રાજકોટ ડેરીમાં વહીવટદારની નિમણૂક કરો : કિસાન સંઘ

રાજકોટ ડેરીમાં વહીવટદારની નિમણૂક કરો : કિસાન સંઘ
રાજકોટ. તા.23: (ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ ડેરીની ચૂંટણીમાં ગેરરિતી સામે છ ઉમેદવારોએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. આ લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી ભ્રષ્ટાચારના આક્ષેપવાળી ડેરીમાં સહકારી કાયદા અનુસાર વહીવટદારની નિમણૂક કરવા રાજકોટ જિલ્લા કિસાન સંઘ દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત ડેરીની ભરતીમાં સગાવાદ અને દૂધના ભાવફેર સહિતના મુદ્દે ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે તેને બચાવવા પણ કહેવાયું છે.
કિસાન સંઘના દિલીપ સખીયા કહે છે, ચેરમેને મોટી પ્રેસનોટ આપીને ભ્રષ્ટાચાર વિરુધ્ધ અવાજ ઉઠાવનારને ટોળકી કહી છે પણ કોઇ ટોળકી નથી. ખેડૂત સંસ્થાના પ્રતિનિધિઓની ફરિયાદ છે. દૂધની ખરીદી અને વેચાણમાં 33 ટકાનો ફરક હોય તો 850 કરોડના ટર્નઓવરમાં ખેડૂતોના ભાગમાં નફો તો આવતો નથી એમ જણાવતા ઉમેર્યું કે ડેરી ફક્ત 10 ટકા નફો કરે તો પણ રૂ. 85 કરોડનો નફો ખેડૂતોને મળે પણ ભ્રષ્ટાચારને લીધે ખેડૂતોને કશું ચૂકવાતું નથી.
દરેક કામના કોન્ટ્રાક્ટ હોવા છતાં કાયમી કર્મચારીઓની સતત ભરતી કરીને પગાર ચૂકવાય છે. એ જ રીતે પ્રમોશન વખતે પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. ડેરીમાં બગીચો સાવ નાનો છે તે સાફ કરવાનો ખર્ચ મહિને રૂ. 1 લાખ કેવી રીતે થાય તેવો સવાલ કર્યો છે. ચેરમેને સગ્ગા ભત્રીજા આશિષ રાણપરીયાને એજીએમની જવાબદારી શા માટે આપી છે. તે પણ ખેડૂતોના પૈસાની ગાડી વાપરે છે. 38 જેટલા કર્મચારીઓ સગાવાદથી ડેરીમાં છે તેની યાદી પણ કલેક્ટરને સોંપી છે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ, ઘીના વેચાણ, નેપાળના રાષ્ટ્રપતિની મુલાકાત પાછળ લખલૂંટ ખર્ચ વગેરે જેવા મુદ્દા પણ ઉઠાવ્યા છે.
ડેરીના ચેરમેન વિરુદ્ધ કિસાન સંઘનું આવેદન
રાજકોટ જિલ્લા ડેરીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો કિસાન સંઘે આક્ષેપ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કિસાન સંઘે ભરતી પ્રક્રિયામાં ડેરીના ચેરમેન ગાવિંદ રાણપરિયા સગાવાદ ચલાવતા હોવાનો અને જિલ્લાના 594 ગામ પૈકી ચેરમેનના એકમાત્ર સાજડિયાળી ગામના 28 કર્મચારીઓની મુખ્ય વિભાગમાં ભરતી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે જ જિલ્લામાં દૂધનો ભાવ પશુપાલકોને રાજકોટ ડેરી દ્વારા પૂરતા પ્રમાણમાં આપવામાં ન આવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જેને લઈને માલધારીઓ અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ સહકારી ડેરીમાં અમુક ઉમેદવારોના ફોર્મ રિજેકટ કરવાનો ચૂકાદો ન આવે ત્યાં સુધી ડેરીમાં વહીવટદારની નિમણૂંક કરવા માટે કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.(નિશુ કાચા)

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer