બસનું બોર્ડ જોવા ગયા’ને ભાડના ખેડૂતે રૂા.3 લાખ ગુમાવ્યા

અજાણી મહિલા દ્વારા થેલાની ઉઠાંતરી : પૈસા વગરનો થેલો રેલવે ટ્રેક પરથી મળ્યો !

અમરેલી,તા.20 (ફૂલછાબ ન્યૂઝ) ખાંભા તાલુકાનાં ભાડ ગામનાં એક ખેડૂતને બેદરકારી બદલ રૂા.3 લાખ ગુમાવવા પડયા હોવાની સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. થેલાની ઉઠાંતરી કરનાર મહિલાની પોલીસે શોધખોળ આદરી છે.
પ્રાપ્ત વિગત મુજબ મુળ ખાંભાના ભાડ ગામનાં અને હાલ અમદાવાદ નવા નરોડા રઘુવીર ફલેટમાં રહેતા મનુભાઈ ભીખાભાઈ બોઘરા (ઉ.વ.71) નામનાં નિવૃત્ત ખેડૂત ગત તા.17નાં રોજ પાક ધીરાણ લેવા અમદાવાદથી ભાડ ગામે આવેલ હતાં. 18 તારીખે વાંકીયા સેવા સહકારી મંડળીનાં મંત્રી પાસેથી પાક ધિરાણની રકમ રૂા.ત્રણ લાખનો ચેક લઈ જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાંભામાં ચેક વટાવી રૂા.ત્રણ લાખ રોકડા લઈ પરત પોતાના ઘરે ભાડ ગામે આવેલ હતાં.
ભાડ ગામે પોતાના ઘરે રાત્રી રોકાણ કરેલ હતું. બીજા દિવસે સવારે સાડા આઠ કલાકે એસ.ટી.બસમાં ભાડ ગામેથી રૂા. ત્રણ લાખ રોકડા, બેંકની પાસબુક, કિસાન ક્રેડીટ કાર્ડ, એટીએમ, આધાર કાર્ડ સહિતનાં ડોકયુમેન્ટ સાથેનો થેલો લઈ અમદાવાદ જવા સાવરકુંડલા બસ સ્ટેશનમાં આવેલ હતાં.  એસ.ટી.ડેપોમાં પ્લેટફોર્મ 8ની સામેના બાકડા ઉપર થેલો રાખી બેઠા હતાં. પ્લેટફોર્મ ઉપર એક બસ આવતાં થેલો બાકડા ઉપર જ મુકીને બસનું બોર્ડ જોવા ગયેલ હતાં. બોર્ડ જોવા જતાં ખેડૂતની રેકી કરી રહેલ એક મહિલા થેલો ઉપાડી ગયેલ હતી. વૃધ્ધ ખેડુત બાકડા પાસે આવતાં થેલો ગાયબ જોતાં હાંફળા ફાફળા થઈ ગયા હતાં.
ડેપોનાં સીસીટીવી ફુટેજ જોતાં એક મહિલા ખેડુતની રેકી કરતાં જોવા મળેલ હતી. તે સતત ખેડૂત ઉપર જ નજર રાખી રહેલ હતી. આ મહિલા થેલો લઈ બસ સ્ટેશન બહાર નીકળી મહુવા રોડ ઉપર જતી રહેલ હતી. આ રોડ ઉપરના દુકાનદારોનાં સીસીટીવી ફુટેજ જોવામાં આવતાં મહિલા રેલવે પાટા બાજુ ગયેલ હતી. રેલ્વે પાટા પાસે અવાવરૂ સ્થળેથી ડોકયુમેન્ટ સાથેનો રૂા.ત્રણ લાખ કાઢી લીધાનો થેલો મળી આવેલ હતો. ખેડુતે અજાણી મહિલા સામે રૂા.ત્રણ લાખની ચોરીની ફરિયાદ સા.કુંડલા સીટી પોલીસમાં નોંધાવેલ હતી. પીએસઆઈ એમ.એસ.ગોહેલે તપાસ હાથ ધરી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer