ચીનને ભારતનો 202 એકરનો આંચકો !

ચીનને ભારતનો 202 એકરનો આંચકો !
ભારતે 1986થી વિવાદગ્રસ્ત 202 એકર જમીન ચીન પાસેથી આંચકી
 
ઈન્દિરા ગાંધીના સમયથી આ જમીન પર હતી ચીનની મેલી નજર
નવી દિલ્હી તા.ર8: ભારતે ચીનના કબજામાંથી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવી જમીન પરત મેળવી લીધી છે.34 વર્ષ બાદ ભારતે અરૂણાચલ પ્રદેશમાં સુમદોરોંગ ચૂ ફલૈશપોઈન્ટ પાસે ર0ર એકર જમીનનું અધિગ્રહણ કર્યુ છે. ભારત હવે ચીનને સરળતાથી તેના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવવાની સ્થિતિમાં આવી ગયું છે.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાજેતરમાં નેચીકૂ સુરંગ યોજનાનું ભૂમિપૂજન કર્યુ હતું. આ સુરંગ બન્યા બાદ ભારત સરળતાથી ચીન સરહદે પહોંચી શકશે.ર013 અધિનિયમ અનુસાર સંરક્ષણ ઉદેશ, રેલવે અને સંચાર સેવા માટે સ્થાનિક પંચાયતની મંજૂરી વિના કોઈપણ જમીનનું અધિગ્રહણ કરી શકાય છે.            ગૃહ મંત્રાલયે તેને આધાર બનાવી સંરક્ષણ મંત્રાલયને બોમદિર ગામનો કબજો સોંપી દીધો છે. આ જમીન પર વર્ષોથી ચીનની દાનત મેલી હતી.1986માં આ જમીન અંગે ભારત અને ચીન વચ્ચે વિવાદ થયો હતો. તે સમયે બંન્ને દેશનું સૈન્ય 8 માસ સુધી આમને સામને રહયું અને ભારતે અહીં ર00 જવાનો તૈનાત કર્યા હતા.
સુમદોરોંગ ચૂ અરૂણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં વહેતી નદી છે. તે નામકા ચૂ અને ન્યામજંગ ચૂ સંગમસ્થળની ઉત્તર પૂર્વ તરફ વહે છે. ચીની સૈન્યએ 1986માં આ નદીના કિનારે લા દર્રે પાસે ર0ર એકર મેદાન પર કબજો કરી લીધો હતો. 1980માં ઈન્દિરા ગાંધીની સરકાર વખતે સૂમદોરોંગ ચૂ જમીન વિવાદ શરૂ થયો હતો.
ઈન્દિરા ગાંધી કોઈપણ સ્થિતિમાં તવાંગને બચાવવા ઈચ્છતા હતા.198ર-83માં ભારત-ચીન એલએસી પર વધુને વધુ સૈનિકોની તૈનાતીના પ્રસ્તાવને તેમણે મંજૂરી આપી હતી. ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં અરૂણાચલના તવાંગને બચાવવાનો મોટો પડકાર હતો. 1984માં ભારતે અહીં ચેક પોસ્ટ બનાવી. ગરમીમાં અહીં સૈન્ય તૈનાત રહે અને ઠંડી વખતે વિસ્તાર ખાલી રહેતો હતો.
ત્યાર બાદ બે વર્ષ શાંતિ રહી પછી ચીની સૈન્યએ ફરી એકવાર આ વિસ્તાર પર નજર કરી અને સ્થાયી પોસ્ટ બનાવવાનું શરૂ કરતા ભારતે સૈનિકોની સંખ્યા વધારી. ચીનને આ વિસ્તાર ખાલી કરવા ચેતવણી આપવા છતાં ચીન ન માન્યું અને અહીં હેલિપેડ પણ બનાવી લીધું હતું.1987માં લાંબો સમય આમને સામને રહ્યા બાદથી ર0ર એકર જમીનનો વિવાદ ચાલ્યો આવતો હતો.
 
લદ્દાખ મામલે ટ્વીટરના જવાબથી સંસદીય પેનલ અસંતુષ્ટ
નવી દિલ્હી, તા. 28 : લદ્દાખને ચીનના હિસ્સા તરીકે બતાવવાના સંબંધમાં સંસદીય સમિતિ સામે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરનું સ્પષ્ટીકરણ પર્યાપ્ત નથી અને આ અપરાધિક કૃત્ય સમાન છે. જેના માટે સાત વર્ષની  સજાની જોગવાઈ છે. સમિતિના અધ્યક્ષ મીનાક્ષી લેખી દ્વારા આ વાત કરવામાં આવી છે.

લેખીએ કહ્યું હતું કે, ટ્વીટરના પ્રતિનિધી ડેટા સુરક્ષા વિધેયક, 2019 ઉપર સંસદની સંયુક્ત સમિતિ સામે રજૂ થયા હતા અને લદ્દાખને ચીનના
ભાગ તરીકે બતાવવા માટે સભ્યોએ સવાલ પુછ્યા હતા. લેખીના કેહવા પ્રમાણે સમિતિનું સર્વસહમત મંતવ્ય છે કે લદ્દાખને ચીનનો ભાગ બતાવવાના સંબંધમાં ટ્વીટરનું સ્પષ્ટીકરણ પર્યાપ્ત નથી.
જો કે ટ્વીટરના પ્રતિનિધીઓએ સમિતિને કહ્યું હતું કે, સોશિયલ મિડિયા કંપની ભારતની ભાવનાઓનું સન્માન કરે છે તેવું લેખીએ ઉમેર્યું હતું. લેખીના કહેવા પ્રમાણે આ માત્ર સંવેદનશિલતાનો મામલો નથી આ ભારતની સંપ્રભુતા અને અખંડતાનો મામલો છે. લદ્દાખને ચીની ભાગ તરીકે બતાવવો એ અપરાધિક કૃત્ય સમાન છે. અને તેના માટે સાત વર્ષની સજાની જોગવાઈ છે. આ અગાઉ ભારત સરકારે દેશના ખોટા નકશા બદલ ટ્વીટરને ચેતવણી આપી હતી અને દેશની સંપ્રભુતા અને અખંડતાનું અસન્માન કરવાનો ટ્વીટરનો દરેક પ્રયાસ અસ્વીકાર્ય છે તેમ કહેવામાં આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer