દક્ષિણ એશિયામાં ચીનને ઘેરવા ભારત-જાપાને હાથ મિલાવ્યા

દક્ષિણ એશિયામાં ચીનને ઘેરવા ભારત-જાપાને હાથ મિલાવ્યા
ત્રીજા વિશ્વના દેશોને સાથે રાખવાની નવી રણનીતિ, ચીનનું વર્ચસ્વ ઘટશે
નવી દિલ્હી તા.19: દક્ષિણ એશિયામાં વર્ચસ્વની લડાઈ લડવા નિકળેલા ચીનને ઘેરવા ભારત અને જાપાને ત્રીજા વિશ્વના દેશોને સાથે જોડવાની નવી રણનીતિ બનાવી છે.
દક્ષિણ એશિયામાં ચીનના વધતાં પ્રભાવને ધ્યાને લઈ ભારત એક નવી રણનીતિ પર કામ કરી રહ્યું છે જેમાં તેને જાપાનનો સાથ મળ્યો છે.ભારત અને જાપાન ડ્રેગનનો મુકાબલો કરવા માટે ત્રીજા વિશ્વના દેશોને સાથે લાવવાની સંભાવનાઓ શોધી રહ્યા છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે અમે ત્રીજા વિશ્વના દેશો સાથે ભાગીદારીના વ્યવહારીક વિકલ્પો વિચારી રહ્યા છીએ. ઈન્ડસ્ટ્રી ચેમ્બર ફિક્કી દ્વારા આયોજીત એક વર્ચ્ચુઅલ કોન્ફરન્સમાં બોલતા તેમણે ઉમેર્યુ કે ભારત અને જાપાન પાસે રશિયાના અને પ્રશાંત મહાસાગરના દેશો સાથે કામ કરવાની તક છે. આપણે એ ક્ષેત્રો જોવા પડશે જયાં સાથે મળીને કામ કરી શકીએ.
પહેલો વિકલ્પ એ છે કે રશિયાના અંતરિયાળ પૂર્વ વિસ્તારમાં આર્થિક સહયોગની સંભાવના, કારણ કે ભારતે ત્યાંના આર્થિક પ્રોજેક્ટસમાં ભાગીદારીમાં રસ દાખવ્યો છે. બીજો વિકલ્પ પ્રશાંત મહાસાગરના ટાપુ દેશો જયાં ભારતે વિકાસની ભાગીદારી અને રાજનીતિક પહોંચ વધારી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-રશિયા દ્વિપક્ષીય સંમેલન માટે ગત વર્ષ વ્લાદિવોસ્તોક ગયા હતા જયાં તેમણે રશિયન ફાર ઈસ્ટ વિસ્તારમાં પ્રોજેક્ટસ માટે એક અબજ ડોલરની લાઈન ઓફ ક્રેડિટ‰સની જાહેરાત કરી હતી. નવી દિલ્હી-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન જેવા ફોરમના માધ્યમથી પ્રશાંત દ્વિપના દેશો સુધી પહોંચ મજબૂત કરવામાં આવી છે. આ ફોરમમાં ભારત સહિત 14 પ્રશાંત ટાપુ દેશો છે. ઈન્ફ્રાસ્ટ્રકચર અને પ્રોજેકટ ડેવલોપમેન્ટ માટે બંન્ને દેશ ત્રીજા વિશ્વના દેશોની સંભાવનાઓ પર કામ કરી રહ્યા છે. શ્રીલંકામાં સંયુક્ત પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને બાંગ્લાદેશ- મ્યામાંરને સાથે લાવવાની સંભાવના જોવાઈ રહી છે.
---------------------
લદ્દાખ બાદ અરુણાચલમાં ચીનનો સળવળાટ : ભારત સતર્ક
વધુ એક મોરચાની તૈયારીમાં ડ્રેગન,
10 સ્થળે ભારતીય સેનાની બાજ નજર
નવી દિલ્હી, તા.19: લદ્દાખ સરહદે ભારત વિરુદ્ધ મોરચો માંડનારા ચીને હવે અરુણાચલ પ્રદેશમાં પણ સળવળાટ કર્યો છે. જો કે ભારતીય સેના પણ ચીનની કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપવા સજ્જ છે.
196રનાં યુદ્ધમાં ચીન સાથે જોડાયેલા 6 વિવાદીત વિસ્તાર અને 4 સંવેદનશીલ વિસ્તારમાં ભારતે સતર્કતા વધારી દીધી છે. અધિકારી સૂત્રોએ જણાવ્યું કે અસાપિલા, લોંગજૂ, બીસા અને માઝા વિવાદીત વિસ્તારો છે જે અપર સુબાનસિરી જિલ્લામાં છે. અહીં ચીને એલએસી પાસે એક રસ્તો પણ બનાવી લીધો છે. ચીન સમગ્ર અસાપિલા સેક્ટર પર પોતાનો અધિકાર દાખવે છે. તેથી તે અંગે ભારે વિવાદ છે.
સૂત્રોએ ઉમેર્યું કે ખૂબ જ ઉંચાઈએ સ્થિત અસાપિલા સેક્ટર ભારત અને ચીન બન્ને માટે ખૂબ જ મુશ્કેલ પોઝિશન છે. ઠંડીની મૌસમમાં અહીં સ્થિતિ મુશ્કેલ હોય છે. આવતા 6 માસ ચીન માટે અહીંથી પોબારા ભણી જવા જેવી સ્થિતિ સર્જાશે. ગત મે માસમાં ચીની સેનાએ આ સેક્ટરમાંથી જ ર1 વર્ષના એક યુવકનું અપહરણ કરી લીધું હતું જેને 19 દિવસ બાદ છોડી મૂક્યો હતો.
છેલ્લા કેટલાક મહિનાથી લદ્દાખમાં તણાવ સર્જી ચીને હવે અરુણાચલમાં ગતિવિધિ વધારતાં ભારત સતર્ક બની ગયું છે.
ગલવાન ઘાટીની જેમ અરુણાચલમાં ચીન કોઈ અણછાજતી હરકત ન કરે તે માટે ભારતીય સેનાએ ચીની સરહદે પેટ્રોલિંગ વધારી દીધું છે. અરુણાચલમાં ભારતીય સરહદ નજીક ચીન લશ્કરી જમાવટ વધારી રહ્યાનું જણાયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer