કોહલી એન્ડ કું.ના અભિયાનનો આજથી પ્રારંભ

કોહલી  એન્ડ કું.ના અભિયાનનો આજથી પ્રારંભ
મજબૂત સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો
દુબઇ, તા.20: વિરાટ કોહલી આઇપીએલનો ખિતાબ જીતવાનું સપનું સાકાર કરવા માટેના અભિયાનનો પ્રારંભ આજે સોમવારથી કરશે. તેની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમનો મુકાબલો મજબૂત સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. બન્ને ટીમમાં એવા વિસ્ફોટક બેટ્સમેન છે. જે મેચના રૂખ બદલી શકે છે. વિરાટ કોહલી ખુદ પાછલી કેટલીક સિઝનથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, પણ પહેલીવાર આઇપીએલનો ખિતાબ જીતવા માટે ટીમે દરેક વિભાગમાં જોરદાર દેખાવ કરવો પડશે. આરસીબીની ટીમમાં ઓસિ. સુકાની એરોન ફિંચના આગમનથી બેટિંગ વધુ મજબૂત બની છે.
બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન ડેવિડ વોર્નર ટૂર્નામેન્ટમાં ત્રણ વખત ઓરેન્જ કેપ (સૌથી વધુ રન કરનાર) હાંસલ કરી ચૂકયો છે. તેના સુકાનીપદ હેઠળ ટીમ 2016માં ચેમ્પિયન બની હતી. વોર્નર અને જોની બેયરસ્ટો ટૂર્નામેન્ટની સૌથી ખતરનાક ઓપનિંગ જોડી પૈકિની એક છે. આ સિવાય સનરાઇઝર્સ પાસે કેન વિલિયમ્સન, મનીષ પાંડે, મિશેલ માર્શ અને ફેબિયન એલન જેવા શાનદાર બેટ્સમેન છે. બોલિંગમાં આ ટીમ પાસે ભુવનેશ્વર કુમાર, સિધ્ધાર્થ કૌલ, સંદીપ શર્મા, બાસિલ થમ્પી અને ટી-20ના નંબર વન સ્પિનર રાશિદ ખાન છે.
આ સામે આરસીબી પાસે ડેલ સ્ટેન, ઉમેશ યાદવ, નવદિપ સૈની, યજુર્વેન્દ્ર ચહલ અને વોશિંગ્ટન સુંદર છે. આ બોલિંગ આક્રમણ કોઇ પણ બેટિંગ લાઇન અપની છિન્નભીન્ન કરી શકે છે. આરસીબીની અસલી તાકાત બેટિંગ લાઇન અપ છે. જેમાં સુકાની વિરાટ કોહલી અને એબી ડિ’વિલિયર્સ સુપરમેન અને બેટમેનની જોડી કહેવાય છે. સાથમાં એરોન ફિંચ, મોઇન અલી, પાર્થિવ પટેલ, દેવદત્ત પડીક્કલ, ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer