કોરોનાને કારણે બર્નઆઉટ સ્ટ્રેસનો ભોગ બનતા તબીબ, નર્સ સફાઇકર્મી

કોરોનાને કારણે બર્નઆઉટ સ્ટ્રેસનો ભોગ બનતા તબીબ, નર્સ સફાઇકર્મી
કામનો ભાર અતિ તિવ્ર હોય અને વ્યક્તિ તેમાંથી છૂટી શકે નહીં ત્યારે થાય છે બર્નઆઉટ સ્ટ્રેસ
રાજકોટ, તા.23 (ફૂલછાબ ન્યુઝ): છેલ્લા કેટલાય મહિનાઓથી જ્યારે કોવિડ 19 ની શારીરિકની સાથે માનસિક અસરો થઈ રહી છે ત્યારે સામાન્ય લોકો તણાવનો ભોગ બની રહ્યા છે ત્યારે મેડિકલ, પેરા મેડિકલ અને સફાઈ સાથે જોડાયેલ લોકોને વધી રહ્યો છે બર્ન આઉટ સ્ટ્રેસ. બર્ન આઉટ એટલે જ્યારે કાર્યનો તણાવ વધુ તીવ્ર હોય અને વ્યક્તિ તેમાંથી છૂટી શક્તી નથી તો તેનામાં એક ખાસ અવસ્થા ઉત્પન્ન થાય છે જેને મનોવિજ્ઞાનની ભાષામાં બર્ન આઉટ કહેવામાં આવે છે. ડોક્ટરો, નર્સ, સફાઈકર્મીઓ આજે સતત એક ડર અને ભયના માહોલમાં રહેતા હોય છે. કારણકે ખૂબ રક્ષણ સાથે જતાં હોવા છતાં ડોક્ટરો અને નર્સ આ રોગનો ભોગ બને છે જ્યારે સફાઈકર્મીઓ પાસે તો પીપીઈ કીટ પણ નથી. ઘરે ઘરે જઈને લોકોનો સર્વે કરનાર પણ આ સ્ટ્રેસનો ભોગ બની રહ્યા છે. કામનો લાંબો સમયગાળો, સુવિધાઓનો અભાવ અને પદાધિકારીઓ તરફથી થતાં ખરાબ વર્તનને કારણે બર્ન આઉટ સ્ટ્રેસનો ભોગ બને છે. આજે ડોક્ટરો, નર્સ, સફાઈકર્મી, મીડિયાકર્મી સતત કાર્યરત રહે છે, જેથી તેનામાં બર્ન આઉટ સ્ટ્રેસ જોવા મળી રહ્યો છે.
 બર્નઆઉટ સ્ટ્રેસ એ ગંભીર અને લાંબા સમય સુધી થતા તાણને લીધે લાગણીશીલ, માનસિક અને શારિરીક થાકની સ્થિતિ છે. વ્યક્તિને હચમચાવી નાખે છે, લાંબો સમય સ્ટ્રેસમાં રહેવાથી વ્યક્તિ ધીરે ધીરે પોતાનો રસ અને પ્રેરણા ગુમાવે છે. બર્નઆઉટ તણાવ વ્યક્તિની સર્જન કરવાની શક્તિ ઘટાડે છે, વ્યક્તિ અસલામતી અને નિરાશા, ઉદાસીનતા
અનુભવે છે.
હાલના સમયમાં બર્નઆઉટના કારણો જોઈએ તો આજ સતત કોવિડ 19ના ભય અને ડરના માહોલ વચ્ચે ડોક્ટર, નર્સ, હેલ્થ કર્મચારી, સફાઈ કર્મચારી , મીડિયા કર્મીઓ જીવના જોખમે જે કાર્ય કરે છે તેના કારણે તેમનામાં આ બર્ન આઉટ સ્ટ્રેસ જોવા મળે છે.
કોઈ પણ વ્યક્તિ જે સતત ખૂબ મહેનત કરે છે અને તેના તરફથી પુરતું વળતર મળતું નથી તે જોખમનું કાર્ય કરે ત્યારે બર્ન આઉટ થાય છે. બર્નઆઉટ સ્ટ્રેસને દૂર કરવા માટે અંગત  લોકો સાથે શક્ય તેટલો સમય પસાર કરો, જીવનસાથી, બાળકો અથવા મિત્રો સાથે મનની વાતો શેર કરો. કાર્યનું વ્યવસ્થાપન કરવું, આરામ લેવો, યોગ, મેડિટેશન કરવું, નિષેધક બાબતોથી દૂર રહેવાના પ્રયત્નો કરો.
થોડું વેકેશન લો, હમેશા સારું વિચારો, પોતાના કામ કરવાની જગ્યાએ સારા મોટીવેશનલ વાક્યો લગાડો, સવારે ઉઠતી વખતે વિચારો આજે ગમે તેટલું કામ હશે હું  શાંત ચિતે કરીશ, સારા પુસ્તકોનું વાચન કરો, એમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થિની ડો. ધારા દોશી અને નિમિષા પડારિયાએ એક અભ્યાસ બાદ જણાવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer