કોઝિકોડ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18, બ્લેક બોક્સ મળ્યું

કોઝિકોડ દુર્ઘટનામાં મૃત્યુઆંક 18, બ્લેક બોક્સ મળ્યું
 
- એક મૃતકને કોરોના પોઝિટિવ આવતા હડકંપ : 149 ઘાયલ, મૃતકોના પરિજનોને રૂપિયા 10 લાખનું વળતર
 
નવી દિલ્હી, તા. 8 : વંદે ભારત મિશન હેઠળ દુબઈથી કેરળના કોઝિકોડ આવેલાં વિમાનને નડેલા અકસ્માતમાં અત્યારસુધીમાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે જ્યારે 149 લોકોને ઈજા પહોંચી હોવાથી સારવાર ચાલી રહી છે. આ દરમિયાન કોરોના ટેસ્ટમાં અકસ્માતમાં મરનારા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે અને સુરક્ષાને ધ્યાને લઈને હવે વિમાન અકસ્માતના ઈજાગ્રસ્તોને પરિવારજનો મળી શકશે નહીં. અકસ્માત અંગેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. સ્થિતિની સમીક્ષા કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી અને વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરન ઉપરાંત કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન સ્થળ ઉપર પહોંચી ગયા હતા તેમજ વિમાન દુર્ઘટનાના મૃતકોના પરિજનોને 10 લાખ રૂપિયા વળતરની ઘોષણા કરવામાં આવી હતી.
નાગરીક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી શનિવારે કોઝિકોડ એરપોર્ટ પહોંચ્યા હતા. સ્થિતિની જાણકારી મેળવ્યા બાદ હરદીપ સિંહે કહ્યું હતું કે, સદ્ભાગ્યે 10 વર્ષ પહેલાં મેંગલોર દુર્ઘટનાની ઉલટ વિમાનમાં આગ ન લાગી. જેના પરિણામે મોટું નુકસાન ટળ્યું છે જ્યારે સીએમ વિજયે પણ હરદીપ સિંહ સાથે સ્થળ મુલાકાત બાદ વળતરનું એલાન કર્યું હતું. કેરળના મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, મૃતક સહિત તમામ યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કહ્યું હતું કે, બચાવ કાર્ય કરી રહેલા તમામ કર્મચારીઓએ સ્વાસ્થ્ય વિભાગ સાથે સંપર્ક કરવો જોઈએ અને સેલ્ફ ક્વોરન્ટાઇન થવાની સાથે કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. કેરળ સરકારે કારીપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન વે ઉપર એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન લેન્ડિંગ સમયે અકસ્માતનો શિકાર બન્યા બાદ મૃતકોના પરિજનોને શનિવારે 10 લાખ રૂપિયા વળતરની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને ઉચ્ચ સ્તરીય બેઠક બાદ સંવાદદાતાઓઁ કહ્યું હતું કે, અંદાજિત 18 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 149 લોકોની મલ્લપુરમ અને કોઝિકોડ જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. એરપોર્ટ ઓથોરિટીના દાવા પ્રમાણે વિમાન રનવેથી 100 મીટર પહેલા ટેક્સી વે પાસે ટકરાયું હતુ. તેમજ બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે.
વિજયને કહ્યું હતું કે, રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને 10 લાખ આપવાનો નિર્ણય કર્યો છે. જે લોકોનો ઉપચાર ચાલી રહ્યો છે તેનો ખર્ચ સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,જે 18 લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમાં 14 વયસ્ક છે અને 4 બાળકો છે. વિજયને ઉમેર્યું હતું કે, 14 વયસ્કમાં 7 પુરુષ અને અન્ય મહિલાઓ છે. જે 149 લોકોની સારવાર થઈ રહી છે. તેમાંથી 23ની હાલત ગંભીર છે જ્યારે 23ને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. એર ઇન્ડિયા એક્સપ્રેસે મૃતકોના પરિજનોને 10 લાખ, 12થી ઓછી ઉંમરના મૃતકોના પરિજનોને 5 લાખ, ગંભીર રૂપથી ઘાયલને બે બે લાખ અને ઘાયલ યાત્રિકોને 50 હજાર વળતરની ઘોષણા કરી હતી. ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાત્રે 190 યાત્રીઓ અને ચાલક દળના સભ્યોને લઈને દુબઈથી આવી રહેલું એર ઇન્ડિયા એક્સપ્રેસનું વિમાન ઉતરતા સમયે રન વેથી સરકીને 35 ફૂટ ઉંડી ખીણમાં પડયું હતું. આ અકસ્માતમાં વિમાનના બે કટકા થઈ ગયા હતા.
-----------
પાઈલટ સાઠેએ જીવ દઇ અનેક જીવ બચાવ્યા
નવી દિલ્હી, તા. 8 : કોઝિકોડમાં ગઇકાલે શુક્રવારે સર્જાયેલી  વિમાન દુર્ઘટનામાં  એર ઇન્ડિયાના પાઈલટ દીપક સાઠેએ  પોતાની જાન કુરબાન કરી મોટી સંખ્યામાં  લોકોના જીવ બચાવ્યા હતા. ખાસ તો વિમાન તૂટવા પહેલાં અગમચેતી સાથે એન્જિન બંધ કરી, દીપકે  આગ ન લાગવા દેતાં મોટી જાનહાનિ ટાળી હતી.
વિમાનના લેન્ડિંગ ગિયર્સે કામ કરવું બંધ કરી દીધું હતું. ત્યારબાદ ઇંધણ ખૂટી જાય તે માટે સાઠેએ એરપોર્ટના ત્રણ ચક્કર લગાવ્યા અને પછી ઉતરાણ કરાવ્યું તેવું દીપકના કાકાઇ ભાઇ નિલેશ સાઠેએ  ફેસબુક પર લખ્યું હતું.
ખાસ તો કેપ્ટન દીપક સાઠેનો 36 વર્ષનો અનુભવ કામ આવ્યો હતો.  એર ઇન્ડિયામાં જોડાવા પહેલાં  21  વરસ સુધી ભારતીય વાયુદળમાં તેમણે?ફરજ બજાવી હતી.
વિમાનના ટુકડા થવાથી પહેલાં જ સમયસૂચકતા સાથે દીપકે એન્જિન બંધ કરી નાખતાં વિમાનમાં આગ લાગી નહોતી. નહીંતર મોટી સંખ્યામાં જાનહાનિ થઇ હોત.
દીપકને 1990ના દાયકામાં એક વિમાન દુર્ઘટનામાં માથામાં ઇજા થઇ હતી. જેના કારણે છ મહિના હોસ્પિટલમાં જ રહ્યા હતા, ત્યારે કોઇને કલ્પના નહોતી કે, બીજીવાર તે વિમાન ઉડાવી શકશે, પરંતુ દૃઢ ઇચ્છાશક્તિના બળે તેમણે ફરી વિમાન ઉડાવ્યાં...
નાગપુરમાં  વસતા પાઈલોટ દીપક સાઠે લાંબા સમયથી બહાર હોવાના કારણે વંદે માતરમ મિશન હેઠળ દુબઇથી લોકોને ભારત પહોંચાડયા પછી ઘેર પહોંચીને માતા-પિતાને સરપ્રાઇઝ આપવા માગતા હતા.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, વિમાન રન-વેથી એક હજાર મીટર પહેલાં ટેક્સી-વે પાસે ટકરાયું હતું. 28 નંબરના રન-વે પર કંઇ દેખાતું ન  હોવાથી સાઠેએ 10મા રન-વે પર ઉતરાણની વિનંતી કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer