યુનોમાં ડી કંપનીનો મુદ્દો ઉઠાવતું ભારત

યુનોમાં ડી કંપનીનો મુદ્દો ઉઠાવતું ભારત
ભારતે કહ્યું, દાઉદ-ડી કંપની પર કાર્યવાહી જરૂરી: પાક. ઉપર પણ પ્રહાર
નવી દિલ્હી, તા. 8 : ભારતે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી કંપનીના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ઉઠાવ્યો છે. ભારતે કહ્યું હતું કે, ઈસ્લામિક સ્ટેટની જેમ ડી કંપની જેવા ખતરા ઉપર પણ આંતરરાષ્ટ્રીય સમૂદાયે મળીને કાર્યવાહી કરવી જોઈએ. યુએનએસીમાં આતંકવાદ અને ઓર્ગેનાઈઝ ક્રાઈમ ઉપર ખુલ્લી ચર્ચા દરમિયાન ભારતે કહ્યું હતું કે, 1993 મુંબઈ બોમ્બ હુમલાના આરોપીને પાડોસી દેશમાં શરણ મળે છે. પાડોસી દેશ હથિયારોની તસ્કરી અને નારકોટિક્સ ટ્રેડનું હબ બની ગયો છે. આ ઉપરાંત યુનોથી પ્રતિબંધિત ઘણા આતંકવાદી સંગઠનોને પણ શરણ મળે છે.
યુએનએસીમાં ભારતે કહ્યું હતું કે, ડી કંપની એક ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈક સિન્ડિકેટ છે. જે સોનું અને નકલી નોટની તસ્કરી કરે છે. 1993મા મુંબઈ બોમ્બ હુમલાને અંજામ આપીને  સિન્ડિકેટ આતંકી સંસ્થામાં બદલી ગઈ હતી. આઈએસઆઈએલ સામે સામૂહિક એક્શનની સફળતાનું ઉદાહરણ છે કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય સમૂદાયના ફોકસથી પરિણામ મળે છે. દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી કંપની, લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા સંગઠનો અને પ્રતિબંધિત વ્યક્તિઓના જોખમ પ્રત્યે પણ આવી જ કામગીરીની જરૂર છે. જેનાથી માનવતાને ફાયદો થશે. ભારતે એમ પણ કહ્યું હતું કે, આતંકવાદને પ્રોત્સાહન મળતું હોય અને જેની જમીન ઉપર આતંકવાદને પ્રોત્સાહન મળતું હોય તેવા દેશોને પણ જવાબદાર ઠેરવવાની જરૂરિયાત છે. સુરક્ષા પરિષદના પ્રસ્તાવોમાં સભ્ય દેશોની પ્રાથમિક જવાબદારી હોવી જોઈએ કે આતંકવાદી ઘટનાઓ રોકે અને આર્થિક મદદ બંધ થાય. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer