ઊંટે કરવટ બદલી ! : રાજસ્થાન ભાજપના 12 ધારાસભ્યો ગુજરાતમાં !

ઊંટે કરવટ બદલી !  : રાજસ્થાન ભાજપના 12 ધારાસભ્યો ગુજરાતમાં !
- તા. 14 ઓગસ્ટે રાજસ્થાન ધારાસભાનું સત્ર મળે એ પહેલાં અફરાતફરી
- વસુંધરા રાજે જૂથના સભ્યો છે : છ બાવળા રિસોર્ટમાં, છ સોમનાથના શરણે, ધારાસભ્યોએ કહ્યું, ગેહલોત સરકાર અમને પરેશાન કરે છે
 
અમદાવાદ, વેરાવળ,તા. 8 : રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોતની સરકાર સામે ચાલતા રાજકીય ખેલમાં ઊંટે કરવટ બદલી છે. સચિન પાયલોટ અલગ થયા અને એમના સામે ગેહલોત સરકારે સરકાર તોડવાનો કેસ કર્યો. અને હવે ધારાસભાનું સત્ર તા. 14મીએ મળવાનું છે એ પહેલા એસ.ઓ.જી. તપાસનો સંકેલો કર્યો છે. બીજી બાજુ, ભાજપના ધારાસભ્યો ન તૂટે એટલે એમને ગુજરાતમાં ખસેડયા છે. આ ધારાસભ્યો વસુંધરા રાજે જૂથના હોવાનું મનાય છે. બાર ધારાસભ્યો ગુજરાત આવ્યા છે એમાંના 6 બાવળાના કોઇ રિસોર્ટમાં રોકાયા છે તો 6 ધારાસભ્યો સોમનાથ દર્શને પહોંચ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ એના ધારાસભ્યોને બચાવતી રહી અને રિસોર્ટમાં રાખતી હતી. હજુ ય ગેહલોતે આવી જ વ્યવસ્થા કરી છે. નંબર ગેમ ચાલે છે. ગુજરાતમાં આવેલા બારેક ધારાસભ્યો પૈકી સોમનાથ દર્શને આવેલા ભાજપના ધારાસભ્યોએ ગેહલોત સરકાર પર આક્ષેપ કરતા જણાવેલું કે, ભાજપના ધારાસભ્યોને પરેશાન કરવામાં આવે છે. આ સ્થિતિમાં અમે સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છીએ. પોરબંદર વિમાન મથકે ભાજપના નિર્મલ કુમાવતે જણાવ્યું કે, કોંગ્રેસ અમારા ઉપર દબાણ લાવી રહી છે. અમે અહીં બે દિવસ રોકાવાના છે.
આ છ ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેનમાં પોરબંદર આવ્યા હતા. નિર્મલ ઉપરાંત ગોપીચંદ મીણા, જબ્બર સિંહ, ધર્મેન્દ્ર મોચી, ગુરુદીપ શાહપિની સામેલ છે. જયપુર આ બધાને મૂકવા આવેલા ધારાસભ્ય અશોક લાહિરીએ કહ્યું હતું કે, તેઓ પોતાની મરજીથી તિર્થાટન પર જઇ રહ્યા છે. રાજસ્થાન પોલીસ, તંત્ર પરેશાન કરે છે.
6 ધારાસભ્યો સાંજે પાંચેક વાગ્યે ચાર્ટર પ્લેન મારફત પોરબંદર પહોંચ્યા છે. જ્યાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ ધારાસભ્યોને આવકાર્યા હતા. જ્યાં ચા-નાસ્તો કર્યા બાદ છએય ધારાસભ્યો કાર મારફતે રવાના થઇ મોડીસાંજે સોમનાથ સાંનિધ્યે પહોંચ્યા છે. અહીં સ્થાનિક ભાજપ સંગઠનના હોદેદારોએ ધારાસભ્યોને આવકાર્યા હતા.
આ અંગે ગીર સોમનાથ ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારએ જણાવેલ કે, ભાજપ પક્ષના રાજસ્થાન એકમના છ ધારાસભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે જેથી તેઓ માટે સોમનાથના સાગર દર્શન વીઆઈપી ગેસ્ટ હાઉસમાં છ રૂમો બૂક કરાવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો અહીં રાત્રી રોકાણ કરી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે.
અન્ય ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાની ચર્ચા છે. ધારાસભ્યો સાચવવાની વાત આવે ત્યારે અનેકવાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાનમાં શરણ લીધી છે ત્યારે હવે ભાજપે રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યોને સાચવવા કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં ભાજપની સત્તા છે, આવામાં અહીં ધારાસભ્યો સલામત ગણી શકાય. ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવાથી જગ્યા સલામત તથા રાજસ્થાનથી નજીક પણ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઇ જવામાં નહિ આવે. જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યાં પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે. રાજકીય હેતુ પાર ન પડે ત્યાં સુધી તમામને અહીં રાખવામાં આવશે. આ ધારાસભ્ય 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે. ભાજપના જ એક સિનિયર આગેવાનને ધારાસભ્યોના રોકાણની જવાબદારી સોંપવામાં આવી છે.
ગીર સોમનાથના ભાજપ પ્રમુખે સાગર દર્શન ધામમાં 6 રૂમ બૂક કરાવ્યા છે. આ હોટલ સોમનાથમાં આવેલી છે પરંતુ સૂત્રોનું માનીએ તો રાજસ્થાનના ઝાલોર, ઉદેપુર, સિરોહી, ડુંગરપુર અને બાંસવાડાના ભાજપના 12 ધારાસભ્યોને પાર્ટીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે મોકલ્યા છે. આ ધારાસભ્યોમાં સમારામ ગરાસિયા, જાગસી રામ કોળી, પૂરારામ ચૌધરી, ધર્મનારાયણ જોશી, ફૂલસિંહ મીણા, અમૃતલાલ મીણા, પ્રતાપ ગામેતી, બાબુલાલ ખરાડી, ગૌતમ મીણા, અર્જુનલાલ જીનગર, હરેન્દ્ર નિનામાનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. આ ધારાસભ્યો 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે અને આગામી 14 ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભાનું સત્ર મળવાનું છે.
બીજી બાજુ, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આ ધારાસભ્યોને ગુજરાત શિફટ કર્યા હોવા પર અલગ અલગ ધારણાઓ કરવામાં આવી રહી છે. તેમાંથી સૌથી વધુ ધારાસભ્ય વસુંધરા રાજેના સમર્થક હોવાનું કહે છે. જો કે, વસુંધરા રાજેના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે વસુંધરા રાજેએ જેપી નડ્ડા સાથે પાર્ટીની કાર્યશૈલીને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વસુંદરા રાજેના જૂથનું માનીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા સાથે વસુંધરા રાજેએ સ્પષ્ટ કહી દીધું છે કે, અમે પાર્ટીની સાથે છીએ. પરંતુ સ્વાભિમાન સાથે કોઇ સમજૂતી નહીં થાય. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે વસુંધરા રાજે અત્યારે 12 ઓગસ્ટ સુધી દિલ્હીમાં જ રહેશે અને 13 તારીખે જયપુર પાછા ફરશે. જો કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ જણાવ્યું કે, બીજેપી પોતાના ધારાસભ્યોને નજરકેદ કરી રહી નથી. પરંતુ જરૂર પડશે તો વિધાનસભા પહેલા પ્રશિક્ષણના નામે ધારાસભ્યોને જયપુરમાં બોલાવવામાં આવી શકે છે.
--------------
વસુંધરા રાજે સક્રિય
નવી દિલ્હી, તા. 8 : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સક્રિય થયાના અહેવાલો છે. છેલ્લા કેટલાક દિવસથી તેઓ દિલ્હીમાં છે. આજે તેઓ રક્ષામંત્રી રાજનાથસિંહને મળ્યાં હતાં. 
એ પહેલા ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને મહામંત્રી બી.એલ. સંતોષને પણ મળ્યાં હતાં. રાજસ્થાનમાં ચાલતા રાજકિય સંકટ મુદ્દે ચર્ચા થઈ હોવાનું જણાવાય છે. વસુંધરા છેલ્લા ઘણા સમયથી મૌન રહ્યાં છે અને એમના સમર્થક એવા 12 ધારાસભ્યોને ગુજરાત મોકલાયા છે ત્યારે એમની સક્રિયતા સૂચક છે.
----------- 
ગેહલોતનો યુ-ટર્ન: સરકાર સામે કાવતરા કેસમાં SOG તપાસનો સંકેલો
જયપુર, તા.8: રાજસ્થાનમાં અશોક ગેહલોતની કોંગ્રેસ સરકાર ઉથલાવવાની સાજીશના મામલે નવો જ વળાંક આવ્યો છે: આ મામલે તપાસ કરી રહેલી રાજસ્થાન પોલીસના એસઓજીએ વિધાયકોની સોદાબાજી સંબંધિત 3 એફઆઈઆર-28 દિવસ બાદ બંધ-કરી દીધી છે. આ પ્રકરણમાં કોઈ કેસ જ નથી બનતો અને અમે કોઈ કારવાઈ કરવા માગતા નથી એમ એસઓજીના વકીલ સંતકુમારે કોર્ટને જણાવતા કોર્ટે કેસમાં ધરપકડ થયેલા આરોપીઓ-સંજય જૈન, ભરત માલાણી અને અશોક સિંહને મુકત કરવા આદેશ આપ્યો છે.  જો કે આગામી તા. 14મીએ સીએમ અશોક ગેહલોતે વિધાનસભા સત્ર બોલાવ્યુ હોઈ એસઓજીના આવા પગલા અનુસંધાને વિવિધ અટકળો થવા લાગી છે.  ગેહલોત સરકારના આદેશથી સોદાબાજી મામલે તપાસ સંભાળનાર એસઓજીએ દસ જુલાઈએ કેસ નોંધાવ્યો હતો અને દાવો કર્યો હતો કે એક તસ્કરનો મોબાઈલ સર્વેલન્સ પર લીધા દરમિયાન અમને આ સાજીશની જાણ થઈ અને બ્યાવરના રહીશ ભરત માલાણી અને ઉદયપુરના રહીશ અશોકસિંહે અનેક લોકો સાથે મળી આ સાજીશમાં સામેલ હતા. એસઓજીએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટને નોટીસ જારી કરી હતી અને રાજદ્રોહની કલમો તળે કેસ દાખલ કરાયો.
જો કે ગયા મંગળવારે એસઓજીએ આ કેસ આઈપીસીની કલમ 124 એ (રાજદ્રોહ) શ્રેણીમાં નથી આવતો એમ જણાવી કેસને એસીબીને સ્થાનાંતરિત કરી દીધો છે. પ્રથમદર્શીય રીતે આ કેસનો અપરાધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 2018 હેઠળ આવતો હોઈ તમામ દસ્તાવેજ આગળ ઉપરની કારવાઈ માટે એસીબીને મોકલી આપ્યા છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer