લોકડાઉન અને કોરોનાના કહેરને કારણે ઘરેલુ હિંસા વધી

લોકડાઉન અને કોરોનાના કહેરને કારણે ઘરેલુ હિંસા વધી
પતિને રોજગારી ન મળતા રોષ પત્ની પર ઠાલવે : યુગલની એકબીજા પ્રત્યે સહનશીલતા ઘટી
રાજકોટ, તા. 19:  કોરોના વાયરસના કારણે ઘરોમાં બંધ પરિવારજનોમાં ઘરેલુ હિંસાના કિસ્સા વધી રહ્યા છે.  છેલ્લા 6 મહિનામાં આ કેસો દેશભરમાં ઝડપથી વધી રહ્યા છે. લોકડાઉનથી મહિલાઓની સમસ્યાઓ વધારો થતો જોવા
મળ્યો છે.
ગુજરાતમાં લગભગ છેલ્લા કેટલાક મહિનાથી લોકડાઉન હતું અને અત્યારે પણ જ્યારે પરિસ્થિતિ વિકટ છે ત્યારે , પતિ-પત્નીનો સાથે રહેવાનો સમય વધી જતા ઘરેલુ હિંસાની ફરિયાદોમાં વધારો થયો છે તેમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થિની ભૂમિકા ડોબરીયાએ કરેલા સર્વે પરથી જાણવા મળે છે.
સર્વે પ્રમાણે મહિલાઓની ફરિયાદો મુજબ લોકડાઉનમાં તેમના પતિ કામ પર જતા નહોતા  અને મોડે સુધી ઘરમા સુતા રહે છે, તેમજ છોકરાઓના અવાજ થાય તો પતિ દ્વારા અપશબ્દો  બોલવામાં આવતા અને મારામારી પણ કરતા હવે રોજગારી ન મળે તો બધો રોષ પત્ની પર ઠાલવે છે. મારઝૂડની ઘટનાઓ પણ આવી છે. લોકડાઉનમાં પુરુષો ઘરમાં વધુ સમય રહેતા અને પતિ-પત્ની સાથે રહેવાનો સમય વધ્યો ઉપરાંત હાલ કોરોનાના કહેરને લીધે યુગલોની એક બીજા પ્રત્યેની સહનશીલતા પણ ઓછી થઈ છે. એકબીજાના જીવનમાં વધારે પડતી દખલગીરીથી ઘરેલુ હિંસા પણ વધી છે, અને આર્થિક, શારીરિક તેમજ માનસિક રીતે સ્ત્રીઓનું શોષણ વધ્યુ છે.
એક  ચાલીસ વર્ષની મહિલા  4 બાળકોની માતા છે.  તેણે એવું જણાવ્યુ કે હ્નં  લોકડાઉનની સમાપ્તિની રાહ જોતી હતી અને તે ઇચ્છતી હતી કે તેનો પતિ પહેલાની જેમ દિવસમાં દસ કલાક કામ કરે અને જેથી ઘરે ન હોવાથી  તેને માર મારવાનું બંધ કરે. તે સ્ત્રીએ કહ્યું કે મેં ઘણી માનતાઓ માનેલી કે તેઓ જલ્દી કામ પર જાય જેથી વાત વાતમાં ઝગડા ન થાય અને માર ન ખાવો પડે.
લોકડાઉનની કારણે પતિ-પત્ની 24 કલાક ઘરમાં રહે છે જેથી રસોઈ, મોબાઈલ, ચા અને ઘર કામકાજ જેવા મુદ્દાઓ ઘરેલું હિંસાના કારણ બન્યા હતા. પતિ-પત્નિ એકબીજા ઉપર શંકા વધારી રહ્યા છે. ઘરની સામાન્ય બાબતોમાં કરવામાં આવતી ચર્ચા પણ ક્યારેક હિંસાનું કારણ બની જાય છે.
રેડ ઝોનમાં લોકડાઉન દરમિયાન જાતીય સતામણી અને બળાત્કારની ઘટનાઓ વધી રહી છે.  લોકડાઉનમાં સમય પસાર થતાં લોકોમાં કમાણી અંગે તણાવ વધી રહ્યો છે. લોકડાઉન દરમિયાન આક્રમક વલણ બતાવનારા પુરુષોને પણ લાગે છે કે આ દિવસોમાં તેની પત્ની ફરિયાદ નહીં કરે.     લોકડાઉન દરમિયાન પીડિતો માટે ફરિયાદ નોંધાવવા માટેના ફક્ત ત્રણ રસ્તાઓ હતા  - 1. સોશિયલ મીડિયા, 2. ઇ-મેઇલ અને  3. ઓનલાઇન નોંધણી.  પરિસ્થિતિ એવી હતી  કે પીડિતોને હિંસાના ગુનેગાર સાથે રહેવાની ફરજ પડી હતી .  જો તેને બીજે ક્યાંક જવું હોય તો પણ કોરોના દ્વારા ચેપ લાગવાનો ભય તેને પજવી રહ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer