વધુને વધુ સાંસદો સંક્રમિત થઈ રહ્યાં છે : કોરોનાને કારણે સંસદનું ચોમાસું સત્ર ટૂંકાવી દેવાશે

વધુને વધુ સાંસદો સંક્રમિત થઈ રહ્યાં છે : કોરોનાને કારણે સંસદનું ચોમાસું સત્ર ટૂંકાવી દેવાશે
- લોકસભાનું વર્તમાન સત્ર આવતા અઠવાડીયે પૂરું
 
નવી દિલ્હી, તા. 19: કેન્દ્રના પ્રધાનો નીતિન ગડકરી અને પ્રહલાદ પટેલ સહિત 30થી વધુ સંસદ સભ્યો કોરોના વાયરસના સંક્રમણ માટે પોઝિટિવ જાહેર થયા છે ત્યારે ચિંતાની લાગણી જન્મી છે અને કોવિદ-19ના ફેલાવા અંગે સંસદમાં દહેશત પેદા થઇ છે.
આ પરિસ્થિતિએ કડક પ્રોટોકોલ હાથ ધરવા પ્રેર્યા છે અને હાલ ચાલી રહેલા ચોમાસુ સત્રને આવતા સપ્તાહે પૂરું કરવાની
વિચારણા ચાલી રહી છે.
ભાજપના વિનય સહત્રબુદ્ધે કે જેઓ ગયા શુક્રવારે નેગેટીવ જાહેર થયા હતા તેમના કિસ્સાએ સાંસદોમાં દહેશત ફેલાવી છે. રાજયસભામાં કોવિદની ચર્ચામાં તેઓ મુખ્ય વકતા હતા. તેના બીજા દિવસે વિનય સહત્રબુદ્ધેએ જણાવ્યું કે, મને માથાના દુ:ખાવા અને તાવ બાદ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યો હતો. તૃણમુલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રામને સહત્રબુદ્ધેના સંપર્કમાં આવેલા કે તેમની નજીક બેઠેલા તમામને આઇસોલેટ થઇ જવા અપીલ કરી હતી.
માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ જે ખરડાઓ માટે લોકડાઉનના સમયગાળામાં 11 વટહુકમ બહાર પાડવામાં આવ્યા હતાં તે જો બંને ગૃહમાં પસાર થઇ જશે તો વર્તમાન સત્રને ટૂંકાવવામાં આવી શકે. ઓછામાં ઓછા બે વિપક્ષી સાંસદોએ કહ્યું હતું કે વર્તમાન સત્ર આવતા સપ્તાહની મધ્યમાં પૂર્ણ થઇ શકે છે.
 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer