ધંધાકીય હરીફાઈના ડખ્ખામાં ભાણેજની કૌટુંબિક મામાએ હત્યા કરાવ્યાનું ખૂલ્યું

ધંધાકીય હરીફાઈના ડખ્ખામાં ભાણેજની કૌટુંબિક મામાએ હત્યા કરાવ્યાનું ખૂલ્યું
 કૌટુંબિક મામા-ત્રણ સાગરીતોની ધરપકડ : હત્યા માટે રૂ.40 હજાર નકકી કર્યા’તા
રાજકોટ, તા.19 : કાલાવડ રોડ પરના વીરડા વાજડી ગામે બિહાર પંથકના યુવાનની હત્યા પ્રકરણમાં ધંધાકીય હરીફાઈના ડખ્ખામાં કૌટુંબિક મામાએ હત્યા કરાવ્યાનું ખૂલ્યુ હતુ. પોલીસે કૌટુંબિક મામા અને તેના ત્રણ સાગરીતો સહિત ચાર શખસોને ઝડપી લઈ વધુ તપાસ હાથધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મુળ બિહાર પંથકના અને હાલમાં ઘણા વર્ષોથી વીરડા વાજડી ગામે રહેતા અને ઘર પાસે જ પંચરની દુકાન ધરાવતા મોહમદ જસીમ મોહમદ અલ્લાદીન શાહ નામના યુવાનની કેબીનના છાપરા નીચેથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ મામલે પોલીસે મૃતક મોહમદ જસીમ શાહના શાપર વેરાવળમાં રહેતા ભાઈ મોહમદ નસીમ મોહમદ અલ્લાઉદીન શાહની ફરીયાદ પરથી અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ક્રાઈમબ્રાંચના સ્ટાફે બાતમીના આધારે મેટોડા જીઆઈડીસીમાં રહેતા મુળ બિહાર પંથકના મૃતક મોહમદ જસીમના કૌટુંબિક મામા મહમદ બસીર આલમશા ઉર્ફે ઈશાદ ઉર્ફે રાજુ કયુમશા શાહ તથા નીકાવામાં રહેતા સલીમશા અબ્દુલશા શાહમદાર, મુળ નીકાવાના અને હાલમાં ગોડલમાં મૌવેયા રોડ પર રહેતા વિશાલ ગીરધર બાવળીયા અને મુળ નીકાવાના અને હાલમાં ગોડલમાં રહેતા શબ્બીરશા ઉર્ફે રુસીમ હબ્બીશા શાહમદારને ઝડપી લીધા હતા.
પોલીસે ચારેય શખસોની આકરી પૂછતાછ કરતા ચોંકાવનારી વિગત બહાર આવી હતી. મૃતક મોહમદ જસીમ શાહને થોડા સમય પહેલા તેના  કોટુંબિક મામા મહમદ બશીર આદલમશાહ સાથે ધંધાકીય હરીફાઈ મામલે માથાકુટ થઈ હોય તેનો ખાર રાખીને મામા મહમદ બસીશ આલમશાહે તેના ભાણેજ મોહમદની હત્યા કરવાનું કાવત્રુ ઘડયુ હતુ. અને અન્ય ત્રણ સાગરતોને રૂ.40 હજાર આપવાનું નકકી કર્યું હતુ. પોલીસે વધુ તપાસ અર્થે ચારેય શખસોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer