મનપા સાપ્તાહિક બજારને શરૂ કરવા ધંધાર્થીઓને છૂટ આપશે

મનપા સાપ્તાહિક બજારને શરૂ કરવા ધંધાર્થીઓને છૂટ આપશે
સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું ફરજિયાત પાલન કરવુ પડશે : રવિવારી અને બુધવારી બજાર હોકર્સ ઝોનમાં ખસેડાશે
રાજકોટ, તા. ર8 : કોરોનાની મહામારી વચ્ચે દર બુધવારે અને રવિવારે શહેરમાં ભરાતી બજારોમાં સોશિયલ ડિસ્ટનન્સનું ઉલ્લંઘન થતું હોવાનું ધ્યાને આવ્યાં બાદ મનપાની જગ્યા રોકાણ શાખા દ્વારા આ બન્ને બજારોને બંધ કરી દેવામાં આવી હતી જેના કારણે અનેક નાના ધંધાર્થીઓ બેરોજગાર બન્યાં છે તેઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને દિવાળીના તહેવારોમાં તેઓને છૂટ આપવાનું તંત્ર વિચારી રહ્યું છે જો કે, તેના માટે ધંધાર્થીઓએ ફરજિયાત રજીસ્ટ્રેશન તેમજ આઈકાર્ડ અને હેલ્થ કાર્ડ મેળવવામાં આવશે તેવું સૂત્રો જણાવે છે.
શહેરમાં દર બુધવારે અને રવિવારે ભરાતી બજારોમાં લોકોની ભીડ એકઠી થાય છે અને સોશિયલ ડિસ્ટનન્સના નિયમોનું ઉલ્લંઘન થાય છે, આ ઉપરાંત ટ્રાફિક સમસ્યાનું પણ નિર્માણ થતું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મનપાના જગ્યા રોકાણ વિભાગે બન્ને બજારોને બંધ કરી દીધી હતી. બંજારો બંધ થતાં અનેક નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઈ જતાં તેઓએ મનપાના સંબંધિત વિભાગના અધિકારીઓને રજૂઆત કરી આ બંધ બજારોને ફરી શરૂ કરવાની માગ કરી હતી. દરમિયાન હવે દીવાળીના તહેવારો નજીક આવી રહ્યાં હોય, આ ધંધાર્થીઓની રજૂઆતને ધ્યાને લઈ તંત્ર દ્વારા સાપ્તાહિક બજાર કોવિડ-19ના નિયમો મુજબ શરૂ કરવા વિચારણા હાથ ધરવામાં આવી છે. જો કે, બુધવારી અને રવિવારી બજારો હોકર્સ ઝોનમાં ફેરવવામાં આવશે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer