ત્રણ માસમાં સરકારી બેન્કો સાથે 19964 કરોડની ઠગાઈ

ત્રણ માસમાં સરકારી બેન્કો સાથે 19964 કરોડની ઠગાઈ
ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી જૂન દરમિયાન બેન્કો સાથે ફ્રોડના કુલ 2867 કેસ
નવી દિલ્હી, તા.20: જાહેર ક્ષેત્રની બેન્કોમાં ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં રૂ. 19,964 કરોડની છેતરપિંડી થયાનું રિઝર્વ બેન્કે માહિતી અધિકાર હેઠળ એક અરજીના જવાબમાં જણાવ્યું હતું. આ ગાળામાં ફ્રોડના કુલ 2,867 કેસો નોંધાયા હતા.
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં સૌથી વધુ ઠગાઈના બનાવો નોંધાયા હોવાનું આરબીઆઈએ જણાવ્યું હતું. મૂલ્યની દ્રષ્ટિએ બેન્ક ઓફ ઈન્ડિયામાં છેતરાપિંડીનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. આરબીઆઈએ આરટીઆઈ કાર્યકર ચંદ્ર શેખર ગૌરને ફ્રોડ અંગેના સવાલના જવાબમાં ઉપરોક્ત વિગતો આપી હતી.
દેશની 12 જાહેર ક્ષેત્રની બેન્કો પૈકી એસબીઆઈમાં 2,050 છેતરાપિંડીના કેસો નોંધાયા હતા અને એપ્રિલથી જૂન 2020માં રૂ. 2,325.88 કરોડની છેતરાપિંડી થઈ હતી. બેન્ક ઓફ ઈન્ડિયામાં આ ગાળામાં રૂ. 5,124.87 કરોડના 47 ફ્રોડ કેસ નોંધાયા હતા. કેનેરા બેન્કમાં 33 કેસમાં રૂ. 3,885.26 કરોડનું ફ્રોડ થયું હતું. બેન્ક ઓફ બરોડામાં 60 કેસ દ્વારા રૂ. 2,842.94 કરોડની છેતરાપિંડીની ઘટના બની હતી. ઈન્ડિયા બેન્કમાં 45 કેસમાં રૂ. 1,469.79 કરોડ, ઈન્ડિયન ઓવરસીઝ બેન્કમાં 37 કેસમાં રૂ. 1,207.65 કરોડ અને બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં 9 કેસમાં રૂ. 1,140.37 કરોડની છેતરાપિંડી થઈ હતી.  પંજાબ નેશનલ બેન્ક જે બીજા ક્રમની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેન્ક છે તેમાં મૂલ્યની દ્રષ્ટિએ કુલ ફ્રોડનું પ્રમાણ નીચું રહ્યું હતું.  કુલ 240 કેસમાં રૂ. 270.65 કરોડની છેતરાપિંડી થઈ  હોવાનું આરબીઆઈએ જવાબમાં જણાવ્યું હતું.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer