ભુપત સામેની કાર્યવાહી પાછળ ‘વહીવટ’ કે વર્ચસ્વનો જંગ ?

ભુપત સામેની  કાર્યવાહી પાછળ ‘વહીવટ’ કે વર્ચસ્વનો જંગ ?
-રાજકીય મહોરું બનીને પોલીસ કામ કરતી હોવાની શંકા: જમીનના કાળા કારોબારમાં પોલીસ પણ કાળા હાથ કરે છે?
 
રાજકોટ, તા. 28: ફ્રુટના ધંધાર્થીમાંથી માથાભારે ભૂમાફિયા બની ગયેલા ભરવાડ ભુપત બાબુતર સામેની પોલીસની કાર્યવાહી પાછળ  ‘નાણાકિય’ વહીવટ, વર્ચસ્વ કે રાજકારણ  કારણભુત છે તે ચર્ચાનો વિષય છે. સામાકાંઠાના બે બળિયા જૂથ વચ્ચે અંટસ પડી ગયાનું પણ સપાટી પર આવી
રહ્યું છે.
ફ્રુટના ધંધાની હરિફાઇના કારણે પ્રતિસ્પર્ધી પર ગોળીબાર કરવાથી લાઇટમાં આવેલા બેડીપરાના ભુપત ભરવાડે ધીમે ધીમે સામાકાંઠા વિસ્તારમાં કાઠુ કાઢવાનું શરૂ કર્યુ હતું. સમાજના ટેકાના કારણે સંતકબીર રોડ, પેડક રોડ સહિતના વિસ્તારમાં ભુપતની ધાક વધતી જતી હતી. આ ધાકનો રાજકારણીઓએ ઉપયોગ કરવાનું શરૂ કર્યુ હતું. મહાપાલિકા, વિધાનસભાની ચૂંટણીમાં ભુપતની સિધી કે આડકતરી મદદ લેવામાં આવતી હતી. સામાકાંઠા વિસ્તારમાં ગેરકાયદે  બાંધકામ, પ્રોટેકશન મની સહિતની બાબતોમાં ભુપત અને તેની ટોળકીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફ્રુટના ધંધા ઉપરાંત અન્ય બેનામી કારોબારના કારણે ભુપત અને તેના સાગરીતો માલદાર થવા લાગ્યા હતાં. મની અને મસલ પાવર ભેગા થઇ જતાં ભુપતની વગ પણ વધતી જતી હતી.
રાજકારણીઓ, પોલીસ ખાતા અને અન્ય ખાતાના  અધિકારીઓને સારા સીઝનલ ફ્રુટ પહોંચાડીને ભુપત તેને  સાચવવા લાગ્યો હતો. ભુપતના ફાર્મ હાઉસ, મોંઘીદાટ કાર વગેરેનો ઉપયોગ પોલીસ અને રાજકારણીઓ કરવા લાગ્યા હતાં. તેના કારણે ભુપતને માનપાન મળવા લાગ્યું હતું. તેનું વધતુ જતું વર્ચસ્વ અગાઉ એક સાથે બેસીને કામ કરતા હરીફ જૂથને ખટકવા લાગ્યું હતું. પરંતુ ભુપત અને તેની ટોળકી સામે ઉભા રહેવાની હિંમત કોઇ દાખવતું ન હતું.
ઇન્દોરના કુખ્યાત જીતુ સોનીને આશરો પણ ભુપતના ફાર્મ હાઉસમાં આપવામાં આવ્યો હતો. આ વાત કેટલાય પોલીસ અધિકારીઓ જાણ હતાં. પરંતુ કોઇ તેના પર હાથ મૂકતા ન હતાં. ઇન્દોર પોલીસ જીતુ સોનીને ઝડપી લેવા રાજકોટ આવી હતી પણ રાજકોટ પોલીસે કરેલી ગદારીના કારણે જીતુ સોની નાસી જવામાં સફળ રહ્યો હતો. જો કે, બાદમાં તે અમરેલી પંથકમાંથી ઝડપાઇ ગયો હતો. આ સમયથી જ ભુપત પર પોલીસની તવાઇ આવશે તેવી ચર્ચા શરૂ થઇ હતી પણ જેનું અન્ન ખાધુ હોય તેની સામે કેમ કાર્યવાહી કરી તેની મુંઝવણ પોલીસ અનુભવતી હતી.
મહાપાલિકાની ચૂંટણી નજીકમાં આવી રહી હોવાથી સામા કાંઠા વિસ્તારમાં વર્ચસ્વ જાળવી રાખવા માટે ચોકકસ લોકો મેદાનમાં આવી ગયા હતાં અને ભુપત અને તેની ટોળકી પર લગામ મૂકવવા માટે ઉચ્ચ રાજકારણીઓ પાસે રજૂઆત કરવાની સાથો સાથ પોલીસમાં ફરિયાદ અરજીઓ કરાવવાનું આયોજન કરાયું હતું. પોલીસને પણ માલ મલીદો મળે તેમ લાગતા અને ઉપરથી આવેલા દબાણના કારણે ભુપત અને તેની ટોળકી સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ હતું. આ તમામ સંજોગો જોતા ભુપત સામેની કાર્યવાહી પાછળ નાણાકિય વહીવટ, રાજકારણ અને વર્ચસ્વ કારણભૂત હોય તેવું માની શકાય છે.
---------------
જમીન અંગે પોલીસ અધિકારીઓ સામે આક્ષેપ થયા છે
જમીનના કાળા કારોબારમાં રાજકારણીઓ, પોલીસ સિધી કે આડકતરી રીતે સંડોવાયેલ છે. કેટલાય રાજકારણીઓ પોલીસ મશીનરીનો ઉપયોગ કરીને માલદાર બની ગયા છે. મુંઝકા, રૈયા, કોઠારિયા સહિતની જમીનના વિવાદમાં પોલીસ અધિકારીઓએ હવાલા લીધાના આક્ષેપો સાથેની અરજીઓ પણ થઇ છે.
-------------------
ભૂમાફિયા ભુપતના ભાઈ કિશોરે દુકાન અને રૂ. પ લાખ પડાવી  લીધાની ફરિયાદ
ફાયનાન્સર, બિલ્ડર, રાજકીય કાર્યકર સહિતનાને પોલીસનું તેડું
રાજકોટ, તા.ર8 : રાજકીય આકાઓના પીઠબળ અને પોલીસ સાથેના ઘનિષ્ઠ સંબંધો ધરાવતા ભુમાફીયા ભુપત ભરવાડ વિરુધ્ધ એક પછી એક ફરિયાદો થઈ રહી છે ત્યારે મવડી વિસ્તારમાં રહેતા યુવાને ભુપતના ભાઈ કિશોર ભરવાડ વિરુધ્ધ દુકાન અને રૂ.પ લાખ પડાવી લીધાના આક્ષ્ઁાપો સાથે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ ભુપત ભરવાડની ઓફીસમાંથી કબજે કરાયેલ દસ્તાવેજ સહિતના સાહિત્યના આધારે રાજકીય કાર્યકરો, ફાયનાનસર, બિલ્ડર, વેપારી સહિતનાને પોલીસે તેડું મોકલતા કેટલાયને રેલો આવી ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, મવડી પ્લોટની ગીરનાર સોસાયટીમાં રહેતા લાલજી કાનજી આહીર નામના યુવાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં લેખીત અરજી કરી ભુપત ભરવાડના ભાઈ કિશોર બાબુતરે તેની દુકાનનો દસ્તાવેજ કરાવી લઈ રૂ.પ લાખ પડાવી લીધાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ર017ની સાલમાં કમલેશ સગપરીયાના કહેવાથી પ્રહલાદ પ્લોટમાં જાનકી કોમ્પલેકસમાં ત્રણ દુકાન જીતેન્દ્ર ગણેશ અકબરીના સંયુકત નામે ખરીદી હતી. આ ત્રણેય દુકાનો પહેલા પરેશ  પીત્રોડા અને કિશોર પાચા અજાણીએ કમલેશના કહેવાથી ખરીદી હતી. તે વખતે દુકાનોનો કબજો કિશોર બાબુતર પાસે હતો અને કમલેશે કિશોર પાસેથી ઉંચા વ્યાજે નાણા લીધા હોય તે પરત નહી થઈ શકતા કિશોરે તાળા તોડી કબજે કરી હતી અને સામે આવેલ આશાપુરા ડેરી વાળાને કબજો સોંપ્યો હતો. બાદમાં કમલેશ અને કિશોર વચ્ચે વાતચીત થઈ હતી. બાદમાં કમલેશે સમાધાન કર્યું હતું. એક દુકાનનો દસ્તાવેજ કિશોર બાબુતરે કરાવી લીધો હતો અને રૂ.પ લાખ પણ પડાવી લીધા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ક્રાઈમ બ્રાંચે ભુપત ભરવાડની ઓફિસમાંથી કબજે કરેલા દસ્તાવેજો અને અન્ય સાહિત્યના આધારે ભુતકાળમાં ભુપત ભરવાડ સાથે ધંધાકીય વ્યવહારો કરનાર બિલ્ડર, ફાયનાન્સર, વેપારી અને રાજકીય કાર્યકરોને તેડા મોકલતા કેટલાયને રેલો આવી ગયો હતો અને જો કે કુખ્યાત ભુપત ભરવાડ સાથે ઘરોબો ધરાવતા રાજકીય આકાઓ અને ચોકકસ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓને બાકાત રાખવામાં આવતા પોલીસની કામગીરી સંદર્ભે અનેક તર્કવિતર્કે થઈ રહ્યા છે.
 
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer