બેફામ તેજી પછી સીંગતેલનો ડબ્બો આંશિક ઘટયો

બેફામ તેજી પછી સીંગતેલનો ડબ્બો આંશિક ઘટયો
ડબ્બો રુ. 30 ઘટીને રુ. 2230ના સ્તરે - ચીનમાં નિકાસથી ઘરના છોકરા ઘંટી ચાટે તેવો ઘાટ
 
રાજકોટ.તા. 28 (ફૂલછાબ ન્યૂઝ) મગફળીના રેકોર્ડ બ્રેક ઉંચા ઉત્પાદન છતાં સીંગતેલની મોંઘવારીમાં પીસાતા લોકોને આંશિક રાહત આપતો ભાવઘટાડો થયો છે. છેલ્લાં અઠવાડિયાથી એકધારો વધી રહેલો સીંગતેલનો ડબો ગઇકાલે રુ. 2360ની ટોચ પર પહોંચ્યા પછી બુધવારે એકાએક રુ. 30 તૂટીને રુ. 2230ના સ્તરે પહોંચ્યો હતો.
સારા વરસાદ અને બમ્પર પાકથી સીંગતેલ પોસાય તેવા ભાવથી લોકોને મળવું જોઇએ. પરંતુ આ વર્ષે ઉલ્ટી ગંગા છે. સીંગતેલના ભાવ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. માર્કેટ યાર્ડોમાં રોજ બેથી ત્રણ લાખ ગુણી આવે છે છતાં સીંગતેલ લોકોને તો મોંઘું જ પડી રહ્યું છે.
બેકાબૂ બનેલા સીંગતેલના ડબાના ભાવ અંગે એક વેપારીએ એવું કહ્યું કે, મોટાંભાગની તેલ મિલોમાં ચીન મોકલવા માટે મગફળીનું પીલાણ થાય છે. પીલાય એમાંથી બહુ ઓછો જથ્થો સ્થાનિક બજારોમાં ઠલવાય છે. આ વર્ષે ચીનમાં નિકાસના કામકાજ ખૂબ થયા છે એટલે અહીં સીંગતેલ મોંઘું છે.
ચીનમાં નિકાસ થવાથી મગફળીના ભાવ ખેડૂતોને ખૂબ ઉંચા પ્રાપ્ત થઇ રહ્યા છે. પરંતુ અત્યારે સ્થાનિક લોકોને મોંઘવારીમાં પીસી નાંખીને ચીનનું પેટ ભરવા જેવો ઘાટ સર્જાયો છે એનો હવે ચોમેરથી વિરોધ થઇ રહ્યો છે. હવે ભાવવધારા ઉપર સરકારના કોઇ અંકુશો નવા ખેડૂત કાયદા પછી રહ્યા નથી પરંતુ ખૂલ્લા બજારમાં તેલના ભાવ વાજબી સ્તરે રહે તે ખેડૂત, તેલ મિલો, દાણા ઉત્પાદકો અને વપરાશકાર બધા માટે ફાયદારુપ બનશે.
એક નિકાસકાર કહે છે, હજુ ચીનમાં થયેલા સોદામાંથી અર્ધો માલ જ રવાના થયો છે. હજુ 70 હજાર ટનમાંથી 40 હજાર ટન તેલ મોકલવાનું બાકી છે એટલે આવનારા દિવસોમાં સીંગતેલના ભાવ ઘટવાની શક્યતા ઓછી છે. આશ્ચર્યની વાત તો એ છેકે
ભારતમાં અત્યારે પામતેલ, સૂર્યમુખી અને સોયાબીન તેલની ખૂબ આયાત કરવામાં આવે છે. આ બધા તેલો રિફાઇન્ડ કર્યા વિના ખાઇ શકાય તેવા છે જ નહીં. બીજી તરફ સરળતાથી પચી જાય અને ફેટ ન વધે તેવું એન્ટિ ઓક્સિડેન્ટ ધરાવતું સીંગતેલ આપણે ચીનને વેંચી રહ્યા છીએ. હાલની પરિસ્થિતિ ઘરના છોકરા ઘંટી ચાટે ને પારકાને આટો જેવી થઇ ગઇ છે.
��.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer