કૃષિ ખરડો ખેડૂત વિરોધી છે: માયાવતી-અખિલેશનો વિરોધ

કૃષિ ખરડો ખેડૂત વિરોધી છે: માયાવતી-અખિલેશનો વિરોધ
નવી દિલ્હી, તા. 19: બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતી અને સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, સરકારે રજૂ કરેલા કૃષિ ખરડાઓ ખરેખર કૃષિ વિરોધી છે અને શ્રીમંતો તરફી છે. લોકસભાએ ગુરુવારે ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન અને ફેસિલિટેશન) બિલ, 2020 તેમજ ફાર્મસી (એમ્પાવર્નમેન્ટ અને પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એલ્યુરન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલ, 2020 પસાર કર્યા છે. લોકસભામાં જે રીતે આ ખરડાઓ પસાર કરવામાં આવ્યા તે સામે પ્રશ્નો ઉઠાવતા માયાવતીએ કહ્યું કે, “સંસદમાં કિસાનનો સાથે જોડાયેલાં બે બિલ, તેની બધી શંકાઓને દૂર કર્યા વિના જ કાલે પાસ કરી દીધા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના ખેડૂતોને ખરેખર શું જોઇએ છે ? સરકાર આ દિશામાં કામ કરે તે ખેડૂતોનાં હિતમાં રહેશે. સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે આ બે કૃષિ ખરડા ખેડૂત વિરોધી અને શ્રીમંતો તરફી છે. એક વખત તે અમલમાં આવશે પછી તે ખેડૂતોને તેમની માલિકીના ખેતરમાં મજૂર બનાવી દેશે અને તેમના પાકનો યોગ્ય ભાવ લેવાનો તેમનો અધિકાર છીનવી લેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભાજપ સરકાર ખેતીને અમીરોના હાથમાં ગિરવી રાખવા માટે આ બે શોષણકારી ખરડા લાવી છે.
CMને ગૃહમાં ખાતરી આપવામાં શું વાંધો હતો ?: બાદલ
નવી દિલ્હી, તા. 19: કેન્દ્ર સરકારે રજૂ કરેલા ત્રણ કૃષિ ખરડા કે જેનાથી પંજાબમાં વિરોધનો સૂર નીકળ્યો છે. તેના વિરોધમાં કેન્દ્ર સરકારના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ખાતાના પ્રધાન હરસીમરન કૌર બાદલે રાજીનામું આપ્યાના બીજા દિવસે જણાવ્યું હતું કે આ કાયદાઓ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી ખાતરી બહુ થોડી અને બહુ મોડી છે અને અકાલી દળે વારંવાર આ મેટર કેબિનેટમાં ઉપસ્થિત કરી હતી. ભટિન્ડાના લોકસભાનાં સભ્ય હરસીમરન કૌરે જણાવ્યું હતું કે, વડાપ્રધાને ખાતરી આપી તે બદલ હું તેમની આભારી છું પણ આ ખાતરી તેમણે મને દોઢ મહિના પહેલાં આપી હોત તો હું વધારે આભારી થાત. દરમિયાન અકાલી દળના પ્રમુખ સુખબીરસિંઘ બાદલે જણાવ્યું હતું કે, ભાજપ સાથે જોડાણના મામલે નિર્ણય લેવા અકાલી દળની બેઠક મળશે. અકાલીઓ ભાજપના સૌથી જૂના સાથીદાર છે. વડાપ્રધાને આ ખરડાથી ખેડૂતોના હિત નહીં જોખમાય તેવી ખાતરી આપતાં ટ્વિટ કર્યા તે અંગે સુખબીરસિંઘે જણાવ્યું કે, ટ્વિટ એ ખાતરી નથી. તેમણે આ બાબત ખરડામાં મૂકવી  જોઇતી હતી અને વડાપ્રધાને ગૃહમાં ખાતરી આપવી જોઇએ.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer