રાજ્યસભામાં અભૂતપૂર્વ હંગામા વચ્ચે કૃષિ ખરડા પસાર

રાજ્યસભામાં અભૂતપૂર્વ હંગામા વચ્ચે કૃષિ ખરડા પસાર
-વિપક્ષોએ ગૃહ માથે લીધું, રૂલ બૂક ફાડી, માઇક તોડયું, નારેબાજી, ધરણા : તોળાતા પગલા : ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ
- રાજસભામાં ર ખરડા ધ્વનિ મતથી પાર પાડયા : ભાજપ કહે છે ખેડૂતોનું હિત, કોંગ્રેસ સહિતના દળોએ ગણાવ્યો કાળો દિવસ, લોકશાહીની હત્યા
 
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા.ર0: રાજ્યસભામાં આજે વિપક્ષના અભૂતપૂર્વ હંગામા વચ્ચે ત્રણમાંથી બે ઐતિહાસિક કૃષિ ખરડા ધ્વનિ મતથી પસાર કરાયા હતા. અગાઉ આ ખરડા લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે. કોંગ્રેસ, તૃણમૂલ અને આપ સાંસદોનો ભારે હંગામો, નારેબાજી વચ્ચે સંસદની ગરીમા જળવાઈ નહીં. રૂલ બુક ફાડવાથી માંડી, માઇક તોડવા જેવા બનાવ બન્યા હતા. ઉપસભાપતિ પાસેથી ખરડાના દસ્તાવેજ આંચકી લેવાનો પણ પ્રયાસ કરાયો હતો. વિપક્ષના 1ર સાંસદ ગૃહમાં જ ધરણા પર બેસી ગયા હતા. વિપક્ષે રાજયસભાના ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુનાં નિવાસસ્થાને મોડેથી હાઇ લેવલ મિટિંગ મળી હતી જેમાં ઉપસભાપતિ હરિવંશ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશી હાજર હતા. બેઠકમાં વિપક્ષી સાંસદોનો વ્યવહાર અને ઉપસભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે રાજ્યસભામાં હંગામાને કારણે સભાપતિ ખૂબ ચિંતિત છે. સંભવ છે કે હંગામો કરનારા અને દસ્તાવેજ ફાડનારા સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. વિપક્ષના સાંસદોએ જે રીતે વિરોધ કર્યો અને રાજ્યસભાની કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો તેનાથી ભાજપ પણ નારાજ છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં કૃષિ સંબંધિત ખરડા કૃષક ઉપજ વ્યાપાર અને વાણિજ્યક (સંવર્ધક અને સરળીકરણ) ખરડો ર0ર0 તથા કૃષક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર ખરડો ર0ર0 રજૂ કરી તેને ઐતિહાસિક તથા ખેડૂતોનાં જીવનમાં બદલાવ લાવતા ગણાવ્યા હતા. કૃષિમંત્રીએ કહ્યું કે ખેડૂત દેશમાં ક્યાંય પણ સ્વતંત્ર રીતે પોતાની ઉપજનો વેપાર કરી શકશે. તેમણે ખેડૂતોને આશ્વાસન આપ્યું કે આ ખરડા લઘુમત ટેકાના ભાવ (એસએસપી) સાથે સંબંધિત નથી.
આ પહેલા રાજ્યસભામાં કૃષિ ખરડા પર ચર્ચા શરૂ થતાં જ વિપક્ષના સાંસદોએ હંગામો સર્જ્યો હતો. નારેબાજી કરતા વિપક્ષના સાંસદો ઉપસભાપતિ તરફ ધસી ગયા હતા. કોરોનાને ભૂલી ધક્કામુક્કી કરાઈ હતી. વિપક્ષે આ ખરડાને ખેડૂતોનાં હિતની વિરુદ્ધ અને કોર્પોરેટને ફાયદો પહોંચાડનારા ગણાવ્યા હતા. કોંગ્રેસના સાંસદ અહમદ પટેલે કહ્યું કે તેમણે (ઉપસભાપતિએ) લોકતાંત્રિક પરંપરાઓ અને પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈએ. તેને બદલે તેમણે નુકસાન પહોંચાડવાનું વલણ દાખવતાં અમે તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માને કહ્યું કે આજે રાજ્યસભામાં લોકતંત્રની હત્યાનું સીધું પ્રસારણ સમગ્ર દેશે જોયું છે રીપ ડેમોક્રેસી. કોંગ્રેસના સાંસદ પ્રતાપસિંહ બાજવા તથા સપા સાંસદ રામગોપાલ યાદવે આ ખરડા પસાર કરવાને ખેડૂતોના ડેથ વોરંટ પર હસ્તાક્ષર સમાન ગણાવ્યું હતુ. શિરોમણી અકાળી દળના સાંસદ નરેશ ગુજરાલે માગ કરી કે ખરડાને પહેલા સિલેક્ટ કમિટી પાસે મોકલવામાં આવે. જે હિતધારક છે પહેલા તેમને સાંભળવામાં આવે.
ભાજપે વિપક્ષોને ખેડૂત વિરોધી ગણાવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સરકારે ખેડૂતોને 70 વર્ષથી થતાં અન્યાયથી મૂક્ત કરાવ્યા છે. ખેડૂતોનાં હિતમાં સાથ આપવાને બદલે તેમણે તેને રોકવાનો પ્રયાસ કર્યો છે. વાયએસઆર કોંગ્રેસ તથા જેડીયુએ કૃષિ ખરડાનું સમર્થન કર્યું હતું. શિવસેનાએ સવાલ ઉઠાવ્યો કે દેશમાં 70 ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. લોકડાઉનમાં ખેડૂતો જ કામ કરી રહ્યા હતા તો સરકાર શું ભરોસો આપી શકે કે આ ખરડા પસાર થયા બાદ ખેડૂતોની આવક બમણી થઈ જશે અને તેમને આપઘાત કરવો નહીં પડે.
---------------
ખરડાના બચાવમાં મંત્રીઓની ફૌજ ઉતારતી સરકાર
6 મંત્રીઓએ કરી પત્રકાર પરિષદ : ટેકાના ભાવની વ્યવસ્થા ખતમ નહીં થાય
નવી દિલ્હી, તા. 20:  કૃષિ સંબંધિત બે બિલને ધ્વનિ મતથી રાજ્યસભામાં પસાર કરાવવામાં આવી ચૂક્યા છે. પીએમ મોદીને તેને ઈતિહાસનો મોટો દિવસ ગણાવી ચૂક્યા છે. તો બીજી તરફ રાજ્યસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો અને રાજ્યસભાના ઉપસભાપતિનો વિપક્ષી સાંસદોએ અનાદર કર્યો હતો. જેના ઉપર કેન્દ્ર સરકારના 6 મંત્રીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકર, પ્રહલાદ જોશી, પીયૂષ ગોયલ, થાવર ચંદ ગહલોત અને મુખ્તાર અબ્બાસ નકવી સામેલ રહ્યા હતા. આ દરમિયાન રાજનાથ સિંહે આશ્વાસન આપ્યું હતું કે, એમએસપી અને એપીએમસી સિસ્ટમ બંધ થશે નહીં.
રાજ્યસભાના ઉપસભાપતિનો અનાદર કરવાના મુદ્દે રાજનાથ સિંહે કહ્યુyં હતું કે, ઘટના અયોગ્ય હતી. આ વર્તન થવું જોઈતું નહોતું. સંસદીય મર્યાદાનું ઉલ્લંઘન થયું છે. ઉપસભાપતિ સાથે કરવામાં આવેલું આચરણ અયોગ્ય હતું. આસન ઉપર ચઢવું અને રૂલ બૂક ફાડવી દુ:ખદ છે. આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે, બન્ને વિધેયક ઐતિહાસિક છે. માત્ર ભ્રામક તથ્યોના આધારે ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ બિલથી ખેડૂતોની આવક વધશે.
------------
ટેકાના ભાવે ખરીદી યથાવત રહેશે: મોદી
કૃષિ ખરડા રાજ્યસભામાં પસાર થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન આપતા કહ્યું કે દેશના કરોડો ખેડૂત હવે સશક્ત બનશે. તેમનાં જીવનમાં બદલાવ આવશે. ટેકાના ભાવે ખરીદીની (એમએસપી) વ્યવસ્થા છે તે યથાવત્ રહેશે. ખરડા પસાર થયા બાદ વડાપ્રધાને એક પછી એક અનેક ટ‰વીટ કર્યા હતા. જેમાં તેમણે કહયું કે હું પહેલા પણ કહી ચૂકયો છું અને હજુ પણ કહું છું કે એમએસપીની વ્યવસ્થા યથાવત રહેશે. સરકારી ખરીદી ચાલુ રહેશે. અમે અહીં ખેડૂતોની સેવા માટે છીએ. અન્નદાતાઓને મદદ કરવા અમે સંભવ દરેક પ્રયાસ કરીશું અને તેમની આવનારી પેઢીઓનું સારૂ ભવિષ્ય સુનિશ્ચિત કરીશું.
--------
લોકતંત્રની હત્યા, મતદાન ન કરાવ્યું: તૃણમૂલ
તૃણમૃલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને કહ્યું કે આ લોકતંત્રની હત્યા છે. તેમણે આક્ષેપ લગાવ્યો કે રાજ્યસભાનું પ્રસારણ કાપી નાંખવામાં આવ્યું જેથી કોઈ આ જોઈ ન શકે. વિપક્ષ કૃષિ ખરડા પર મતદાન ઈચ્છતો હતો પરંતુ સરકારે તેને આગળ વધારી ધ્વનિમતથી પસાર કરાવી નાખ્યા. નિયમોનું પાલન કરાયું નથી.
------------
કાળો દિવસ, ખેડૂતો ક્યારેય માફ નહીં કરે : કોંગ્રેસ
કોંગ્રેસના પ્રવક્તા રણદિપ સુરજેવાલે કહ્યું કે બાહુબલી મોદી સરકારે બળજબરીથી ખેડૂત બિલને પાસ કરાવ્યું છે. આ એક કાળો દિવસ છે. દેશના ખેડૂતો મોદી સરકારને ક્યારેય માફ નહીં કરે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer