પ્રવેશદ્વારો રેઢાપડ ! માત્ર ગ્રીનલેન્ડ ચોકડીએ ‘કોરોના’ ટેસ્ટ

પ્રવેશદ્વારો રેઢાપડ ! માત્ર ગ્રીનલેન્ડ ચોકડીએ ‘કોરોના’ ટેસ્ટ
એક તરફ સ્ટાફની અછત તો બીજી તરફ બાકીની ટીમ ટ્રેનિંગમાં વ્યસ્ત : શહેરીજનો ભગવાન ભરોસે
રાજકોટ તા.19 : રાજકોટ શહેર જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે શહેરના પ્રવેશદ્વારો પર લોકોના કોરોનાનો ટેસ્ટ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી એકમાત્ર ગ્રીનલેન્ડ ચોકડી ખાતે જ લોકોના ટેસ્ટ માટે કામ ચલાઉ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં કોરોનાની મહામારી દિવસે ને દિવસે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. આજદિન સુધીમાં મનપાના ચોપડે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 5025ના આંકડાને સ્પર્શી ગઈ છે અને 88 લોકોના મૃત્યુ નિપજ્યાં છે આજે વધુ નવા 97 પોઝીટીવ કેસ સામે આવ્યાં હતાં. શહેરનો પોઝીટીવીટી રેઈટ 2.98 ટકા છે જ્યારે રિકવરી રેઈટ 74.63 ટકા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
દરમિયાન શહેરની અંદર અને બહારગામથી ચેપ લઈને આવતાં કોરોનાગ્રસ્ત દર્દીના કારણે સ્થિતી બેકાબૂ બની જતી હોવાનું ધ્યાને આવતા મનપા દ્વારા શહેરના પ્રવેશદ્વારો જેવા કે, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી, કાલાવડ રોડ, ભાવનગર રોડ ચોકી વગેરે સ્થળોએ તબક્કાવાર ચેકપોસ્ટ ઉભી કરી લોકોના મેડિકલ ચેક અપ અંગેની વ્યવસ્થાનું આયોજન કરાયું હતું જેમાંથી આજદિન સુધીમાં એક માત્ર ગ્રીનલેન્ડ ચોકડી ખાતે જ કામચલાઉ ચેક પોસ્ટ ઉભી કરવામાં તંત્ર સફળ રહ્યું છે.
ગ્રીન લેન્ડ ચોકડી ખાતેની ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવતા મેડીકલ ઓફિસર ડો.અંજલી પેઢડિયાના જણાવ્યાનુસાર અહીંથી શહેરમાં પ્રવેશતી ખાનગી ટ્રાવેલ્સના મુસાફરોને હેલ્થ ક્રીનીંગ સાથે રેપિડ ઓક્સીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. અહીં મુસાફરો કે જેમની ઉમર 60 વર્ષથી વધુ હોય, ડાયાબીટીસ, હૃદય રોગ વગેરે રોગથી પીડિત હોય અને શરદી,તાવ, ઉધરસ જેવા લક્ષણ ધરાવતા હોય તેવા લોકોના અને જે કોઈપણ વ્યક્તિ ઈચ્છે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે સાથે જ થર્મલ ગન, પલ્સ ઓક્સીમીટર વગેરે અદ્યતન સાધનો દ્વારા તેમના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે.
મનપાના અધિકારી વર્તુળોના જણાવ્યાનુસાર હાલ સ્ટાફની અછત છે આ ઉપરાંત ટેસ્ટીંગ માટે ટ્રેનીંગ પણ આપવામાં આવી રહી છે આગામી દિવસોમાં તમામ પ્રવેશદ્વાર પર લોકોના કોરોના ટેસ્ટ માટેની વ્યવસ્થા ઉભી કરાશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer