયા સંઘર્ષ બાદ પ0 ઓવરના અંતે 8 વિકેટે 308 રને હાંફી ગઇ હતી. લગભગ 8 મહિના બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહેલી કોહલીસેના તેના ઓરિજનલ ટચમાં જોવા મળી ન હતી. બોલરો તેમની લાઇન લેન્થ ભૂલ્યા હતા તો ફિલ્ડરો ઢીલાઢફ જોવા મળ્યા હતા. હાર્દિકે 76 દડામાં 90 અને શિખરે 86 દડામાં 74 રન કર્યાં હતા. આ સિવાય સુકાની વિરાટ કોહલી સહિતના ટોચના ક્રમના ભારતીય બેટધરો નિષ્ફળ રહ્યા હતા. ઓસિ. તરફથી સ્પિનર આદમ ઝમ્પાએ 4 અને ફાસ્ટ બોલર હેઝલવૂડે 3 વિકેટ લીધી હતી. શ્રેણીનો બીજો મેચ આ જ મેદાન પર રવિવારે રમાશે. શ્રેણી જીવંત રાખવા આ મેચમાં ભારતીય ટીમ માટે રવિવારનો મુકાબલો કરો યા મરો સમાન બની રહેશે.
37પ રનના વિજય લક્ષ્યાંક સામે ભારતે આક્રમક શરૂઆત કરી હતી. શિખર ધવન અને મયંક અગ્રવાલની જોડીએ પ્રારંભથી જ કાંગારૂ ફાસ્ટ બોલરો સામે છૂટા હાથની બેટિંગ કરી હતી. બન્ને વચ્ચે પાંચમી ઓવરમાં જ પ0 રનની ભાગીદારી પૂરી થઇ હતી. જો કે હેઝલવૂડે મયંકનો શિકાર કરીને ઓસ્ટ્રેલિયાને સફળતા અપાવી હતી. મયંક 18 દડામાં 2 ચોક્કા અને 1 છક્કાથી 22 રને આઉટ થયો હતો. તેણે શિખર સાથે માત્ર 32 દડામાં પ3 રનની ભાગીદારી નોંધાવી હતી. મયંકની વિકેટ બાદ સુકાની વિરાટ કોહલી (21), શ્રેયસ અય્યર (2) અને કેએલ રાહુલ (12) ઉપરાઉપરી આઉટ થતાં ભારતમાં દબાણમાં આવી ગયું હતું. 101 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ અનુભવી શિખર ધવન અને ફકત બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ થયેલ હાર્દિક પંડયાએ કાંગારૂ બોલરો સામે આક્રમક બેટિંગ કરીને મેચને રસપ્રદ બનાવ્યો હતો.
ખાસ કરીને હાર્દિક પંડયાએ પ્રભાવશાળી બેટિંગ કરી હતી. જયારે શિખર ધવને તેનો સાથ આપ્યો હતો. ધવન 86 દડામાં 10 ચોકકાથી 74 રન કરીને ઝમ્પાના બોલમાં આઉટ થયો હતો. આ જોડી તૂટી હતી અને એ સાથે મેચ પણ ઓસ્ટ્રેલિયાની મુઠ્ઠીમાં આવી ગયો હતો. શિખર-હાર્દિક વચ્ચે પાંચમી વિકેટમાં 127 દડામાં 128 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. હાર્દિક તેની પહેલી વન ડે સદી 10 રને ચૂકી ગયો હતો. તે 76 દડામાં 7 ચોક્કા અને 4 છક્કાથી શાનદાર 90 રને આઉટ થયો હતો. જયારે રવીન્દ્ર જાડેજાએ 2પ અને નવદિપ સૈનીએ અણનમ 29 રનનું યોગદાન આપ્યું હતું. આથી ભારતના પ0 ઓવરમાં 8 વિકેટે 308 રન થયા હતા અને 66 રને ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો. ઝમ્પાએ પ4 રનમાં 4 અને હેઝલવૂડે પપ રનમાં 3 વિકેટ લીધી હતી.
આ પહેલા ટોસ જીતીને પહેલો દાવ લેનાર ઓસ્ટ્રેલિયાએ ભારતની નબળી બોલિંગ-િફલ્ડીંગનો ભરપૂર ફાયદો ઉઠાવીને પ0 ઓવરમાં 6 વિકેટે 374 રન ખડકયા હતા. જેમાં સુકાની એરોન ફિંચ અને સ્ટીવ સ્મિથની સદી મુખ્ય હતી. આ સિવાય ડેવિડ વોર્નરે અર્ધસદી અને મેકસવેલે ધૂંઆધાર 4પ રન કર્યાં હતા. ફિંચ અને વોર્નર વચ્ચે પહેલી વિકેટમાં 1પ6 રનની સોલીડ પાર્ટનરશિપ થઇ હતી. વોર્નર 76 દડામાં 6 ચોકકાથી 69 રને શમીનો શિકાર બન્યો હતો. જયારે ફિંચ સદી સમાપ્ત કર્યાં બાદ 124 દડામાં 9 ચોક્કા-2 છક્કાથી 114 રને પાછો ફર્યોં હતો. ફિંચ અને સ્મિથ વચ્ચે બીજી વિકેટમાં 73 દડામાં 108 રનની ભાગીદારી થઇ હતી. આ પછી મેકસવેલે માત્ર 19 દડામાં પ ચોક્કા અને 3 છક્કાથી 4પ રનની આતશી ઇનિંગ રમી હતી. તો સ્મિથે તેની સદી 62 દડામાં પૂરી કરી હતી. તે આખરી ઓવરમાં 10પ રને આઉટ થયો હતો. તેણે 66 દડાની ઇનિંગમાં 11 ચોક્કા-4 છક્કા ફટકારીને લાજવાબ બેટિંગ કર્યું હતું. ભારતના તમામ બોલરોની ધોલાઇ થઇ હતી. ફિલ્ડીંગ પણ ઘણી ખરાબ રહી હતી. ઓછામાં ચાર કેચ પડતા મુકયા હતા અને ઘણા મોકા પર ગલી કરી હતી. શમીએ પ9 રનમાં 3 વિકેટ લીધી હતી. બુમરાહે 73, સૈનીએ 83, ચહલે 89 અને જાડેજાએ 63 રન લૂંટાવ્યા હતા.
સ્કોરબોર્ડ
ઓસ્ટ્રેલિયા: વોર્નર કો. રાહુલ બો. શામી 69, ફિન્ચ કો. રાહુલ બો. બુમરાહ 114,  સ્મિથ બો. શામી 105, સ્ટોઇનિસ કો. રાહુલ બો. ચહલ 00,  મેક્સવેલ કો. જાડેજા બો. શામી 45, લંબુસગે કો. ધવન બો. સૈની 02, કેરી અણનમ 17, કમિન્સ અણનમ 01, વધારાના 21, કુલ (50 ઓવરમાં 6 વિકેટે) 374,  વિકેટ  : 1-156, 2-264, 3-271, 4-328, 5-331, 6-372,  બાલિંગ : શામી : 10-0-59-3, બુમરાહ : 10-0-73-1, સૈની : 10-0-83-1, ચહલ : 10-0-89-1, જાડેજા : 10-0-63-0
ભારત : અગ્રવાલ કો. મેક્સવેલ બો. હેઝલવુડ 22, ધવન કો. સ્ટાર્ક બો. ઝંપા 74, કોહલી કો. ફિન્ચ બો. હેઝલવુડ 21, શ્રેયસ અય્યર કો. કેરી બો. હેઝલવુડ 02, રાહુલ કો. સ્મિથ બો. ઝંપા 12, હાર્દિક પંડયા કો. સ્ટાર્ક બો. ઝંપા 90, જાડેજા કો. સ્ટાર્ક બો. ઝંપા 25,  સૈની અણનમ 29, શામી બો. સ્ટાર્ક 13, બુમરાહ અણનમ 00,  વધારાના  20, કુલ (50 ઓવરમાં 8 વિકેટે) 308, વિકેટ: 1-53, 2-78, 3-80, 4-101, 5-229, 6-247, 7-281, 8-308 બાલિંગ : સ્ટાર્ક : 9-0-65-1, હેઝલવુડ : 10-0-55-3, કમિન્સ : 8-0-52-0, ઝંપા : 10-0-54-4, સ્ટોઇનિસ : 6.2-0-25-0, મેક્સવેલ : 6.4-0-55-0.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer