કાલાવડના બાંગાના માતા-પુત્ર અને કાકાનું અકસ્માતમાં મૃત્યુ

મૃતક યુવકના પિતાનું ચાર દી’ પહેલા કોરોનાથી મૃત્યુ નિપજ્યું’તું
 
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર, તા. 20: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા વિઠ્ઠલભાઈ રાબડીયા થોડા સમય પહેલા વેપાર ધંધાના કામ માટે જામનગરથી મથુરા સ્થાયી થયા હતા, અને ત્યાં જ રહેતા હતા. દરમિયાન તેઓને ફેફસાની બીમારી હતી ઉપરાંત કોરોનાગ્રસ્ત થઇ ગયા હતા અને ગત 16મીએ  તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતકના સગા ભાઈ ગિરધરભાઈ રાબડીયા અને પિતરાઇ ભાઇ રજનીકાંતભાઈ રાબડીયા કે જેઓ જામનગરથી મથુરા પહોંચ્યા હતા જ્યાં વિઠ્ઠલભાઈના પત્ની (ઉં. વ.  45) અને પુત્ર મેહુલ (ઉં. વ. 33) પણ સાથે જોડાયા હતા,  વિઠ્ઠલભાઈની અંતિમવિધિ પૂર્ણ કરીને ચારેય લોકો કારમાં બેસીને જામનગર તરફ આવવા માટે નીકળ્યા હતા. દરમિયાન ગુજરાતની બોર્ડરમાં પ્રવેશતાં બનાસકાંઠા નજીક કાર ચલાવી રહેલા ગિરધરભાઈને ઝોકું આવી જતાં કાર પલટી મારી ગઇ હતી, અને કારનો બુકડો બોલી ગયો હતો. જે અકસ્માતમાં કારચાલક ગીરધરભાઈને સામાન્ય ઇજા થઇ હતી. પરંતુ કારની અંદર બેઠેલા તેના પિતરાઈ ભાઈ રજનીકાંતભાઈ રાબડીયા તેમજ મેહુલ રાબડીયા અને તેના માતાને ગંભીર ઈજા થઈ હોવાથી ત્રણેયના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.
 આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ તંત્ર દોડી ગયું હતું અને ત્રણેય મૃતદેહોના પોસ્ટમોર્ટમ કર્યા પછી તેમના વતનમાં મોકલવામાં આવ્યા હતા. જેથી ત્રણેય મૃતદેહોને કાલાવડ તાલુકાના બાંગા ગામમાં લાવવામાં આવ્યા હતા, અને ત્રણેયની એકસાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. ખોબા જેવડા બાંગા ગામમાં એકસાથે ત્રણ અર્થી ઊઠતાં ભારે ગમગીની છવાઇ હતી.
 મૃતક વિઠ્ઠલભાઈના પરિવારમાં આજથી 28 દિવસ પહેલા વિઠ્ઠલભાઈના પિતા વલ્લભભાઈનું પણ અવસાન થયું હતું. ત્યાર પછી ગત 16મીએ  કોરોનાથી વિઠ્ઠલભાઇનું અવસાન થયું છે. ત્યારે બે દિવસ બાદ વિઠ્ઠલભાઈના પત્ની અને પુત્ર મેહુલના પણ મૃત્યુ નિપજતા સમગ્ર પરિવાર એક મહિનાના સમયગાળા દરમિયાન સાફ થઈ ગયો છે. સાથોસાથ વિઠ્ઠલભાઈના પિતરાઇ ભાઇ, રજનીકાંતભાઈએ પણ જીવ ખોયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer