આરસીબીનો પડકાર પાર કરવા પંજાબ મેદાને પડશે

આરસીબીનો પડકાર પાર કરવા પંજાબ મેદાને પડશે
પંજાબની કોશિશ દિલ્હી સામેની કમનસીબ હાર ભૂલી વાપસી પર રહેશે: કોહલીની ટીમ જીતની રાહ પર આગેકૂચ કરવા માંગશે
 
દુબઇ, તા.23: કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ગુરૂવારે જ્યારે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂધ્ધના મુકાબલા માટે મેદાને પડશે. ત્યારે પંજાબની કોશિશ આઇપીએલના તેના શરૂઆતી મેચમાં શોર્ટ રનના વિવાદાસ્પદ ફેંસલાને ભૂલીને શાનદાર પ્રદર્શન કરવાની રહેશે. દિલ્હી કેપિટલ્સ સામેના મેચમાં સ્કવેર લેગ અમ્પાયરે 19મી ઓવરમાં ભૂલથી શોર્ટ રન જાહેર કર્યોં હતો. જેથી અંતમાં પંજાબની ટીમને મેચ ટાઇ બાદ સુપર ઓવરમાં હાર સહન કરવી પડી હતી. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સનરાઇર્ન્સ હૈદરાબાદ વિરૂધ્ધ 10 રનની જીત સાથે તેના અભિયાનનો સફળ પ્રારંભ કર્યોં છે. જે કોહલીની ટીમ માટે આ સિઝનમાં સારી નિશાની છે.
આરસીબીના યુવા ઓપનર દેવદત્ત પડીક્કલે ડેબ્યૂ મેચમાં ફીફટી ફટકારી હતી. પંજાબ સામેના મેચમાં પણ બધાની નજર તેના પર રહેશે. ડિ’વિલિયર્સ પણ તેનું ફોર્મ જાળવી રાખવા માંગશે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી અને એરોન ફિંચ પહેલા મેચમાં લાંબી ઇનિંગ રમી ન શકયા ન હતા. તેમનું લક્ષ્ય મોટી ઇનિંગ રમવાનું રહેશે. જો કે આરસીબીને આફ્રિકી ઓલરાઉન્ડર ક્રિસ મોરિસની સેવા આવતીકાલના મેચમાં પણ મળશે નહીં. તેને સ્નાયૂ ખેંચાઇ જવાની ઇજા છે. બેંગ્લોર મોરિસને ઓકશનમાં 10 કરોડમાં ખરીદ કર્યોં હતો. આરસીબી માટે ફરી એકવાર ચહલ હુકમનો એક્કો બની શકે છે. તેણે હૈદરાબાદ સામે એક ઓવરમાં બે વિકેટ લઇને મેચના પાસા પલટાવ્યા હતા. આ સામે સ્ટેન અને યાદવે પ્રદર્શન સુધારવું પડશે.
પંજાબ તરફથી મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. તેણે 89 રનની લડાયક ઇનિંગ રમી ટીમને લગભગ જીત અપાવી હતી, પણ આખરી 3 દડામાં 1 રન થતાં મેચ ટાઇ થયો હતો અને પછી સુપર ઓવરમાં હાર મળી હતી. પંજાબે સારી શરૂઆત માટે મયંકના સાથમાં સુકાની કેએલ રાહુલ અને મધ્યક્રમમાં મેકસવેલે રન કરવા પડશે. યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઇએ દિલ્હી સામે પ્રભાવી પ્રદર્શન કર્યું હતું. આરસીબી સામે તેની કસોટી થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer