ગાજવીજ સાથે છૂટોછવાયો 3 ઇંચ વરસ્યો

ગાજવીજ સાથે છૂટોછવાયો 3 ઇંચ વરસ્યો
-ધોરાજી, કોટડાસાંગાણી, ડેડાણ, જૂનાગઢ, ધારી પંથકમાં મેઘાગમન
 
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા. 19 : સૌરાષ્ટ્રમાં ઝાપટાથી ત્રણ ઇંચ સુધીનો છૂટોછવાયો વરસાદ કહેર જેવા સ્વરૂપમાં વરસ્યો હતો. ઓછા સમયમાં ધોધમાર પડી જતાં કેટલીય જગ્યાએ પૂરના પાણી ફરી વળ્યા હતા. સાંજ પછી વાતાવરણ બદલ્યું અને કડાકા-ભડાકા સાથે ખાબક્યો હતો.
ધોરાજી : ધોરાજીમાં અડધો કલાકમાં એક ઇંચ પડયો હતો.
કાથરોટા : ધારીના કાથરોટા ગામે આભ ફાટયું હોય તેમ દોઢ કલાક વરસાદ ઝીંકાયો હતો. ખેડૂતોના પાથરા તણાઈ ગયા હતા. પાકને પણ નુકશાન થયું હતું.
ગોંડલ : ગોંડલમાં સાંજે બે કલાકમાં ત્રણ ઇંચથી પાણી ભરાઇ ગયા હતા. વીજળીના કડાકા-ભડાકાથી લોકો ભયભીત થયા હતા. આસપાસના ગામોમાં બે ઇંચ હતો.
કોટડાસાંગાણી : કોટડાસાંગાણી અને આસપાસના ગામોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકતા મગફળી કપાસ સહિતના પાકને વ્યાપક નુકસાન થયું છે. ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ટૂંકા દિવસોના વિરામ બાદ ભારે વરસાદે પરેશાન કર્યા હતાં. સતાપર, રામપરા, રામોદ, રાજગઢ, ખરેડા, સોળીયા, નારણકા, ભાડુઇ ગામોમાં એક ઇંચથી ત્રણ ઇંચ જેટલો વરસાદ હતો. જળાશયો ફરી ઓવરફલો થયા હતાં. મગફળીનો કૂચો પણ પશુઓને નીરણ તરીકે કામ આવવા લાયક નથી રહ્યો. ભારે વરસાદથી કોટડાસાંગાણીના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા.
ડેડાણ : ખાંભા તાલુકાના નવા માલકનેસ જૂના માલકનેસ ગામની નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. સુપડાની ધારે બે ઇંચ વરસાદ પડયો હતો.  નવા માલકનેસમાં સ્મશાનની દીવાલ સુધી પાણી ફરી વળ્યા હતાં. જૂના માલકનેસ ગામની નદીમાં પુલ અદ્રશ્ય થઇ ગયો હતો. ખેતરમાં પાણી સુકાયા નથી ત્યાં ફરી વરસાદ આવતા ખેતરમાં પાણી ભરાયા છે.
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનો મેઘરાજા કેડો મૂકતા ન હોય તેમ આજે વિસાવદરમાં એક, વંથલીમાં અડધો અને જૂનાગઢ અને માળિયામાં જોરદાર ઝાપટું પડયું હતું. જિલ્લામાં છેલ્લા સપ્તાહથી વરાપ નીકળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. અને આગોતરી મગફળી, કઠોળના પાકને સમેટવાનું શરૂ કરતા જ વરસાદ પડતા પાકને નુકશાન પહોંચ્યું છે.
-------------
નાના કોટડામાં યુવાન તણાયો
વિસાવદર, તા. 19 : વિસાવદર તાલુકાના નાના કોટડા ગામે વિપુલભાઈ પરબતભાઈની વાડીએ પાંચ દિવસથી પંચમહાલ જિલ્લા નાબાભરોલીના ખેતરે મજૂર આવ્યા છે. તેમાંના રામજી વેસાતભાઈ ડામોર (ઉ.30) કોટડાથી ગોરખપુરના રસ્તે સાઈકલ સાથે પસાર થઇ રહ્યો હતો ત્યારે બપોરે નદીના ધસમસતા પ્રવાહમાં સાઈકલ સાથે તણાઈ ગયો હતો. વાડી માલિક અને ગામ લોકોએ ખોજ શરૂ કરી દીધી હતી. રામજીભાઈની લાશ નાના કોટડાથી મોટા કોટડાના રસ્તે વિંછીયા
વોંકળામાંથી મળી આવી હતી.
વડાળમાં વીજળી પડતા ખેડૂતનું મૃત્યુ
ભાવનગર,તા. 19 : પાલીતાણાનાં વડાળ ગામે એક ખેતરમાં વીજળી પડતાં જેસીંગભાઈ બઘાભાઈ ધારૈયા (ઉ.50) નામનાં ખેડૂતનું મૃત્યુ નિપજ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer