રૈયામાં ટીપી સ્કીમ મંજૂર થયેલી કરોડોની સરકારી જમીન પરથી દબાણ દૂર કરાયું

રૈયામાં ટીપી સ્કીમ મંજૂર થયેલી કરોડોની સરકારી જમીન પરથી દબાણ દૂર કરાયું
અંદાજે 15 કરોડની જમીન ખુલ્લી કરાવીને ફેન્સીંગની કાર્યવાહી હાથ ધરી : ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારના નવા કાયદા હેઠળ ફોજદારી કાર્યવાહી થશે ?
રાજકોટ, તા.23 : શહેરના રૈયારોડ પર સરકારી ખરાબામાં ખડકાયેલા એક ડઝન જેટલા વ્યાપારીક હેતુના દબાણો આજે પશ્ચિમ મામલતદાર સહિતના સ્ટાફે તોડી પાડી 15 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવીને ફેન્સીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ ભૂમાફિયાઓને કંટ્રોલમાં રાખવા માટે રાજ્ય સરકારે બનાવેલા નવા કાયદા મુજબ આ દબાણકારો સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે કે છૂટો દોર આપવામાં આવશે તે જોવું રહ્યું.
રાજ્ય સરકારે સરકારી જમીન પરના દબાણ હટાવવા તમામ કલેકટરને ખાસ સૂચના આપી છે. જે અનુસંધાને રાજકોટના રૈયારોડ પર આવેલી સરકારી ખરાબાની સર્વે નં.318 વાળી જમીનમાં ટીપી સ્કીમ નંબર 4 ફાઈનલ કરી દેવામાં આવી છે તેના પ્લોટ નં.167માં બાદશાહ ડાન્સ સ્કૂલ, કપડાના હોલસેલ વેપારી, વનરાજ ટી સ્ટોલ, બાલમુકુંદ ગેરેજ, મદ્રાસ કાફે સહિતના એક ડઝન જેટલા વ્યાપારીક હેતુના દબાણો અને અમુકમાં રહેણાક મકાન ખડકાઈ ગયા હોવાનું રાજકોટ પશ્ચિમ મામલતદાર વી.એમ.ભગોરાના ધ્યાને આવ્યું હતું.
આ સરકારી જગ્યામાં દબાણ કરનારા જયેશ ઠાકોર, જયેશ ગમારા, તુલસીભાઈ, રાજુભાઈ સહિતના આસામીઓને જગ્યા ખાલી કરી દેવા અગાઉ નોટીસ આપી હતી. આ નોટીસનો સમયગાળો પુરો થતા આજે રાજકોટ પશ્ચિમ મામલતદાર ભગોરા સહિતના સ્ટાફે સાધુ વાસવાણી રોડ પર ડેકોરા સ્કવેરની બાજુમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે આવેલ 1500 ચો.મી. જમીનમાં દબાણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. સવારથી બપોર સુધીમાં તમામ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. ફરી આ જગ્યા પર દબાણ ન થાય તે માટે ફેન્સીંગ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ દબાણ કરનારાઓ સામે રાજ્ય સરકારના નવા કાયદા હેઠળ ફોજદારી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer