રાજકોટની સોની બજાર કાલે અર્ધી ખૂલશે અર્ધી બંધ રહેશે !

રાજકોટની સોની બજાર કાલે અર્ધી ખૂલશે અર્ધી બંધ રહેશે !
ઝવેરીઓના એક એસોસીએશને લોકડાઉન એક સપ્તાહ લંબાવ્યું, બીજાએ તકેદારી રાખી ખોલવા કરી જાહેરાત
રાજકોટ, તા.19: (ફૂલછાબ ન્યૂઝ) રાજકોટની સોની બજારમાં એક અઠવાડિયાનું લોકડાઉન શનિવારે પૂરું થયું છે. છતાં હજુ સંક્રમણમાં ઘટાડો થયો નથી. ત્યારે સોમવારથી રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસીએશને વધુ એક અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. જોકે બીજી તરફ જેમ્સ એન્ડ જ્વેલરી એસોસીએશને એમાં ટેકો આપ્યો નથી. કોરોના સામે તમામ તકેદારીઓ રાખીને શો રૂમો સોમવારથી ખોલવાનું નક્કી કર્યું છે. આમ ફરી સોમવારથી અર્ધી સોની બજાર ખૂલશે અને અર્ધી બંધ રહે તેમ લાગે છે.
જૂની સોની બજાર અને પેલેસ રોડ આસપાસના તમામ શોરુમો અને દુકાનો ગયા શનિવારથી બંધ થઇ ગયા છે. આજે અઠવાડિયું પૂરું થયું છે. જોકે સંક્રમણમાં ઘટાડો થયો નથી અને મૃતાંક પણ વધતો જાય છે. એ કારણે ગોલ્ડ ડિલર્સ એસોસીએશને સોમવારથી નવું લોકડાઉન તા. 26 સુધી જાહેર કર્યું છે. એસોસીએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયાએ આ સંજોગોમાં બજાર ન ખૂલવી જોઇએ એમ કહીને જાહેરાત કરી છે.
જોકે બીજી તરફ જેમ-જ્વેલરી એસોસીએશનના પ્રમુખ દિવ્યેશ પાટડીયાએ હવે લોકડાઉન પોસાય તેમ નહીં હોવાથી સભ્યો દુકાન ખોલે તેવી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, અમે બંધમાં નહીં જોડાઇએ. આખી બજાર સેનીટાઇઝ કરાવીશું અને બાદમાં એક એક વ્યક્તિને સ્કેન કરીને ચકાસ્યા પછી જ બજારમાં પ્રવેશ આપીશું. ક્યા એન્ટ્રી પોઇન્ટ પર સ્કેન કરવું તે નક્કી થઇ રહ્યું છે.
તેમણે કહ્યું કે, માસ્ક અને સેનેટાઇઝર વિના પ્રવેશ નહીં આપવાની ગાઇડલાઇન અમે નક્કી કરી છે. શરદી અને તાવ કે સામાન્ય તકલીફો હોય તેમને પણ ઘેર રહેવાની સલાહ અમે કારીગરો તથા વેપારીઓને આપી છે. એ ઉપરાંત 60 વર્ષ કરતા વધારે ઉંમરની વ્યક્તિ હોય તો પણ તેમને બજારમાં નહીં આવવા વિનંતી કરીને ઘેરથી જ કામકાજ કરવા કહીશું.
રાજકોટની સોની બજાર કોરોનાને લીધે સૌથી વધારે પ્રમાણમાં સંક્રમિત થઇ છે. અનેક અગ્રણી ઝવેરીઓના મ્ત્યુ થયા છે ત્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતુ. જોકે આર્થિક રીતે લોકડાઉન પોસાય તેમ નહીં હોવાનું એક વર્ગ માની રહ્યો છે એટલે હવે થોડી બજાર ખૂલશે અને બુલિયન ડિલરોના શો રુમો બંધ રહેશે. આમ ફરી આગલા લોકડાઉન જેવી સ્થિતિ ઉપસ્થિત થઇ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer