બંગાળ-કેરળમાં અલ કાયદાના 9 આતંકી ઝડપાયા

બંગાળ-કેરળમાં અલ કાયદાના 9 આતંકી ઝડપાયા
- એનઆઈએને મોટી સફળતા, દેશનાં અનેક શહેરમાં હુમલાનું કાવતરું નિષ્ફળ : ના-પાક સંપર્ક, જેહાદી સાહિત્ય-હથિયાર-લોકલ બખ્તર-વિસ્ફોટક બનાવવાનો સામાન મળી આવ્યો
 
નવી દિલ્હી, તા.19: દિલ્હી એનસીઆર સહિત દેશના અનેક શહેરમાં આતંકી હુમલાનાં કાવતરાને નિષ્ફળ બનાવતાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ પાકિસ્તાન સમર્થિત અલ-કાયદાના મોટા ટેરર મોડયુલનો ભાંડો ફોડી પશ્ચિમ બંગાળ અને કેરળમાં શનિવારે 9 આતંકવાદીઓને ઝડપી લીધા હતા.

એવું કહેવાય છે કે અલકાયદાના આ આતંકવાદીઓ દેશમાં અનેક જગ્યાએ હુમલાની તૈયારીમાં હતા. એનઆઇએની તપાસમાં સામે આવ્યું કે આ તમામ આતંકવાદી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાન સ્થિત અલ-કાયદા સંગઠન સાથે જોડાયેલા હતા અને ત્યાંથી જ કટ્ટરવાદી બન્યા હતા. પશ્ચિમ બંગાળ સાથે કેરળ સુધી તેમના તાર જોડાયેલા છે. પ.બંગાળના મુર્શિદાબાદ અને કેરળના અર્નાકુલમમાં એનઆઈએને દરોડા દરમિયાન મોટી સફળતા મળી હતી.
તપાસકર્તા સૂ‰ત્રોએ જણાવ્યું કે ઝડપાયેલા 9 આતંકવાદીની ઓળખ મુર્શિદાબાદના અબુ સૂફિયાન, લેઉ યીન અહમદ, અલ મામૂન કમલ, અતીતૂર રહેમાન, નજમૂસ શાકિબ, માઇનુલ મોંડલ તથા હાલ અર્નાકૂલમ સ્થિત મુર્શિદ હસન, ઈયાકૂબ બિસ્વાસ, મોસારફ હોસેન રૂપે થઈ છે. કેરળમાંથી ઝડપાયેલા ત્રણેય પણ મૂળ પ.બંગાળના છે. લીડર સહિત આતંકીઓ પાસેથી જેહાદી સાહિત્ય, દેશી બંદૂક, ધારદાર હથિયારો, સ્થાનિક સ્તરે બનાવેલું બખ્તર, વિસ્ફોટક બનાવવાનો સામાન, ડિજિટલ ડિવાઇસ અને દસ્તાવેજો મળી આવ્યા હતા. તેઓ જરૂરી નાણાંકીય અને હથિયારોની વ્યવસ્થા માટે દિલ્હી જવાની તૈયારીમાં હતા. તમામ આતંકીઓને પોલીસ કસ્ટડી અને આગળની તપાસ માટે પશ્ચિમ બંગાળ અને કેરળની સંબંધિત અદાલતોમાં રજૂ કરવામાં આવશે. એનઆઈએ ના મતે આ આતંકવાદીઓ ઝડપાઈ જતાં દેશમાં વિવિધ સ્થળોએ સંભવિત આતંકી હુમલો ટળી ગયો છે.
ગત મહિને દિલ્હી પોલીસની સ્પે.ટીમે અથડામણ દરમિયાન ધૌલાકુવાથી આઇએસઆઇએસના સંદિગ્ધ આતંકવાદી અબુ યુસુફ ઉર્ફે મુસ્તકીમને ઝડપી લીધો હતો. યુપીના બદરામપુરનો રહેવાસી યુસૂફ દિલ્હી અને યુપીમાં હુમલાની તૈયારીમાં હતો. એવું કહેવાય છે કે તેના નિશાના પર અયોધ્યામાં બની રહેલું રામ મંદિર પણ હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer