રાજકોટમાં ગાંઠિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

રાજકોટમાં ગાંઠિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા
વળતા હુમલામાં એક હુમલાખોર ઘાયલ : ચાર શખસ સકંજામા: પાંચ પુત્રીએ પિતાની છત્રછાંયા ગુમાવી
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.8 : રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડના બકાલા વિભાગમાં મોડીરાત્રીના ગાંઠિયાની  રેંકડીએ ચોટીલાના કાઠી શખસ સહિતના શખસોએ ગાંઠિયા ખાધા બાદ પૈસા આપવા બાબતે દુકાનદાર સાથે માથાકૂટ કરતા વચ્ચે પડેલા ભરવાડ યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. જ્યારે વળતા હુમલામાં ચોટીલાનો કાઠી શખસ ઘવાતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ચાર શખસોને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવ અંગેની વિગત એવી છે કે મંછાનગરમાં રહેતા દિનેશ હીરાભાઈ ફાંગલિયા નામના ભરવાડ યુવાનની ગતમોડી રાત્રીના માર્કેટ યાર્ડ પાસે ચોટીલાના મોલડી ગામના રવિ કાઠી સહિતના શખસોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટયાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતા અને યાર્ડમાં મજૂરી કામ કરતા દિનેશ હીરાભાઈ ફાંગલિયા નામનો ભરવાડ યુવાન રાત્રીના યાર્ડે હતો ત્યારે જૂના બકાલા વિભાગ પાસે આવેલી ગાંઠિયાની દુકાને ચોટીલાના મોલડી ગામના રવિ કાઠી તથા તેના સાગરીતો ગાંઠિયા ખાવા આવ્યા હતા અને ગાંઠિયા ખાધા બાદ પૈસા આપવા બાબતે ગાંઠિયાવાળા સાથે માથાકૂટ કરતા દિનેશ ભરવાડ ઝઘડો કરતા રવિ કાઠી સહિતનાને સમજાવવા જતા રવિ કાઠી સહિતના ઉશ્કેરાયા હતા અને દિનેશ  ભરવાડને વાસામાં છરી ઝીંકી દીધી હતી. આ અંગેની જાણ થતા દિનેશનો ભાઈ રામદેવ તથા અન્ય મિત્રો આરટીઓ પાસે બેઠક ધરાવતા રવિ કાઠીને સમજાવવા જતા ફરી ઝઘડો થયો હતો અને દિનેશ ભરવાડને બે શખસોએ પકડી રાખ્યો હતો અને રવિ કાઠીએ પડખામાં છરીનો ઘા ઝીંકી આંતરડા કાઢી નાખી નાસી છૂટયા હતા અને દિનેશ ભરવાડને હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસે મૃતક દિનેશભાઈના ભાઈ રામદેવ હીરાભાઈ ફાંગલિયાની ફરિયાદ પરથી મોલડી ગામના રવિ કાઠી તથા તેની સાથેના રાજદીપસિંહ રવુભા, લાલા કાઠી, રાહુલ આહિર, અજય કોળી અને સંજય  કોળી સહિતના વિરૂધ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. મૃતક દિનેશ ચાર ભાઈ અને બે બહેનમાં નાનો હતો. આ બનાવના પગલે પાંચ પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવતા ભરવાડ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસની વધુ તપાસમાં રાત્રીના મૃતક દિનેશ ભરવાડ સાથે માથાકૂટ થયા બાદ ભાઈ રામદેવ તથા તેનો મિત્ર માનસરોવર પાર્કમાં રહેતો સુરેશ ઉર્ફે ભુરો જોગવા સહિત પાંચ મિત્રો સ્કોર્પીયો કાર લઈને રવિ કાઠીની આરટીઓ પાસે આવેલી હોટલે બેઠક હોય ત્યા મળવા ગયા હતા ત્યારે  રવિ કાઠીએ ઝઘડો કરવા આવ્યા હોવાનું જણાવી માથાકૂટ કરી હતી અને હથિયારો કાઢતા રામદેવ ભરવાડ તથા તેના મિત્રોએ પણ સકોર્પીયોમાંથી ધોકા-પાઈપ કાઢયા હતા અને રવિ કાઠી સહિતના પર હુમલો કર્યો હતો અને સૂર્યદેવ હોટલવાળા રાજદીપસિંહ રવુભા અને અન્ય અજાણ્યા શખસે મૃતક દિનેશને પકડી રાખ્યો હતો અને રવિ કાઠીએ પડખામાં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને નાસી છૂટયા હતા. પોલીસે મોલડીના રવિ જેઠુ ખાચર નામના કાઠી શખસની પણ ફરિયાદ પરથી દિનેશ, સુરેશ ઉર્ફે ભૂરો ભરવાડ, રામદેવ ભરવાડ અને ચાર અજાણ્યા શખસો વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસે દિનેશ ભરવાડની હત્યા પ્રકરણમાં ચાર શખસોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer