મોદીની તુલના રાવણ સાથે કરી નાખતા રાહુલ !

મોદીની તુલના રાવણ સાથે કરી નાખતા રાહુલ !
બિહારમાં ચૂંટણીસભામાં કોંગ્રેસ સાંસદના પ્રહાર : કિસાનો પર આક્રમણો, મજૂરોને દોડાવ્યા
પશ્ચિમ ચંપારણ, તા. 28 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચેલા પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના રાવણ સાથે કરી નાખી હતી. પશ્ચિમ ચંપારણની સભામાં તેમણે પ્રહારો કર્યા હતા.
સામાન્ય રીતે દશેરાના રાવણ, કુંભકર્ણ, મેઘનાદના પૂતળાંનું દહન કરાય છે, પરંતુ આ વખતે પહેલીવાર નરેન્દ્ર મોદી, અંબાણીજી, અદાણીજીના પૂતળાંનું દહન થયું તેવા પ્રહાર કોંગ્રેસ સાંસદે કર્યા હતા.
એ દુ:ખની વાત છે કે દેશના કિસાન દશેરા પર વડાપ્રધાનના પૂતળાં સળગાવે છે. નીતીશકુમારે 2006માં કરેલી ભૂલ મોદીએ દેશભરમાં લાગુ કરી દીધી તેવો આક્ષેપ રાહુલે કર્યો હતો.
શહેરનો સહારો ગામડા અને ગામડાનો સહારો કિસાન હોય છે. કિસાનનો સહારો ખેતી હોય છે. આમ, કિસાન વગર શહેર ન ચાલી શકે, પરંતુ મોદીના નવા કાયદા કિસાનો પર આક્રમણ છે તેવા પ્રહારો કોંગ્રેસ નેતાએ કર્યા હતા.
નરેન્દ્ર મોદીજીએ બે કરોડ લોકોને નોકરી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ ઉલ્ટા નોકરીમાંથી કાઢી મૂક્યા તેવો આક્ષેપ તેમણે કર્યો હતો.
લોકડાઉન દરમ્યાન પ્રવાસી શ્રમિકોની દશા મુદ્દે પણ મોદી સરકાર પર પ્રહાર કરતાં રાહુલે કહ્યું હતું કે, મોદીએ મજૂરોને પગે દોડાવ્યા.
રાહુલ ગાંધીએ પશ્ચિમ ચંપારણમાં સભાને સંબોધન દરમ્યાન જનતાને મહાજોડાણ તરફી મતદાનની અપીલ પણ કરી હતી.
 
બરાબર મતદાન પહેલા જ મત માગવા મોંઘા પડયા : રાહુલ સામે પંચમાં ફરિયાદ
 
પટણા, તા. 28: બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે બુધવારની સવારે મતદાન પહેલા રાહુલ ગાંધીને ટ્વિટ કરીને મત માગવો મોંઘો પડયો હતો. ભાજપે ચૂંટણી પંચ સમક્ષ રાહુલ ગાંધીનાં ટ્વિટને લઈને ફરિયાદ દાખલ કરી કાર્યવાહીની માગણી કરી હતી. રાહુલે ટ્વિટ કરીને બિહારના મતદાતાઓને કહ્યું હતું કે, ‘ન્યાય, રોજગાર, ખેડૂતો-શ્રમિકો માટે, તમારો મત મહાગઠબંધન માટે.’ આ ટ્વિટ ઉપર આચારસંહિતા ભંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બિહારમાં પહેલા તબક્કા માટે બુધવારે સવારે 71 બેઠક માટે મતદાન શરૂ થયાના અમુક સમયમાં જ રાહુલ ગાંધીએ મત માગવા ટ્વિટ કર્યું હતું. ભાજપે પોતાના પત્રમાં ચૂંટણી આચારસંહિતનાં ઉલ્લંઘન મામલે રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી. આદર્શ આચારસંહિતા રાજનેતાઓને ચૂંટણીના દિવસે મત માગતા રોકે છે. બિહારમાં 28 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 7 નવેમ્બર એમ ત્રણ તબક્કામાં મતદાનનું આયોજન છે અને તેનું પરિણામ 10મી નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. કોંગ્રેસ બિહાર વિધાનસભા ચૂંટણી રાષ્ટ્રીય જનતા દળ અને વામપંથી દળો સાથે મળીને લડી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer