ગિરનાર રોપ-વે રૂટ પર સેન્સર કેબલ પાથરવાનું શરૂ

ગિરનાર રોપ-વે રૂટ પર સેન્સર કેબલ પાથરવાનું શરૂ
- માલવાહક ટ્રોલીનો ઉપયોગ ચાલુ થયો : તમામ કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાયલ શરૂ થશે
 
(ફૂલછાબ ન્યુઝ)
જૂનાગઢ, તા.20 : એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની કામગીરી અંતિમ ચરણમાં ચાલી રહી છે. માલ વાહકો ટ્રોલી મારફત રોપ-વે રૂટ ઉપર સેન્સર કેબલ પાથરવામાં આવી રહ્યો છે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાયલ યોજાશે, તેમ રોપ વેના
સાઇટ મેનેજર દિનેશ નેગીએ જણાવ્યું છે.
ગિરનાર રોપ-વેએ સોરઠની આર્થિક જીવાદોરી છે અને આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 1લી મે 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. ત્યારબાદ કેન્દ્રમાં એન.ડી.એ.ની સરકાર રચાતા વડાપ્રધાન મોદીએ રોપ વે આડેના તમામ અવરોધો દૂર કર્યા હતા અને બે વર્ષ પહેલાં ઉષાબ્રેકો કંપનીએ કામગીરી હાથ ધરી હતી.
આ કંપનીએ યુદ્ધનાં ધોરણે કામગીરી આરંભી બે વર્ષમાં સવાસો કરોડનો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે પહોંચાડયો છે. એકાદ માસમાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો ઉષાબ્રેકો કંપનીનું લક્ષ્ય છે તે દિશામાં ઓસ્ટ્રિયાના ઈજનેરોની દેખરેખ હેઠળ કામગીરી ચાલી રહી છે.  રોપ વે ટ્રાયલ અંગે નેગીએ જણાવેલ કે આ ટ્રાયલ નથી.
રોપ વે રૂટ ઉપર સેન્સર કેબલ પાથરવા માટે માલ વાહક ટ્રોલીનો ઉપયોગ થઈ રહ્યો છે. દરેક કામગીરીમાં અલગ અલગ તજજ્ઞોની ટીમ હોય છે. સેન્સર કેબલ પાથરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ તેનું ટેસ્ટિંગ હાથ ધરાશે.
અંદાજે સવા બે કિ.મી.ના રોપ વે રૂટ ઉપર પિલર ઉભા થઈ ગયા એટલે સીધી ટ્રાયલ ન થઈ શકે. રોપ વેની સિસ્ટમ મુજબ દરેક બાબતની ચોક્કસાઈ પૂર્ણ કામગીરી થઈ રહી છે. સેન્સર જો મુસાફરોની સલામતીનું પ્રથમ પગથિયું છે. ટ્રાયલ અંગે નેગીએ જણાવ્યું કે, એકાદ માસમાં તમામ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ત્યારબાદ જ ટ્રાલ થઈ શકે તેના માટે ઓસ્ટ્રિયાથી અલગ તજજ્ઞોની ટીમ આવશે અને સમગ્ર રૂટ તથા સિસ્ટમ તપસ્યા બાદ જ ટ્રાયલ કરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer