પૂર્વ પતિની ર કરોડની મિલકત પડાવી લેવા માટે રાજકોટમાંથી બાળકનું અપહરણ કરનાર દંપતી સહિત 3 ઝડપાયા

પૂર્વ પતિની ર કરોડની મિલકત પડાવી લેવા માટે રાજકોટમાંથી બાળકનું અપહરણ કરનાર દંપતી સહિત 3 ઝડપાયા
 એક વર્ષ પહેલાં માસુમ બાળકનું અપહરણ કરી એક લાખમાં વેચી દીધું’તું
રાજકોટ, તા.19: જામનગરની મુસ્લિમ પરિણીતાએ તેના પૂર્વ પતિની ર કરોડની મિલકત પડાવી લેવાના ઈરાદે દ્વારકાના મુસ્લિમ દંપતીને એક લાખની લાલચ આપી માસુમ બાળકનું (માનવ તસ્કરી) અપહરણ કરાવી બાળક તેનું હોવાનું જણાવી મિલકત પચાવી પાડવાનો કારસો કર્યાનો અને દોઢ વર્ષ પહેલાં રાજકોટનાં શાત્રી મેદાનની ફૂટપાથ પરથી  બાળકનાં અપહરણનાં કૌભાંડનો પર્દાફાશ કરી મુસ્લિમ દંપતી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, શાત્રીમેદાનની ફૂટપાથ રહેતાં મૂળ એમપી પંથકનાં મમતાબેન જામસિંગ ભુરિયા નામની મહિલાનો પુત્ર જીગો (ઉં.1) ગત તા.રર/પ/19ના ગુમ થઈ જતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ ભાળ નહીં મળતા પ્ર.નગર પોલીસમાં બાળકનાં અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. આ મામલે ક્રાઇમ બ્રાંચે પણ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાંચના સ્ટાફે અપહરણ થયેલ બાળક જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી સલમા ઉર્ફે ફાતમા નામની મુસ્લિમ મહિલાએ ખરીદી કરી હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી અને હાલમાં જામખંભાળિયામાં નવાપરા નદીના પટમાં રહેતા નાથાલાલ પ્રભુદાસ સોમૈયા સાથે સલમા ઉર્ફે ફાતમા રહેતી હોવાનું ખૂલતા પોલીસ ખંભાળિયા પહોંચી હતી અને સલમા ઉર્ફે ફાતમાની આકરી પૂછતાછ કરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. આ બાળક દ્વારકામાં ફૂલવાડી શબીબલ ચોકમાં રહેતા સલીમ હુશેન સુભણિયા અને તેની પત્ની ફરીદા સલીમ શુભણિયા મારફત એક લાખમાં બાળકનું અપહરણ કરાવી ખરીદ્યાનું ખૂલ્યું હતું.
પોલીસે જામનગરની સલમા ઉર્ફે ફાતમા ઉર્ફે સીમા અબ્દુલમિયા નાનુમિયા કાદરી તથા સલીમ શુભણિયા અને ફાતમા શુભણિયાની આકરી પૂછતાછ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જામનગરની સલમા ઉર્ફે ફાતમાએ પાંચ પ્રેમલગ્ન કરી છૂટાછેડા લઈ લીધા હતા. તે પૈકી ર01રમાં ખંભાળિયાના નાથાલાલ સોમૈયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને ર016માં છૂટાછેડા લઈ લીધા હતા અને નાથાલાલ સોમૈયાએ ર019માં જમીન વેચતા રૂ.ર કરોડ આવ્યા હોય તે અંગેની જાણ પૂર્વ પત્ની સલમા ઉર્ફે ફાતમાને થતાં કોઈપણ રીતે નાથાલાલનાં ઘરમાં બેસવા માટેનો પ્લાન ઘડયો હતો અને એક નાનકડું રૂપાડું બાળક મળી જાય તો નાથાલાલ થકી આ બાળક જન્મ્યાના બહાને ફરીથી ઘરમાં પ્રવેશી શકાય તેવું પૂર્વ આયોજિત કાવતરું ઘડયું હતું અને દ્વારકાના સલીમ અને તેની પત્ની ફરીદાનો સંપર્ક કર્યો હતો અને એકાદ વર્ષનું બાળક શોધી આપશે તો એક લાખ આપશે તેવી વાત કરતા સલીમ અને ફરીદાએ જામનગરમાં શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઈ બાળક નહીં મળતા રાજકોટમાં શોધખોળ શરૂ કરી હતી અને દોઢ વર્ષ પહેલાં શાત્રી મેદાનની ફૂટપાથ પર સૂતેલા આદિવાસી પરિવારના માસુમ બાળકની (માનવ તસ્કરી) ઉઠાંતરી કરી સલમા ઉર્ફે ફાતમાને આપી દીધું હતું.
ત્યારબાદ સલમા ઉર્ફે ફાતમાએ આ બાળક તેની કૂંખે જન્મ્યું છે અને નાથાલાલ સૌમેયા તેના પિતા છે. એ મતલબનું ખોટું સોગદનામું પણ જામનગર મહાનગરપાલિકા કરાવી લઈ બાળકનું જયદીપ નામ રજિસ્ટ્રેશન કરાવી લીધું હતું અને જામનગરમાં ખાન નામના વકીલ - નોટરી સમક્ષ ખોટું સોગદનામું કરાવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને પતિ નાથાલાલનું જ આ બાળક છે. તેવું સાબિત કરાવી ર019થી નાથાલાલ સાથે રહેતી હતી. પત્ની સલમા ઉર્ફે ફાતમાએ બાળકનું અપહરણ કરાવ્યાની જાણ થતાં નાથાલાલ સૌમેયા રડી પડયા હતા. પોલીસે સલમા ઉર્ફે ફાતમા કાદરી અને સલીમ સુભાણિયા અને ફરીદા સલીમ સુભાણિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
 
ડીએનએ ટેસ્ટ બાદ બાળક પરિવારને સોંપાશે
શાત્રી મેદાનની ફૂટપાથ પરથી અપહરણ કરાયેલ બાળક મળી આવતા પરપ્રાંતીય પરિવારે રાહત અનુભવી હતી અને બાળક તથા તેનાં માતા - પિતાના ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા બાદ બાળકને તેના પરિવારને સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે.
કામગીરી કરનાર સ્ટાફને ઈનામ
કરોડોની મિલકત પચાવી પાડવા માટે માસુમ બાળકનું અપહરણ કરી વેચી નાખવાના કૌભાંડનો પર્દાફાશ કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને રૂ.1પ હજારનું ઈનામ આપવામાં આવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer