અમદાવાદમાં સાસુની પાઇપના ઘા ઝીંકી હત્યા કરતી પુત્રવધૂ: ધરપકડ

મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કરતા દાઝી
 
અમદાવાદ, તા.ર8: અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા રાજસ્થાન પંથકના માર્બલના વેપારી યુવાનની પત્નીએ નજરકેદમાં રાખતી સાસુથી કંટાળી જઈ પાઇપના ઘા ઝીંકી હત્યા કરી મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કર્યાનો બનાવ બન્યો હતો. પોલીસે હત્યારી પુત્રવધૂની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા સત્યમેવ વિસ્ટા સામે આવેલા રોયલ હોમ્સમાં રહેતા માર્બલના વેપારી દીપક રામનિવાસ અગ્રવાલની પત્ની નિકિતાએ તેનાં ઘેર સાસુ રેખાબેનની પાઇપના ઘા ઝીંકી હત્યા કર્યા બાદ મૃતદેહ સળગાવવાનો પ્રયાસ કરતા નિકિતા પણ દાઝી ગઈ હતી. દરમિયાન નિકિતાનો પતિ દીપક આવી જતા સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ પણ દોડી ગઈ હતી અને નિકિતાને ઝડપી લીધી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં રાજસ્થાન પંથકનો અગ્રવાલ પરિવાર છએક માસ પહેલા અમદાવાદમાં સ્થાયી થયો હતો અને દીપક અગ્રવાલ મારબલનો ધંધો કરે છે. દીપક તથા તેની પત્ની નિકિતા અને માતા રેખાબેન, પિતા રામનિવાસ સહિતના સાથે રહેતા હતા. દીપક અગ્રવાલના દસેક માસ પહેલાં નિકિતા સાથે લગ્ન થયા હતા અને હાલમાં નિકિતા સગર્ભા છે. લગ્ન બાદ સાસુ રેખાબેન પુત્રવધૂ નિકિતાને ઘરની બહાર નીકળવા દેતા નહોતાં અને નજરકેદમાં રાખતા હોય સાસુ-પુત્રવધૂ વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી અને કંટાળી જઈ નિકિતાએ સાસુ રેખાબેનની હત્યા કરી નાખી હતી. પોલીસે વેપારી દીપકને પણ શંકાના દાયરામાં રાખી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer