વિદ્યાર્થિની, ગૃહિણી, ઇજનેર : તમામ દ્વારા કોરોના ટેસ્ટ કરાવવાની હિમાયત

વિદ્યાર્થિની, ગૃહિણી, ઇજનેર : તમામ દ્વારા કોરોના ટેસ્ટ કરાવવાની હિમાયત
શરૂઆતમાં ટેસ્ટ કરાવવાથી ઘરના સભ્યોને પણ કોરોના ચેપથી બચાવી શકાય છે
રાજકોટ,તા. 19 : કોરાનાની મહામારીને ફેલાતી અટકાવવા માટે રાજયસરકાર બહ્નપાંખિયો જંગ લડી રહી છે, જે પૈકીની એક બાબત છે-વધુ ને વધુ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવા, જેથી કોરોનાનું સંક્રમણ પ્રાથમિક તબક્કામાં જ જાણી તેનો આગોતરો ઉપાય કરી શકાય અને કોરોનાને કાબુમાં લઇ શકાય. આ માટે રાજયસરકાર દ્વારા મહત્તમ લોકોને કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવવા જાહેર અનુરોધ કરાયો છે.
કુંડલીયા કોલેજના બેચલર ઓફ કોમર્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી કાજલ મુંગલાણીએ “ટેસ્ટ ઇઝ બેસ્ટ’’ના મહત્વ પર ભાર મુકતાં જણાવ્યું હતું કે, રાજયસરકાર જયારે ઘરે-ઘરે જઇને કોરોનાનો ટેસ્ટ ફ્રીમાં કરી આપે છે, ત્યારે રાજયના પ્રત્યેક નાગરિકે આ ટેસ્ટ અચૂક કરાવવો જ જોઇએ.
સુભાષચંદ્ર બોઝ સરકારી ટાઉનશીપ ખાતે નિવાસ કરતા ગૃહિણી શ્રીમતિ આરતીબેન અગ્રાવતે કહયું હતું કે, આનાથી કોરોના અંગેની બીક જશે અને જલ્દીથી સારવાર મળશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સેનિટરી ઇન્સ્પેકટર રમેશભાઇ પંચાલે જણાવ્યું હતું કે, ઘણી વખત કોરોના રોગનાં એક પણ લક્ષણો ન દેખાતા હોવા છતાં વ્યક્તિ કોરોના સંક્રમિત હોઇ શકે છે, અને તેની ખબર કોરોના ટેસ્ટ દ્વારા જ પડે છે, આથી ટેસ્ટ ન કરાવવાની માનસિકતા બદલીને -‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’ના સૂત્રને અનુરસવું જોઇએ,
કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા સિવિલ એન્જીનીયર ભાવેશભાઇ વોરાને ‘ટેસ્ટ ઇઝ બેસ્ટ’ અભિયાન અન્વયે જ કોરોના પોઝિટિવ જાહેર થયો હતો. તેમણે હોમ આઇસોલેશન અપનાવીને કોરોનાને વગર ખર્ચે સરકારી સારવારથી જ
હરાવ્યો છે.
જંકશન આરોગ્ય કેન્દ્રના રાષ્ટ્રીય બાલ સખા કાર્યક્રમના મેડિકલ ઓફિસર ડો. વીરેન્દ્રાસિંહ જાડેજાએ કહ્યું હતું કે ઘરે રહીને સારવાર લેવાથી નાગરિકોની રોજિંદી રહેણી-કરણીમાં મોટો બદલાવ આવતો નથી અને સારવારનો અર્થ બચે છે. શરૂઆતમાં જ ટેસ્ટ કરાવવાથી ઘરના સભ્યોને પણ કોરોનાના ચેપથી બચાવી શકાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer